ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘સંબંધ’ - રાવજી પટેલ.
૪. ‘સંબંધ’ □ રાવજી પટેલ
●
(ક્ષયમાં આત્મદર્શન)
●
પેલી ટેકરીઓનાં પગલાં
મારા કાન કને અફળાતાં
હું
ઊંઘું ને લફ્ ફક કરતી કૂદી આવે;
પાંપણમાં પણ ડબાક દેતી ડૂબે !
પરોઢનાં ઝુમ્મર પરવાળાં
નજીકની નિદ્રાનાં કેશલ ટોળાં
જમીન પર ઊપસેલાં ઝુમ્મર
જુવારના દૂધમી દાણામાં
સૂરજ જેવું હસતાં ઝુમ્મર
લોચનમાં લલકાતાં ચમ્મર
ચાર દિશા સંકેલી
સારસ પાંખોને ખંખેરે...
મારી ઇચ્છાને અડકીને
કૈં કાબર તેતર જેવું હફડક દોડે.
મારી ઊંઘ ભેદીને પીમળી મહુડલ ટેકરીઓ
સોરઠનું આકાશ છીપમાં ભરી લોભવે સમણામાં.
હું સંચરતો કે શ્વાસ પ્હેરીને નિદ્રા પગલાં વીણે.
પેલી ટેકરીઓનાં પગલાં
મારી આંખોમાં અમળાતાં
ગોબર મોજાં પર ઘૂમરાતાં
રગ રગ ઊંડાં જઈ પથરાતાં
સારસ પાંખ બની શય્યામાં
શય્યા ભૂરો ભૂરો અમલ આંખનો
અંધારાનો ઘાટ લ્હેરતો
સૂકો મૂકો દલિત દરિયો ક્ષણે ક્ષણે વ્હેરાતો;
હું કયા પુરુષનો અવાજ સૂતો ?
મરાલની પાંખો નીચે
હું ક્ષણે ક્ષણે બટકાતો.
આ મચ્છરદાની
પડખામાં ઝાલરિયું પાંખર મુખરે.
મારા અંગ અંગ પર કલરવ કરતો ચાંદ.
મને વાવલિયા ઢોળે હાથ દૂરના.
ખૂણે ખૂણે ચિંતાયું આકાશ, ધૂળ અજવાળું પ્હેરે...
મોરપિચ્છની ટીલડી વચ્ચે
નગર દ્વારિકા મ્હેકે.
ઊંઘની રજવાડી ઑ
ઘડીક જાણે રાયણ મહુડો મ્હોર્યો.
હું ડમરાની ગંધ સરીખો ફોર્યો.
સોનાની હવા બધે ડમરાતી પગલાં પાડે
પગલું પાંપણની પરસાળે અંકાતું;
પગલું અરબ દેશમાં અત્તર થઈ છંટાતું.
પગલાં ભાતીલાં વેરાયાં
ઢગલાં દેવ પાળિયે આયાં
દરિયો પાંપણમાં ચીતરાયો
પગરવ પાંપણમાં પથરાયો
મખમલ દૃષ્ટિમાં વીંટાયો.
દરિયો જીવ થઈ ગૂંચવાયો
રૂડો રતનાળો રવ
સમણામાં ભંતાયો.
સમણું હડસેલી કોરાણે
ઝાલું હાથ પાળિયા કેરો.
હજ્જડ હાથ ત્યહીં ફેલાતો
આ તો વજ્જર વ્હેતું વનમાં
પથ્થર હાથ હવે પ્હોળાતો
આ તો સ્તબ્ધ દુંદુભિ રણમાં...
હાથ
મૌનનો મોભ બની તોળાતો...
●
વ્હિસલ સ્ટીલ સલાખા
ચંચલ માછલીઓ થઈ પથરા
વ્હેળા મૂંગાની દૃષ્ટિમાં પટકે માથાં
હું કેટકેટલું તર્યો !
હું મડદાની આંખોમાં તરવા લાગ્યો...
એમાં આખડ પાખડ રવડું
એમાં સેલણ ભેલણ રઝળું
એમાં સિમેન્ટનું હું પગલું.
એ પર ગીધ નકરણાં અખબારો થઈ રહેતાં;
એમાં ખરા પાળિયા વ્હેતા
ખરા પાળિયા પથ્થર
માટી
પથ્થર જથ્થર
હજ્જડ બજ્જડ ખેતર વચ્ચે ઊભા
ઊભા ઊભા ગળાબૂડમાં ડૂબે !
ભઈ,
ખરા પાળિયા ખેતર વચ્ચે ખૂંપ્યા
નકલી નગરપાલિકા ઉપર દૈવત દાખે.
હું તો મડદાંની આંખોમાં તરવા લાગ્યો !
હું તો મરી ગયેલી જીભે ગાવા લાગ્યો !
હેડ ન્યૂસના ફેંટા બાંધી
વ્યંઢળ બેઠા તીરે જોને.
રામ અમલમાં રાતામાતા
દાઝણહારા ડૂબે જોને.
ખરા પાળિયા અરમાયા સૌ
નજર વગર ઝંખાયા;
માટી લીલાછમ અગ્નિ વચ્ચે ઝડપાયા.
સૌને તડકોબાજ નર્યું ચંચાટે
સબદી પાઘડીઓ ચંચાટે
સૌને માથે ધૂળ પલાઠી વાળે...
એ તો સાચાં સીમ-ઘરેણાં
ઝંખાયાં તે ગીરવે મૂક્યાં.
ઇતિહાસ આપણો ધરાતાળ ગીરવે મુકાયો,
છાંયો ઘરમાં ને ઘરમાં સુકાયો.
બાપનું મૂછઠરેલું નામ ચોપડે ઉધરાયું.
રક્ત તણો રણપડઘો મારો પટકાયો.
હિસાબમાંથી યુગ મરેલો કાઢ્યો.
એને ઘઉંના તોલે તોલ્યો.
મારી સગી નજર શો ઝફર
આંખથી બટકી લીધો...
કોકે મારો હાથ હલાવી પીધો !
મારો હાથ શોધવા ઉથામ્યો,
મારો ઉધરાયેલો હાથ ગયો ક્યાં ?
આ કોયલકંઠી પેન હવે કકળે છે.
મારી રત્નજડિત સંભાળ ગઈ ક્યાં ?
આ પ્હાડ જેવડાં ઘેટાં ક્યાંથી આવ્યાં ?
ખાલી પાલી ખવીશ ક્યાંથી પેઠા ?
શ્વાસમાં રસ્તો લાંબો લાગે.
શ્વાસમાં પગલાં ખડકાં વાગે !
આ તોતિંગું છલ
રગ રગમાં રેલાયું.
બાળકના દાંત સરીખું પ્રભાતિયું;
ખંડેર હવામાં ફૂટવા લાગ્યું...
ભઈ
ધવલ કંપમાં એક એક મ્હોં
તતડી આવ્યું. પાંદડ છૂટી ગંધ લયોચિત
વાચા પ્હેરી.
મારી
અડધી ઇસ્લામી ને અડધી હિન્દી જીભ ઉપર
ઔરંગી તલવાર જડાફા લેતી.
સમસમ અવળસવળ ધીંગાટે અમને આખા.
અમને જનોઈની ગોફણ વીંઝીને
પૂર્વજ છુટ્ટા મારે.
અમને જનમઘડીએ
પૂર્વજ લમણે લાગ્યા,
અમારા વજ્જરધૂપના દોર
અમારી કુંડલીઓને વાગ્યા.
●
વાગ્યા કે વેરાયો
ઘઉંમાં સૂતેલો દળણામાં દળાય સૂરજ એવો
કોઠે કોઠે વેરાયો
વેરાયો વાતોમાં
વાતોમાં ખોડાયેલો સોલંકીવર નખરું આંજે
તળાવની નબરી ચુડેલો
નવીસવી કો પરણેતરનો કોઠો માંજે.
ત્રણ વરસની કીકીમાં
પડખાં ફેરવતી
શંખણીઓ મધરાતે ચીસે.
મધરાતે માળાનો મણકો
માળામાંથી છટકે.
શિવજીનો ભોરિંગ ગળે વીંટીને
ચડિયો ટાઢું તાંડવ વેરે.
આ સઘળું ૐ બનીને બેઠું
આ તૂત તતૂડું મારાથી ના છેટું
આ મારી આંખ કને ઊભો તે
રાત દિવસ
મારા જીવવા
પર કલાકે
અડધે કલાકે
ડંકાની છડી
પુકારે. મારી
સામે લાંબો
લાંબો લાંબો
માણસ જાણે
લાંબો ઊભો
મારો સમય
સાચવી ઊભો.
ગામ જેવડો
મોટો ટાવર
બાપદાદાથી
મોટો ટાવર
સગાંસંબંધી
કોઈ નથી
પણ રાતદિવસ
ડંકાતો ઉપરી
રાજા જેવો
પ્રહરી ટાવર.
એક ઝાટકે સિંહ વાઢીને
પ્લીઝ કરે રાજાને
તે પણ મારાથી ના છેટો.
એક ઝાટકે સિંહ વાઢીને
ખોબામાં કપાળ રાખે
રાજા સન્મુખ;
રસ્તાની કોરે બેઠેલો તે
એક ઝાટકે કપાળને ખોબામાં રાખે...
મરી ગયેલી ફેણ સરીખું કપાળ
માથેથી ઊતરેલું
ખોબામાંથી ઢળી જાય પણ
મુગટ પર ના ચડે.
તે પણ મારી રંક નજરનો વાસી.
હું વગડાનો ફળફળતો ચિત્કાર.
હું સાવરણીનાં રૂંછાં જેવી ભવિષ્યરેખા.
હું પયગમ્બરનો નકલી ચહેરો
મૂંગો હાહાકાર કારમો
હાથ વગરનો બૉમ્બ
બધું રંખેદી નાખી શોધું અત્તરતત્તર મારો
વેરાયેલો હાથ;
મારો હાથ ગયો ક્યાં ?
પયગમ્બરની બટકાયેલી જીભ ગઈ ક્યાં ?
●
મારો પૂર્વજનમનો કૅમેરા
મેં વાંસ ઉપર મૂક્યો’તો
તે ભઈ, કોણે લૂંટ્યો ?
હજી યુદ્ધનો અંત નથી અહીં આવ્યો
ને રણ કંપોઝાતું રોટી સવારે.
વાંસ ઉપરથી કોણે ઝૂંટવી લીધો
મારો પૂર્વકાવ્યનો કૅમેરા... ?
હજી ગીધના પંછાયા અથડાતા કાને
હજી ભાંગેલાં ગામ પેનમાં ઊતરે...
M.V.ની ટીકડીમાં સાંધ્યા શ્વાસ અમારા
એમ્બીસ્ટ્રીનથી હજી ચણાતાં મકાન જૂનાં
સઘળું આ શય્યાથી સંધાયું.
લાંબું લાંબું માણસમોહ્યું,
શ્વેત ગંધથી ઢંકાતી ટેકરીઓ
શય્યાથી પાસે આવીને કલરાતી કુંવરીઓ
મારી શય્યાથી આરંભ્યો મોટો વૉર્ડ,
વૉર્ડમાં દીવાસળીની વેરાયલી સો સળીઓ...
સળીઓ જેવા
ખર્ખર જૂના જર્જર ભીની કીકી(ઓ)માં
ટેકરીઓ બાંધી ઝબકે.
શ્વેત ભેજમાં દશીઓ ભપકે.
દરેકની મુઠ્ઠીમાં પડ્યો પડ્યો ગંધાય અનાગત
દરેકની મુઠ્ઠીમાં ઉકેલ અમરતજૂની વાવ
દરેકની મુઠ્ઠીમાં સળગે મસાણજૂનાં
કાળ પાથર્યો ચંદન ચંદન
દરેકની મુઠ્ઠીમાં.
●
આ બધા મારું દુઃખ છે.
જત લખવાનું કે આ બધા મારી કીકીમાંથી
સરનામા વગર ઓછા થાય છે. બીજું કે
રા. રા.ની છાશ પરથી માખણ જેવા અને
વાચામાંથી સ્વર જેવા ઓસવાય છે.
તદુપરાંત વૉર્ડના ચહેરાઓ સામેથી
ઝટપટ આરતીની જેમ જાદરકાંચળીની
ઝાલર ઝપટો સેરવી લીધી હતી તે
કુંવારી આંખોમાં એકઠી થઈને મારી
આંખમાં આવી છે. જેથી કરીને આ
બધાના કરતાં મને એકલાને દરિયાનું
ભૂત વળગ્યું છે.
લોકો મને કવિ કહે છે. એ જરા આનંદની
વાત; નહીં ?
●
આ પડ્યા પાથર્યાં T.V. SET ઝરડાય,
શબ્દમાં શય્યાઓ તરડાય,
થોરની શય્યા પર યુગોથી કકળે
વૃદ્ધ જાગરણ મારું.
મારો અમિયલ કૂંપો તૂટે.
મારો લ્હેરાતો લય બટકે.
મુજને મડદામાંથી પાછો ખેંચી પૂછે :
તમે કોણ ચાહણવંતા સોલંકી ?
મારા મડદામાંથી ખેંચી કાઢે મુજને
મારા મડદામાંથી સાવ સડેલાં શ્હેર
ખોતરી કાઢે !
મારા મડદા પર મૂકીને
મારું નામ મને પડકારે.
આ બધા સડેલા સંદર્ભો પર
માછલધોયું ઢાંકે.
એમાંથી એમાંથી મારો હાથ નર્યો ખરડાયો,
મારો હાથ હવે ના જડે,
હું ટેટી તૂટ્યો તડકો થઈને જાગું,
હું અબીલ જેવો ભભકો થઈને રાગું,
હું તો આરસ જેવો લીસ્સો ધુમ્મસ લાગું.
હું હાથ વગરનો હવા રામ.
એક મેયર થઈને હરુંફરું
કે
રઝળું રોડું થઈને.
એક પાઈની કિંમત જેવો થઈ થઈને
પણ ખખડું.
હું મારો માબાપ.
દુઃખમાં હું મારો માબાપ.
ઘડીક ગુન્હો
ઘડીક મંદિર કળશ બનીને ચમકું.
મારાથી હું માપું મુજને
પણ માખીથી નાનો.
માખીથી ખાલી નાખી; આખી ઓઢી
તોય વધી
ચોકમાં પાથરતાં પણ વધી
ગામ પર છત્તર છાતાં વધી.
માખીથી ઢંકાયું બંગાળ,
માખીથી ઢાંક્યું હિન્દુસ્તાન,
હત્તરી હું –
હું મારો સંતાપ.
હું મને ભજું હંમેશ.
ફરકતી શ્રાવણની મધરાત –
તણા કુંતલની ઘેરી ગંધ
શબ્દોમાં મત્સ્યચંચલા થઈને.
શબ્દોમાં મેં જીવ પરોવ્યો,
શબ્દ સાચવે અવાજ
શબ્દ તો નવરાતીનો ગરબો,
ગરબામાં એક અવાજ સળગે
ધરતીની તિરાડ પેનની સ્ટીલ ઉપર અંકાઈ.
સ્ટીલ ઉપરથી સળગે મારો સ્વર.
ધાબા પર ટૂંટિયાં વાળીને સૂતા
ઉપર ફફડે તારાનું એક સસલું
તે પણ ઊતરી આવે શબ્દ થઈને.
ધોધવે લયલિસોટે લપટાયો છે
અલ્લડ જોગી ભૂપેન ખખ્ખર.
હથેલીઓની હળદરમાં કંકુ કાલવતો
વડોદરાની ગલીઓ અહીં ઠાલવતો,
ચીતરેલું રણ હું જાણું છું
એક લસરકે ગીર ગાજતો જાણું છું હું
એથી
પડાવ પર પડતા પોકાર ગીધના
સાંગ પાંગ થઈ
મોટા માણસ સંજય થઈને જુએ...
અંધારાની પાછળ રહીને
સૂરજ જે ચીતરે છે ત્રાડો,
હું સૂતો છું જાણે
અંગ વગરનો રેલો
રેલો અવાજથી બંધાયો
પાંખ વગરના પક્ષીથી સંધાયો,
ગાલે તરતા કાળા ભમ્મર તલમાં ડૂબેલો.
હું સદીઓથી... તે રેલો થઈ ફંટાયો.
●
રોજ સવારે
ગિલોલમાંથી છટકેલા પથ્થર શો
આવું તેજવિશ્વમાં.
રોજ સવારે
જલ વગરનું મોજું થઈને
કાળા ભમ્મર કેશ ઉપર જઈ રેલું.
રોજ સવારે
રસ્તા પરનાં પગલાં લાવી પાંપણ વચ્ચે મેલું.
રોજ સવારે
ઝંડાના વચલા પટ્ટાનાં ચીરા ચીંથરાં કરું એકઠાં;
દિગ્પાલોથી સાંધુ.
ફૂલેલું ફાલેલું પેલું ઝાડ સકેલું બીમાં.
રોજ સવારે
સુવાવડા મનનાં સંભળાતાં પડખાં ધીમાં ધીમાં.
થાય : હંમેશાં શ્વાસ સુંવાળાં શરીર બનીને પાસે
બેસે;
એ બચપણ જેવા દૂર દૂર
હું દૂર ગયેલો ઘરમાં પાછો આવું –
મૃત્યુ જેવો અદીઠ સરતો શ્વાસ
અહીં આ ખરતા તારા વચ્ચે
કરેણનાં ફૂલની ઝાલર રણકે છે
ગરાસીઆના કાને
ગરાસીઆના સાફાની કલગીમાં
ડેલી ડોલતી રે લોલ;
ગરાસણીની કપૂર જેવી બોલસા પર
સાપ સવળતો વ્હાલો
ડેલી ડોલતી રે લોલ;
ગરાસીઆનાં રજવાડાં રૂંવાડે ડંખ્યાં
ગરાસણી ઘોળી ઘોળીને આલો
ડેલી ડોલતી રે લોલ.
રે ખેતરનું એકાંત રક્તમાં ધસી આવતું.
અનંગ વાચા થઈને.
બીડ ઉપરથી હવા આવતી ઓઠે
કોઠે (એને) નહીં જન્મેલું
બાળક કણસે.
અંધારાની બ્હાર ફરકતું વેરણછેરણ શરીર
દૂર દૂર
ડાંગરનું કકરું કરકરીઆળું લાંબું સૂકું પાન
હવાને ઘસાય
કે (મારે)
ધબકારે રૂંવાડે આંખે અંગે અંગે લાગે
તળાવ વાવ ઊંડાણ કંપતું...
ભર્યું ભર્યું ઊંડાણ જીવતું.
પગની નીચે પાથરતો હું મને જાઉં પરદેશ
હું મને મેદાન બનાવી વયો જતો પરદેશ
જે શબ્દ ઉપર
હું નથી ગયો તે ઉજ્જડ પરદેશ
હું નથી ગયો તે ઉજ્જડ નિર્જન દેશ
મળ્યો નથી હું જેને એના મનમાં હું ચીતરેલું
લંબાયું મેદાન,
હું જીવીશ સૂંઘી
સ્વર્ગ નર્યું ઉજ્જડ
સ્વર્ગમાં સૂર્ય નથી અત્યારે
સ્વર્ગમાં રાત નથી અત્યારે
સ્વર્ગમાં શય્યાની કુમાશ નથી અત્યારે
સ્વર્ગમાં સતત સળગતા શ્વાસ નથી અત્યારે,
અત્યારે અહીં
માતાની કીકીનો નમણો લિબાસ
થઈને પથરાયો છું.
હું ચરણ મૂકું ત્યાં નીચે નકરી ધરા
આ બધું બધું બસ મોટું – મારું
મારી ઇચ્છાથી કોકિલના ટહુકા સરે
પાંપણથી સૂર્ય ઉદય થાતો
પાંપણને બીડું કે પટ સૂરજ રાણો થાય સપૂજો.
માખીની પાંખ, પંખીની ચાંચ, ચાંચમાં વડનો ટેટો
હજાર વડલા અધ્ધર પધ્ધર ઊડે
આડા અવળા ઝગે આગિયા,
ગયા બરોડા પ્રયાગ પૅરિસ સિલોન કાશી
જપાન રશિયા કલકત્તા પર ચક્કર વક્કર
લચ્ચર પચ્ચર સાધુઓ પર
હજાર વડલા અધ્ધર પધ્ધર શાખાઓનો
ઘટાટોપ છવરાય.
હજારો નદીઓ કેરા કરોડ પાલવ ફફડે
પર્વત-વનની ટોચે ટોચે ચીલે ચીલે
લીમડે ચાલે.
મકાનની ડેલીમાં ડોલે
અદીઠ વડની શાખાઓ થઈ હવા...
હું હવા તણો માલિક.
હવે મેં મરવાનું પણ મોકફ રાખ્યું.
મારા જીવવાનો વટ જુદો હમણાં
ઘણી વાર તો છું જ નથી
કે બળવા માટે જન્મ્યો ક્યાં છું – એવું લાગે
આવી દુનિયા વચ્ચે ઊંઘ કાનમાં મૂકી
આખી રાત જાગતો કૂતરાં તમરાંમાં ફરું
કે ભઈ ઘણી વાર તો
જીવવાનું આ લફરું પણ બીજાને માથે નાખું.
ઘણી વાર તો
શ્વાસ વગર રિરાઇટ કરું છું કાવ્યો જાણે.
કે ભઈ ઘણી વાર તો
આત્મા જેવો ભાર દેહમાં નથી સમૂગો એવું લાગે.
કોક મરે કે
ઇલોરાની સ્તબ્ધ જિંદગી + ઝાડીનું કોતર +
બકરાના છુટ્ટા દાંત + નવી પ્રસૂતા + વાદળ =
વેરણ છેરણ શ્વાસ.
બીડ ભણી દડ જેવાં ગરીબ ઘેટાં
દડબડતાં તે મારો માંસલ અવાજ
મારી કુમાશ પુદ્ગલ
મારી નસમાં સરતા સાપ સુંવાળા
આડા અવળા ફેણ પછાડે પળે પડે.
દેહ વગરનાં બાળક જન્મે મનની યોનિમાંથી
ફરક કળાય ના એવું અગડમ સરજું
સૂતો સૂતો સોનગઢ પર હાથ ફેરવું.
●
હું પ્રેમ કરું નહીં,
પ્રેમ એટલે એંઠાં બોર
એવો પ્રેમ પદારથ પામે એવા દાસ રચું નહીં.
દરેકના કોઠામાં સૂતું નાનું પાણી
કોઠો કોઠામાં ચુમાય,
બાપનો સ્વભાવ એના બાળકમાં ગંધાય,
ભાઈના ચહેરામાં મા-બાપ-બહેનનો સરવાળો રેખાય.
આપણાં કષ્ટોનું કારણ છે એંઠું બોર
વત્સો, શરણ કોઈનું સ્વીકારો નહીં.
વત્સો, આમ્રવૃક્ષને છાંયે વનમાં બેસો નહીં.
આપણાં નષ્ટોનું તારણ છે એંઠું બોર.
એંઠું બોર જનમ જન્માંતર થઈને ઊગે.
નહીં તો ખિસકોલી તફડી તફડીને મરે તોય શું ?
અમને દોરાથી સાંધીને ભેગા બાંધ્યા
તતડક દેતા તૂટીએ
લો આ સ્ટૉપ કર્યું લપ.
ભૂતકાળના વાઘા તોડ્યા,
સૃષ્ટિના સોફા પર સૂતેલી ગૂંથે સ્વેટરમાં
કલકત્તા.
ટાંકા તડૂક તૂટે દૃષ્ટિના
લંગર લફરક દઈને તૂટ્યાં
દરિયો પાણીને પડતું મેલીને ભાગે
દરિયો જૂનું દરદ રામનું,
દરિયો કામરાજના કપાળની કરચલચલ્લીમાં
જાત લપાડી માછલીઓને માગે
T. V. SET પર પછડાતો ભૂતકાળ
અરે આ ઝીણું ઝીણું કોણ ઝરે છે ?
●
અરે આ કોણે અમને ઝીંક્યા ?
આ પડ્યા પાથર્યાં T. V. SET ઝરડાય.
અમને મરી ગયેલા મારે
અમને પોતાના પડકારે
ઘરમાં લોટ દોહીને ઉછેર્યા તે રણે ચડ્યા.
વાસી અજવાળાંનું શહેર લૂંટવા રણે ચડ્યા
ભગવી ભાષા પાથરતા સૌ રણે ચડ્યા
ભઈ ચકલીની પાંખ ઉપર મંદિર ચણાતું
જરી જેટલા જીવવા ઉપર દાન વાગતું.
મારી સપનાળી ઊંઘોને ઊઠ્યા ફરફોલા
વત્સો, મારી નરમ નરમ મોટાશ – ગાલની ટશર
ઉપર શઢ છૂટ્યા.
લંગર લફરક દઈને તૂટ્યાં
ભઈ
હું મડદાંની આંખોમાં તરવા લાગ્યો !
●
સદીઓથી મૂંગી ચોપડીઓ
કીડીઓ સદીઓથી બોબડીઓ
વત્સો શરણ તોતડું
વાંકુંચૂંકું ૐ બોબડું
સંતાતું સદીઓથી
બીકથી પ્રસવેલું વેરાન ફરે સદીઓથી,
એણે પૃથ્વીને રગદોળી કષ્ટી ઈશ્વર થઈને,
એણે સરજેલી સરજતને અંત હોય છે
હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા
એણે સરજેલું કષ્ટાય પંડમાં
હું આવ્યો છું હવે અંતહીન નિદ્રા ઘડવા.
- તા. ૧૯-૧૦-૬૭, તા. ૮-૧-૬૮
અમરગઢ/ક્ષય ચિકિત્સાલય
('અંગત')