ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સામયિક લેખ સૂચિની રજત-જયંતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સામયિક લેખ સૂચિની રજત-જયંતિ!

આમ તો આ સૂચિ-કર્મ સાથે ડૉ. કિશોર વ્યાસ ઈ.૧૯૯૫થી જોડાયેલા છે એટલે ૨૦૨૦ સુધી પહોંચતી આ સૂચિ-પ્રવૃત્તિએ ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે. ‘પ્રત્યક્ષ' સમીક્ષા-સામયિક ચાલતું હતું ત્યારે, છેક ૧૯૯૫માં વિચાર આવેલો કે આપણાં પ્રમુખ સાહિત્ય-સામયિકોમાં કેટકેટલી ને કેવીકેવી અભ્યાસસામગ્રી એક તેજલિસોટાની જેમ આપણને અજવાળીને પછી ભૂતકાળમાં સરી જાય છે! અનેક લેખકોના એ કિમતી લેખો સમયમાં વિખેરાઈ જવાના. એટલે કોઈ વિષય પર અભ્યાસ-સંશોધનનું કામ કરનારે પોતાને ઉપયોગી લેખો માટે કેવો રઝળપાટ કરવો પડવાનો? તો, એ લેખ-સામગ્રીને અત્યારથી જ, કોઈ શાસ્ત્રીય વ્યવસ્થાદ્વારા વર્ગીકૃત કરીને સુલભ કરી આપી હોય તો કેવું – એ વિચારમાંથી ‘સામયિક લેખ સૂચિ'નો વિચાર આવેલો. શરૂ કર્યું સીધું ‘પ્રત્યક્ષ'માં, દર વર્ષે પ્રગટ કરવા. તરત પ્રસન્ન પ્રતિભાવો આવવા લાગ્યા. સૌને લાગ્યું કે આ તો સામ્પદ્નત વિવેચનનો એક ચહેરો જ પ્રગટ થતો જાય છે... પાંચ વર્ષે આ સૂચિ સંકલિત કરીને ગ્રંથરૂપે મૂકી –‘સામયિક લેખ સૂચિ ૧૯૯૬-૨૦૦૦'. એમાં અન્ય મિત્રો સાથે કિશોર વ્યાસનું પ્રદાન પણ હતું. પરંતુ પછી તો કિશોર વ્યાસે જ એ કામ ઉપાડી લીધું. છેક ૨૦૧૫ના વર્ષ સુધી ‘પ્રત્યક્ષ'માં એમણે એકલે હાથે તૈયાર કરેલી સૂચિઓ પ્રગટ થતી ગઈ ને દર પાંચ વર્ષે એ સંકલિત સૂચિ-ગ્રંથો પ્રગટ કરતા ગયા. એમના એવા 3 ગ્રંથો મુદ્રિત થયા છે, આ ૪થો ગ્રંથ–૨૦૧૬થી૨૦૨૦ સુધીનાં વર્ષોની સૂચિ – હવે વધુ વ્યાપક રૂપમાં ઈ-પુસ્તકદ્વારા પ્રગટ થાય છે. એ તબક્કે આ ઉપયોગી જ્ઞાન-સંદર્ભ માટે કિશોર વ્યાસને અભિનંદન! — રમણ સોની