ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/‘મિત્રાણામ્ સૂચિકારોસ્મિ'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મિત્રાણામ્ સૂચિકારોસ્મિ
સૂચિઓ જેવાં જ્ઞાન-સહાયક સંદર્ભસાધનોનો મહિમા હજુ આપણા મનમાં પૂરો વસ્યો નથી. એમાં માહિતીનું ને સામગ્રીનું જંગલ આપણને દેખાય છે; એમાં નથી કલ્પનાશીલતા, નથી વિચારશીલતા – એવી આપણી છાપ છે. ખરેખર તો સૂચિ એ જંગલ પણ નથી ને એમાંની રઝળપાટ પણ નથી; વાસ્તવમાં એ આપણને રઝળપાટમાંથી છોડાવે છે સાહિત્યસર્જન અને સાહિત્યવિવેચનનોઆપણો વારસો, એક ગંજાવર મુદ્રિત-અમુદ્રિત મૂલ્યવાન ભંડાર રૂપે નજીકના ને દૂરના ભૂતકાળ સુધી ફેલાયેલો છે. એને કેવળ સ્મરણથી સંકલિત કરી શકાતો નથી – એટલે એ વેરવિખેર છે, ઢંકાયેલો છે, કેટલોક તો ભુલાઈ ગયેલો છે. એને એકત્રિત કરીને ને વૌજ્ઞાનિક વ્યવસ્થામાં ઢાળીને સૂચિકાર આપણા હાથમાં મૂકે છે – કહો કે પેલા ગંજાવરને હાથવગું કરી આપે છે. આપણે કોઈ એક સર્જક વિશે, કોઈ એક સાહિત્યસ્વરૂપ વિશે, કોઈ વિવેચન-વિભાવના વિશે એક અભ્યાસલેખ કરવા બેઠાં હોઈએ અને એને વિશે કોણેકોણે ક્યાંક્યાં લખ્યું છે એ જાણવું જરૂરી હોય – જરૂરી હોય જ; ને એની શોધખોળ કરવી હોય; કોઈ મોટું કામ લઈને બેઠાં હોઈએ ત્યારે તો અનેકવિધ સંદર્ભોની જરૂર પડે; એથી હવે ક્યાં કેવી રીતે જઈશું એવી વિમાસણ થતી હોય – એવે વખતે સૂચિકાર એની તીક્ષ્ણ ટૉર્ચના પ્રકાશથી તે તે સ્થાન ચીંધી બતાવે છે, એને અજવાળી આપે છે : Let there be light and there was light...

સંશોધન કરનાર જાણે છે કે ઘણી વાર એકબે વિગતોને અભાવે પણ તારણો ખોટાં પડતાં હોય છે. કેટલીક વાર તો એ સંશોધક, પૂર્વે શોધાઈ ગયેલું હોય એને જ ફરી શોધવા ફાંફાં મારતો હોય; કેટલીક વાર વળી શોધ-ખોળના બધા અંધારા ખૂણા એની નજરે ન ચડયા હોય ને એ અટવાતો હોય ત્યારે જાણે કે આકાશવાણી થાય છે! – ‘ચિંતા ન કર, મિત્રાણામ્ સૂચિકારોસ્મિ' મિત્રોમાં હું સૂચિકાર છું.
— રમણ સોની, ‘પ્રત્યક્ષ', ડિસેમ્બર, 2007-માંથી