ગુજરાતી બાળવાર્તા સંપદા/હું અને ગુલમોર
ધ્રુવી અમૃતિયા
‘વિનોદભાઈ, તમારો દીકરો એક અઠવાડિયાથી શાળામાં નથી આવ્યો. એ ક્યાંય બહા૨ ગયો છે કે તેની તબિયત ઠીક નથી ?’ શાળાના શિક્ષક ભરતભાઈ ઘરના દરવાજે ઊભા ઊભા જ પૂછી રહ્યા. ભરતભાઈને આવકારતાં વિનોદભાઈએ જણાવ્યું, ‘ના, ના. રાજુ ક્યાંય બહાર ગયો નથી કે બીમાર પણ નથી. ‘તો એ શાળાએ કેમ આવતો નથી?’ ‘એ તો તમે જ રાજુને પૂછી લો ને...’ રાજુ સાહેબનો અવાજ સાંભળી બહાર આવ્યો. સાહેબને નમસ્તે કર્યા. રાજુને જોઈને સાહેબે સીધુ જ પૂછી લીધું, ‘રાજુ, તને ભણવા આવવાનું મન નથી થતું કે ભણવામાંથી ૨સ ઊડી ગયો છે ?’ ‘ભણવામાંથી તો નહીં, પરંતુ માણસમાંથી રસ ઊડી ગયો...’ એવું મનોમન બોલતાં સાહેબ સામે તો રાજુ ચૂપ જ રહ્યો. રાજુની ચૂપકીદીથી સાહેબ કંઈ સમજી ના શક્યા. વિનોદભાઈએ રાજુ સામે જોઈને કહ્યું, ‘તું તારી સમસ્યા સાહેબને જણાવ તો એ તને કંઈક મદદ કરી શકે.’ આટલું સાંભળતાં તો રાજુની આંખમાંથી ટપ ટપ આંસુ સરવા લાગ્યાં. ‘સાહેબ, હવે હું ક્યારેય એ સ્કૂલમાં નહીં જાઉં. જ્યાં કોઈ નડે એને દૂર કરી દેવામાં આવે.’ ‘એટલે ?’ સાહેબ કંઈ સમજી ન શક્યા. એટલે એમ કે, આપણી શાળાના પ્રાંગણમાં જ લાલચટ્ટાક ફૂલ લીલાં લીલાં પાનથી લચી ગયેલ એક ગુલમોર હતો.’ ‘હા, એ તો ગયા અઠવાડિયે જ આચાર્યસાહેબે કપાવી નાખ્યો.’ ‘તો તમે એનું કારણ પૂછ્યું નહીં ?’ રાજુથી જરા મોટેથી બોલાઈ જવાયું. ‘અમે શું પૂછીએ ? એ શાળાના હેડ છે.’ ભરતભાઈ જરા નિરાશ અવાજે બોલ્યા. ‘હેડ છે એટલે એ ગમે તે નિર્ણય લઈ શકે ? જ્યારે અમે ઑફિસમાં જઈને આ વિશે પૂછ્યું તો કહે, આ ઝાડ વચ્ચે નડતું હતું. મેદાનની શોભા બગાડતું હતું, એક ઝાડ કાપવાથી શું ફર્ક પડશે ? આમેય દર વર્ષે નવાં ઝાડ ફરજિયાત રોપવાં પડે છે...’ ડૂસકાં ભરતાં ભરતાં રાજુએ સાહેબને નિર્દોષ ભાવે પછી પૂછ્યું, ‘એમ તો અમને પણ આચાર્યસાહેબ નડે છે, તો એમને પણ આ શાળામાંથી કાઢી ન શકાય ? એમના એકના જવાથી શું ફર્ક પડશે ?’ રાજુનો પ્રશ્ન સાંભળી ભરતભાઈ મનોમન બોલ્યા, બોલવા જેટલું કરવાનું સહેલું હોત તો કેટલું સારું. રાજુ બોલી તો શકે છે ! અમારા માટે તો એ પણ અશક્ય છે, પરંતુ આ બધું સમજવા માટે રાજુ ઘણો નાનો છે ! ‘પણ રાજુ, આ વાત માટે ભણવાનું તો ના છોડી દેવાય ને?’ એવું કહેવા જતાં ભરતભાઈ અટકી ગયા. રાજુનો ચહેરો જોતાં લાગ્યું કે, હજુ પણ રાજુના મનમાં રોષ ભરેલો છે. એને સાંભળવો જોઈએ. રાજુએ જ આગળ કહ્યું, ‘સાહેબ, તમને ખબર છે, આ શાળામાં મારો પહેલો દોસ્ત કોણ હતો ?’ ‘ના’. ‘એ ગુલમોરનું ઝાડ જ. અરે, ત્યારે એ ઝાડ ક્યાં હતું ! હતો એક નાનકડો છોડ ! પહેલા ધોરણમાં દાખલ થયો, ત્યારે એ છોડ રોપવામાં આવેલ. અને તેને પાણી પિવડાવી ધ્યાન રાખવાની જવાબદારી મને સોંપી હતી.’ રાજુએ કહ્યું : ‘મારા માટે એ ફક્ત છોડ જ ન હતો, પરંતુ રિસેસ સમયમાં હું નાસ્તો કરતો ને એ પાણી પીતો. ક્યારેક લેસન ના કર્યું હોય ત્યારે સાહેબ વર્ગની બહાર જવાની સજા કરતા, ત્યારે મારા માટે તો મારા દોસ્ત સાથે વાતો કરવાની મજા જ હતી ! સાહેબ સામું જોતાં રાજુ આગળ કહી રહ્યો : ‘હું એક પછી એક ધો૨ણમાં આગળ વધતો ગયો ને એ રોપામાંથી ઝાડ બનતું ગયું. આજે તો એ એટલો મોટો હતો કે મારા જેવા કેટલાયે એના મિત્રો બની ગયા હતા ! મારો આવો ખાસ મિત્ર વચ્ચે નડતો હતો, ફક્ત આ જ કારણ માટે મિત્ર સમા ઝાડને કાપી નાખ્યું !’ રાજુના મનનો ભાર હળવો થયો એવું લાગતાં સાહેબે કહ્યું, ‘તારા જેટલું જ દુ:ખ મને પણ થયું છે. આમ તું શાળા છોડી દે એના કરતાં તારા મિત્રની યાદમાં કંઈક કરવું ન જોઈએ તારે ?’ ‘હું શું કરી શકું ?’ રાજુ પ્રશ્ન પૂછી રહ્યો. ‘તું એકના બદલે અનેક વૃક્ષો વાવી શકે, તેની માવજત કરી શકે ને બીજાને તેની ઉપયોગિતા વિશે પણ સમજાવી શકે.’ સાહેબની વાત સાંભળી રાજુની આંખમાં ચમક આવી. રાજુએ તેના પિતાજી સામે જોતાં કહ્યું, ‘હું કાલથી જ શાળાએ જઈશ’. બીજા દિવસે રાજુએ શાળામાં જઈને જોયું તો શાળામાં ઘણા બધા નાના નાના ફૂલ-ઝાડના રોપા હતા. ભરત સાહેબ અને બીજા શિક્ષકો સાથે મળીને રાજુ અને તેમના મિત્રોએ શાળામાં અને શાળા બહાર પણ વૃક્ષારોપણ કર્યું. સાહેબની મંજૂરી લઈ ગુલમોરનો છોડ રાજુ તેમના ઘરે લઈ આવ્યો અને આંગણામાં તેને રોપ્યો. રાજુને ફરી શાળાએ જતાં જોઈને વિનોદભાઈ પણ રાજી થયા.