ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘છિન્નભિન્ન છું’ - ઉમાશંકર જોષી.
૧. ‘છિન્નભિન્ન છું’ □ ઉમાશંકર જોષી
●
છિન્નભિન્ન છું.
નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો,
માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,
ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,
વિચ્છિન્ન છું.
કોણ બોલી? કોકિલા કે?
જાણે સ્વિચ્ ઑફ્ કરી દઉં.
તરુઘટામાં ગાજતો આ બુલબુલાટ —
કુદરતના શું રેડિયોનો
સાંસ્કૃતિક કો કાર્યક્રમ!
ચાંપ બંધ કરી દઉં? શું કરું એને હું?
વસંતપંચમી કેમ આવી ને કેમ ગઈ,
મને ખબર સરખી ના રહી!
પ્રકૃતિ, તું શું કરે?
મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.
માની લીધેલી એકતા વ્યક્તિત્વની
શતખંડ ત્રુટિત મેં નજરોનજર દેખી લીધી છે.
રાગમૂર્તિ, દ્વેષમૂર્તિ, ભયમૂર્તિ —
ત્રિમૂર્તિએ ઘાટ દેવા બહુ કીધું.
તમારે સ્મરણે રુધિર નાચી ઊઠ્યું,
તમારે દર્શે હૃદય રાચી ઊઠ્યું,
ને વિરહમાં બસ મરણ યાચી ઊઠ્યું,
તમે મારી ઝંખનાનું મધુર પ્રેયોરૂપ —
રાગમૂર્તિ, નમોનમો!
તમે મારી વાસનાનું કાલકૂટ વિરૂપ,
આંખની પ્યાલી મહીં ઊછળેલ અગ્નિકૂપ,
ઊડેલ શ્વાસોચ્છ્વાસ સાથે દગ્ધ હૈયાધૂપ,
તમારા સ્પર્શે નયન-પક્ષ્મો વિખૂટાં —
દ્વેષમૂર્તિ, નમોનમો!
તમારા શવ-આશ્લેષથી શીત છૂટ્યાં,
હીર હૈયા તણાં છેક સુકાઈ ખૂટ્યાં,
ચેતનાસ્પન્દનો મંદ આક્રંદ-ડૂબ્યાં,
તમે મારી કામનાનો નગ્ન નિશ્છલ છંદ —
ભયમૂર્તિ, નમોનમો!
એક-કેન્દ્ર વ્યક્તિત્વ કરવા મથ્યાં તમે મારે માટે
અને દીક્ષા આપી પ્રેમધર્મની,
જેના કખગઘનેયે પામવાનું કેમે કરી
ફાવતું નથી હજીય.
ને છતાંય ગાડું આ ગબડે છે,
કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્.
જુઓ પેલા મારા પ્રિયતમ શ્રીમાનને:
પ્રેમ દ્વારા ચાહતાં નથી આવડતું એમને,
ધિક્કાર દ્વારા જ ચાહતાં ફાવે છે ભલા જીવને.
ભલે એમ તો એમ, ઝઘડવાનો સમય ક્યાં છે?
તમારી શરતે ચાહીશ તમને.
અને આ રહ્યા મારા દ્વિતીય-હૃદય:
પોતાની પામરતાથી ખરડે છે બહુને,
પોતાની વંકાઈ થકી મરડે છે સહુને.
અરે એથી સારી રીતે વર્તવું એને શક્ય હોત,
તો આ રીતે કોઈ કદી વર્તતુંય હશે ખરું કે?
ને ઓ પેલા ભૂતપૂર્વ… મારા.
અપૂર્વ અનુભવ થયો એમના નિમિત્તે
વારંવાર રટ્યાં કર્યું મારા મને:
તમને ધિક્કારવાની મને ફરજ નહિ પાડી શકો.
કદીય ધિક્કારી શકાય, એક વાર ચાહ્યું જેને?
અરે, તું તો દુનિયાને કાંઈ જ સમજતો નથી!
— કહે છે અનેક મને.
બીજા કહે: દુનિયાનો છેક જ છે જીવ તું.
હા, દુનિયાનો શિષ્ય છું હું.
દુનિયા તો દુનિયાદારીમાં માનતી નથી જ નથી.
નથી એણે યાદ રાખ્યા કોટિપતિ,
સફળતાના શહીદોને નથી તે સંભારતી.
મોટા મોટા થઈને જેઓ ફર્યા’તા તેનેય
વિસ્મૃતિની રાખ નીચે ઢબૂરી દીધા છે એણે.
દુનિયા દુનિયાદારીમાં માનતી જો હોત તો તો
કવિઓને, પાગલ પેલા પ્રેમીઓને, સંતોને
સંભારત ક્ષણેય શા માટે?
સંભારે ન સંભારે કોઈ એની તથા શાને?
સ્મૃતિ? હા, સ્મૃતિ એ જ તો જીવન છે.
આ પૃથ્વીનાં પડ તે ચિરંતન ટકશે, ને આ ઉષ્મા
હૃદય તણી તે વિફળ વીખરશે?
ના, ના, ના! સૂર્યને ગરમ રાખવામાં એ જરી જરીક શો
સહારો દેશે,
હૃદય હૃદયના ધબકારે તે પુનર્જીવતી ત્રિભુવનદિગ્વિજયી સંચરશે.
કોણ જાણે?
અટાણે તો ધબકો આ એક પછી એક ઓછી
થતી જાય.
અનંતીકરણ એનું શક્ય હશે? જાય —
વૈશાખી ખાખી લૂ-લીલા વરસે આકાશથી ત્યાં
પુલ પર થઈ જાય — સરી જાય બસ.
ગૉગલ્સ-આંખો ચિંતનમાં ડૂબેલીય તે હોય તોયે
નીચેથી, સાબર, તારું પાતળુંક ઝરણું
— આનન્ત્ય-મૃગજળ પ્રતિ દોટ દેતું ભોળકડું હરણું —
એ ક્ષીણ પ્રવાહ-પટીની ટાઢકની ધાર
પુલ વીંધી વૈશાખી દોજખ મહીં આરપાર
મારા ચૈતન્યને અડે ને ઠારે અર્ધક્ષણ
દોટ દઈ રહેલી બસ ફરી થાય આહુતિ
ગ્રીષ્મના લૂ-યજ્ઞની જ્વાળાઓ મહીં તે પહેલાં.
મારા લઘુ હૈયાની આ અજાણી ધબક
એટલું જો કરી શકે? એટલું ના કરી શકે?
કદાચને ના કરી શકે તો… …
દિનરાત રાતદિન ખિન્ન છું,
એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું.
ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.
સમગ્ર કવિતા