ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘મોન્ટા કોલાજ’ – જગદીશ જોષી.

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૧. મોન્ટા-કૉલાજ □ જગદીશ જોષી



પારદર્શક કાચના
વેનીશિયન બ્લાઈન્ડની
આડશ કરી
બહારની દુનિયાની રંગીલી દિનચર્યા
અમે જોઈએ છીએ અને માનીએ છીએ
કે
અમે તો આમ કરીએ છીએ
દુનિયાથી અજાણ.
અમારી સામે
ગેલેરીઓ, બારીઓ, પડદાઓ, દરવાજા, ખંડો...
દીવાનખંડો, ભોજનખંડો, પ્રાર્થનાખંડો, શયનખંડો
ઘરો-ખંડો...
અનેક ઘરોમાં વૃત્તિ અને પ્રવૃત્તિના
કૉલાજને
આંખની ખીંટી ઉપર લટકાવીને
અમે અમારા મનની દીવાલોને
શણગારીએ છીએ.
ક્યાંક જામેલી નાનકડી મહેફિલ;
ક્યાંક ટકરાતા ખાલી પ્યાલા, ભરેલી બોટલો...
વચ્ચે બરફના ટુકડા જેવું ખખડતું ટાઢુંબોળ હાસ્ય;
ક્યાંક ગોઠવાતા ખાનગી કેબેરે;
ક્યાંક ટી. વી. સ્કીનના પ્રકાશની ઓથે લપાતું
કુટુમ્બની વાચાનું અંધારું;
ક્યાંક અવ્વલ નંબરના ડાઈનિંગ ટેબલ પર
પીરસાતી બે-નંબરી નોટો;
ક્યાંક કલાની સરજત સમા અરીસા સામે
કલ્પનાના સૌન્દર્ય માટે
વાસ્તવિકતાની લટકાળી આજીજી;
ક્યાંક ડબલ બેડ પર રડતું
એકાકી ઓશીકું;
ક્યાંક બીજાની વારતાના તેલથી બળતા
દીવા જેવી કિતાબનું સાન્નિધ્ય:
ક્યાંક બંધ આંખે
સંગીતને ઝાંખા પ્રકાશમાં માણતી રસિકતા;
ક્યાંક પૈસાની લાલચના જોરે
પત્તાંની જેવી ફિરતથી ફરતી ભેરુબંધી..
પરંતુ એક જગ્યાએ
બારી ખુલ્લી, પડદા ખુલ્લા ને લાઈટ બંધ.
શું હશે ? ઝાંખી ચહલપહલ ! શું હશે ?
ઉત્તેજક રહસ્યમયતાના અંધકારે
દૂરબીનને પણ નાકામિયાબ બનાવ્યું.
જરા ઉપરથી જોઈએ ?
કુતૂહલ તો ઉપરના વેન્ટીલેટરમાંથી
ડોકિયાં કરવા લાગ્યું !
ગમે તેમ કરીને પણ
કોઈની આત્મીયતાની ક્ષણોના સાક્ષી થઈ
માનસિક રીતે પણ કોઈને ખલેલ પહોંચાડી શકાય ?
(રસ્તે દોડતી ટેક્સીઓ....)
પણ, અંધકારની અડીખમ દીવાલ
પેલા બે-નું રક્ષણ કરે છે.
નાસીપાસ થયેલું દૂરબીન
હતાશાના પટ્ટા પર ઝૂલ્યા કર્યું.
પારદર્શક કાચના બનાવેલા
વેનીશિયન બ્લાઈન્ડની પટ્ટીઓ પર
શ્વાસની તેજીલી ગતિથી ઊભરાતી વરાળનું થર
જામવા માંડયું
અને
દૃષ્ટિ વગરના દૂરબીનને જાણે મોતિયો.નડ્યો !
ચલચિત્રની ગતિથી ધસમસતા
આ ભીતરિયા ઘોંઘાટનો પડદો ચીરીને
એક સૂરીલી માદકતા ક્યાંકથી ઊડી ગઈ :
આગોતરા ને પાછોતરા પડછાયાઓએ
આંખ સામેથી ભૂંસી નાખી
ઈમારતીય દુનિયાની બખોલ-પરસ્ત રંગીની.
કુદરતની કારવાહીમાંથી પ્રશાન્તિ પીવા માટે
આંખો ઢળી નિદ્રાની સામુદ્રધુનિમાં.
માનવપ્રકૃતિની તરલ રસિક-રિક્ત-તા
કે
આદ્યા પ્રકૃતિની સહજ રસિકતા ?
સપનાંના તરંગો પર લહેરાતી વનરાઈ :
ચાંદની ઓઢીને આફેલગાફેલ પડેલી
વનરાઈનાં ઘેઘૂર અંગો ઉપર
પવનનો સરકતો હાથ ફર્યો....
અને
સમગ્ર કાળને થયેલા રોમાંચની
ચાડી ખાઈ બેઠાં
સૂક્કાં-સૂનાં પાંદડાંઓ !

***