ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંપાદકનું નિવેદન-બીજી આવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદકનું નિવેદન

બીજી આવૃત્તિ

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘ગુજરાતી સાહિત્યકોશ’ના ૩ ગ્રંથો સાહિત્યકોશ ખંડ: ૧ મધ્યકાળ’ ઈ.સ. ૧૯૮૯માં (નકલ ૨૦૦૦), ‘સાહિત્યકોશ ખંડ: ૨ અર્વાચીનકાળ’ ઈ.સ. ૧૯૯૦માં (નકલ ૨૦૦૦) તથા ‘સાહિત્યકોશ ખંડ: ૩ સાહિત્યિક પ્રકીર્ણ’ ઈ.સ. ૧૯૯૬માં (નકલ ૧૦૦૦) પ્રકાશિત થયા હતા. સાહિત્યના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, અભ્યાસીઓ અને સંશોધકો તેમજ વિદ્યારસિક જિજ્ઞાસુઓને માટે આ ત્રણે ગ્રંથો મોટા વ્યાપવાળા અધિકૃત સંદર્ભગ્રંથો તરીકે બહુ ઉપયોગી પુરવાર થયા હતા. ઘણા સમયથી આ ત્રણે ગ્રંથોની નકલો ખલાસ થઈ ગઈ છે ને અભ્યાસીઓ તરફથી પરિષદ પાસે એની માંગ થતી રહે છે એથી એને ફરી પ્રકાશિત કરવાનું અનિવાર્ય બન્યું છે. ત્રણેક દસકા પહેલાં પ્રકાશિત થયેલા આ ગ્રંથો હવે સ્વાભાવિક જ ઘણું શોધન અને સંવર્ધન માગી લે પરંતુ હવે વિદ્વદ-મંડળ ધરાવતું કોશ-કાર્યાલય ન હોવાથી, કોશને સંપૂર્ણ અદ્યતન કરવામાં હજુ ઘણાં વધારે વર્ષો થાય, ને એની માંગ સતત વધતી રહી છે. આ સંજોગોમાં, એક હાથવગો ને સરળ રસ્તો તો, આ મૂલ્યવાન સામગ્રીરૂપ ત્રણે ગ્રંથોને, એના એ જ રૂપમાં પુનર્મુદ્રિત કરીને તરત સુલભ કરી આપવાનો હતો. પરંતુ અમે વિચાર્યું કે કેવળ પુનર્મુદ્રણ કરવાને બદલે યથાશક્ય સંવર્ધન તથા સંમાર્જન કરીને અંશત: શોધિત-વર્ધિત આવૃત્તિઓ પ્રકાશિત કરવી. આ માટે તજજ્ઞોની સહાય લીધી છે પરામર્શકનું માર્ગદર્શન મળ્યું છે ને સંપાદક તરીકે જરૂરી સંકલન અને સંમાર્જન માટે અમે કાર્યરત રહ્યાં છીએ. પરિણામે સંતોષકારક શોધન-વર્ધન સાથેની આવૃત્તિઓ પ્રગટ કરી શકાશે.

કોશ ખંડ-૧ની આ નવી આવૃત્તિમાં નીચે મુજબનાં સંમાર્જન-સંવર્ધન કરી લીધાં છે : ૧. પહેલી આવૃત્તિનાં છેલ્લાં પાનાંમાં, કેટલીક શુદ્ધિ-વૃદ્ધિ ‘મહત્ત્વની શુદ્ધિ’ તથા ‘પરિશિષ્ટ’ એવાં શીર્ષકોથી સમાવેલી. નવી આવૃત્તિમાં, આ શુદ્ધિ તેમજ વૃદ્ધિને તે તે કર્તા-કૃતિનાં અધિકરણોમાં સમાવી લઈને કોશને અખંડ તેમજ વિશદ બનાવ્યો છે. ૨. પહેલી આવૃત્તિમાં, સરતચૂકથી, અકારાદિક્રમની કેટલીક ક્ષતિઓ રહી ગઈ હતી એ દૂર કરીને નવી આવૃત્તિને ચોખ્ખી કરી લીધી છે. ૩. પહેલી આવૃત્તિ (૧૯૮૬) પ્રકાશિત થયા પછી આજ સુધીના સમયગાળામાં જે મધ્યકાલીન કૃતિઓની હસ્તપ્રતો પરથી સંશોધિત વાચનાઓ મુદ્રિત-પ્રકાશિત થઈ છે એ મુ. એવી સંજ્ઞાથી ઉમેરી કોશને અદ્યતન (અપડેટ) કરી લીધો છે. આ માટે એક ઉપયોગી સંદર્ભ તરીકે ‘સમયદર્શી સાહિત્ય સંદર્ભ કોશ’ (સંપા. રમણ સોની) સહાયભૂત બન્યો છે. ૪. ‘મીરાં / મીરાંબાઈ’ પરનું અધિકરણ એ જ અધિકરણ-લેખકે, નવેસર ફરી લખીને મોકલ્યું છે એ સમાવી લીધું છે. એ ઉપરાંત ‘સમુદ્રવહાણ વિવાદ રાસ’ (યશોવિજયકૃત)નું કૃતિ - અધિકરણ નવું ઉમેર્યું છે. ૫. એ ઉપરાંત, કોશગ્રંથની પહેલી આવૃત્તિને સળંગ ઝીણવટથી ચકાસી લઈને, ધ્યાનમાં આવી તે વિગતો તથા જોડણીદોષો સુધારી લીધાં છે. સાહિત્યકોશની શોધિત-સંવર્ધિત આવૃત્તિના પ્રકાશન માટે પરામર્શક તરીકે મધ્યકાલીન સાહિત્યના તજજ્ઞ પ્રો. રમણ સોનીની સેવાઓ અને માર્ગદર્શન મળ્યાં છે એને કારણે અમારો કામ કરવાનો આત્મવિશ્વાસ વધ્યો છે એમનો આભાર માનીએ છીએ. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી પ્રકાશ ન. શાહ અને પરિષદના સૌ પદાધિકારીઓનો સાથ સહકાર કોશપ્રકાશનમાં હમેશાં રહ્યો છે એ સૌનો પણ આભાર માનીએ છીએ. કોશના પ્રકાશન માટે આર્થિક સહાય કરનારા દાતાશ્રીઓનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ; તા. ૩૧, ઑગસ્ટ, મંગળવાર કીર્તિદા શાહ