ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સૂચિપ્રવેશ વેળાએ
સૂચિપ્રવેશ વેળાએ
૨૦૧૬ થી ૨૦૨૦ સુધીની સામયિકોમાં પ્રકાશિત અભ્યાસલેખ, સમીક્ષાઓ, આસ્વાદો આ સૂચિમાં પ્રસ્તુત છે.
આ પૂર્વે ૨૦૦૧ થી ૨૦૦૫, ૨૦૦૬ થી ૨૦૧૦ અને ૨૦૧૧ થી ૨૦૧૫ સુધીની સૂચિ પુસ્તક સ્વરૂપે તૈયાર કરીને આપના હાથમાં મૂકેલી છે. આ સૂચિઓ સાથે ૧૯૯૫ થી ૨૦૦૦ની રમણ સોની સંપાદિત સૂચિને પણ ધ્યાનમાં લઈએ તો આપણી ભાષામાં સમયાંતરે લખાતા રહેલા વિવેચન લેખોનું પચીસ વર્ષોનું વિહંગાવલોકન પામી શકાય એમ છે. કઈ કૃતિઓની વ્યાપક પ્રમાણમાં સમીક્ષા થઈ છે? ક્યાં સમીક્ષકોના હાથે સમીક્ષા થાય છે? સાહિત્યમાં કેવા સૈદ્ધાન્તિક ઊહાપોહ શક્ય બન્યા છે? સર્જન-વિવેચનના કેવા વલણો પ્રવર્તી રહ્યા છે? આ અને આવી અનેક બાબતોની તથ્યમૂલક શાસ્ત્રીય સામગ્રી આ સૂચિઓમાં પડેલી છે. સમયના લાંબા પટને સૂચિ હાથવગો અને એકત્રિત કરી આપે છે. આ રીતે આપણી અભ્યાસ પરંપરાને ઓળખવા-પામવા અને વિકસાવવા સૂચિઓ મદદે આવે છે. આવી સૂચિ અભ્યાસીઓના શ્રમ અને શક્તિને બચાવે છે એ સાથે અભ્યાસના તારણોને પણ સંશુદ્ધ કરવામાં ખપમાં લાગે છે, કહોકે વેરવિખેર સામગ્રીને, જુદાજુદા સામયિકોમાં ઢંકાયેલી સામગ્રીને પ્રકાશમાં લાવવાનું કામ સૂચિ વડે શક્ય બને છે. ઉમાશંકર જોશીએ ‘આ જમાનામાં તો સૂચિ એ જ ગ્રંથનો દીવો છે’ એમ કહ્યું છે એ યાદ આવી જાય.
અહીં સંકલિત કરેલી આ સૂચિનું સ્વરૂપગત માળખું આ મુજબ છે. ૧ સામયિકો : ગુજરાતી ભાષાનાં નોંધપાત્ર ગણાયેલા મોટાભાગના સામયિકોને અહીં આવરી લેવાનો પ્રયત્ન છે.તમામ સામયિકોના પૂરાં નામ દર્શાવ્યા છે જેથી સૂચિનો ઉપયોગ કરનારની અનુકૂળતા વધી છે. ૨ મુખ્ય વિભાગો અને પેટા વિભાગો : ઉદા. ૧ કવિતા એ મુખ્ય વિભાગ અને ૧.૧ કવિતા (સંગ્રહ)સમીક્ષા ૧.૨ કવિતા અભ્યાસ (પ્રવાહદર્શન અને સૈદ્ધાંતિક લેખો) કવિતા, વાર્તા આદિથી વિવેચન, સંશોધન જેવા પ્રકાર વિભાગો પછી સાહિત્યચર્ચા, સર્જકોની મુલાકાતો, કેફિયતો આદિ લેખસામગ્રીને સમાવી છે. અન્ય-વ્યાપક પ્રકારના પુસ્તકો અને લખાણોમાં લલિતકળાઓ, ફિલ્મ, શિક્ષણ આદિ વિષયોના લેખોની સામગ્રીને પણ અહીં સમાવી લીધી છે. ૩ અધિકરણનું સ્વરૂપ અને ક્રમવ્યવસ્થા: લેખોને એના શીર્ષક-વિષય-કૃતિની અગ્રતાવાળા અકારાદિ ક્રમે મૂકીને પછી એની અન્ય વિગતોને નીચે મુજબ દર્શાવી છે. શીર્ષક-વિષય-કૃતિ (કર્તા,સંપાદક,અનુવાદક)-લેખક (સમીક્ષક, આસ્વાદક, વિવેચક), સામયિકનું નામ, પ્રકાશન માસ, વર્ષ, પૃષ્ઠક્રમાંક - થી - આ માળખાને રજૂ કરતા અધિકરણોના ઉદાહરણો : વિભાગ: ૧ કવિતામાં ૧.૨ કાવ્યસંગ્રહ સમીક્ષા: આનંદધારા (પ્રવીણ ગઢવી) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૫૬ - ૭ - રમણ વાઘેલા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૩૪ - ૯
કંદમૂળ (મનીષા જોષી) - ઉષા જે. મકવાણા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૭૧ - ૫ આટલા દ્રષ્ટાંતો પરથી પણ નીચેની બાબત સ્પષ્ટ થશે.
૧ સામગ્રી એની ઉપયોગિતાની દ્રષ્ટિએ સ્પષ્ટ રહે એ માટે કૃતિ, કર્તાનું નામ (કર્તાનું નામ કૌંસમાં), એ પછી -ડેશ રાખીને સમીક્ષકનું નામ, સામયિક અને એની ત્રણ વિગતો-માસ, વર્ષ અને પૃષ્ઠક્રમાંક દર્શાવ્યા છે.
૨ આ વિગત પરથી જોઈ શકાશે કે પ્રવીણ ગઢવીના કાવ્યસંગ્રહની આ સમયગાળામાં ત્રણ સમીક્ષાઓ થઈ છે જ્યારે મનીષા જોષીના સંગ્રહની એક સમીક્ષા થઈ છે. કૃતિનો અભ્યાસ કરવા માગતા અભ્યાસીને આ સામગ્રીની વિગતો એક જ જગાએથી હાથવગી બને છે આ સૂચિને કારણે. સમગ્ર સૂચિ પરથી આવી સામગ્રીગત અને બીજી અનેક અભ્યાસ વિગતો-તારણો અને અભિધારણાઓ તારવી શકાય એમ છે. સૂચિમાં નીચેની બાબતો ધ્યાનમાં લેવા વિનંતી છે.
સમીક્ષા અને આસ્વાદ વિભાગમાં તેમ વિવેચન-સંશોધન કૃતિ અભ્યાસમાં લેખકે આપેલા લેખશીર્ષકને સમાવવાને બદલે વિષયનિર્દેશને ધ્યાનપાત્ર ગણીને કૃતિનામ મુજબ શીર્ષકો કર્યા છે. એ જ રીતે અનિવાર્ય ન લાગ્યા ત્યાં લેખશીર્ષકો મૂક્યા નથી. એક જ વિષયના અધિકરણો સાથે મળી રહે એ માટે ક્યાંક લેખશીર્ષકના આગળ-પાછળનાં પદોને કૌંસમાં મૂકીને અકારાદિ ક્રમ જાળવ્યો છે. ચરિત્ર-ગ્રંથકાર અભ્યાસમાં બહુધા ગ્રંથકાર વિશેષને ધ્યાનમાં લીધા છે. શ્રધ્ધાંજલિઓમાં સંસ્મરણ-વ્યક્તિ પરત્વેના ભાવ સંવેદનોથી આ બંનેને જુદા પાડ્યા છે.બાળસાહિત્ય કે ભાષાવિજ્ઞાન ક્ષેત્રોમાં લેખોનું પ્રમાણ મર્યાદિત હોવાથી એના પેટાવિભાગો કર્યા નથી.
આશા છે કે આ પાંચ વર્ષની સામયિક લેખસૂચિ અભ્યાસીઓને ઘણી મદદરૂપ ને ઉપયોગી નીવડશે.
એકત્ર ફાઉન્ડેશન આ સંદર્ભને તેમ આપણી ભાષાના અનેક પુસ્તકોને, સંચયોને આપ સુધી પહોંચાડવા જે ઉત્સાહથી, નવતાથી કામ કરી રહ્યું છે એ નવા મુકામનો સંકેત આપી રહે છે.
આભાર અને આનંદ સાથે.
— કિશોર વ્યાસ