ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/પ્રારંભિક/સંપાદકીય-પ્રથમ આવૃત્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદકીય

(પ્રથમ આવૃત્તિ)

ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કરેલો ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૧ મધ્યકાળ અંગેનો છે, તો ખંડ-૨ અર્વાચીનકાળ અંગેનો છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૩માં મધ્યકાલીન અને અર્વાચીન કર્તા અને કૃતિઓ બાદ કરતાં ગુજરાતી સાહિત્ય વિષયક જે કંઈ નોંધપાત્ર સામગ્રી રહે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્દભવ અને વિકાસનો ઇતિહાસ, ગુજરાતી સાહિત્યપ્રકારો અને એમની ઉત્ક્રાંતિ, સાહિત્યશાસ્ત્રનાં વિભાવનાત્મક પાસાંઓ, સાહિત્યિકવાદો, સાંસ્કૃતિક સંદર્ભો, આધારગ્રન્થો, સાહિત્યિક સંસ્થાઓ, સાહિત્યિક પારિતોષિકો વગેરે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસવિસ્તારમાં ફાળો આપનારાં મહત્વના પરિબળોને અહીં આવરી લેવાયાં છે. એક તબક્કે, ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૩ની પરિકલ્પના વધુ મહત્વાકાંક્ષી હતી. એમાં વિશ્વનાં સાહિત્યો, ભારતીય સાહિત્યો, પૌરાણિક પાત્રો, અન્ય લલિતકળાઓ, ગુજરાતી વ્યાકરણની સંજ્ઞાઓ અંગે પણ વિચાર કરાયેલો. પરંતુ એથી કોશનું કદ ખૂબ વધી જતું હોવાથી એને લગતાં સ્વતંત્ર અધિકરણોને બદલે જૂજ અધિકરણોમાં એ સામગ્રીને આમેજ કરી લેવાની યોજના કરવામાં આવી. આમ, પ્રસ્તુત ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૩ને શક્ય એટલો સર્વપયોગી સંદર્ભગ્રન્થ બનાવવાનો પ્રયત્ન છે. ગુજરાતી ભાષાસાહિત્યના સામાન્ય વાચકોથી માંડી સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ, ગુજરાતી સાહિત્યનું અધ્યયન કરાવતા અધ્યાપકો કે ગુજરાતીના સંશોધકો-લેખકોને સાહિત્યિક વીગતો તત્કાળ ઉપલબ્ધ બને એ પ્રકારે માહિતીગ્રન્થ કે માર્ગદર્શકગ્રન્થ તરીકેની એની કામગીરી રહેશે. અહીં દરેક અધિકરણમાં દીર્ઘસૂત્રતાને શક્ય એટલી ટાળી છે. કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગરની વસ્તુપરકતાને લક્ષ્ય કરી છે. આજદિન સુધીની નવી ઉપલબ્ધિઓ અને નવા વિકસેલા અભિગમોને સમાવિષ્ટ કરવાનું પણ વલણ રહ્યું છે. અલબત્ત, જે તે નિષ્ણાતો પાસે અધિકરણો તૈયાર કરાવેલાં હોઈ, એમની ભિન્ન રુચિઓ અને ભિન્ન શૈલીઓનો પાસ એમાં ઊતરે એ સ્વાભાવિક છે. વળી, વિષયોની વિવિધતાને કારણે જુદી જુદી રીતે સામગ્રીનું સંશ્લેષણ કરવું પડે એ પણ એટલું જ આવશ્યક છે. આને કારણે અધિકરણોની એકરૂપતાનો પ્રશ્ન અલબત્ત, ઊભો થાય, તેમ છતાં શક્ય એટલી એકરૂપતાનો આગ્રહ રખાયો છે. આ કોશના અધિકરણોમાંથી લગભગ અડધા ઉપરાંતનાં અધિકરતો તો ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરના અધ્યાપકોએ લખેલા છે. એ ખરું કે ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ અને ખંડ-૨ વખતે જે સહાયકોનું જૂથ હતું એવું કોઈ સહાયક જૂથ એક યા બીજા કારણસર પછી રહ્યું નહોતું તેમજ અધ્યાપકોમાંથી પણ એકની અન્યત્ર નિમણૂક થતાં માત્ર બે જ અધ્યાપકોને શિરે આ સમગ્ર કોશની જવાબદારી આવી પડેલી. વિશેષમાં, ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૧ અને ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૨ પ્રકાશિત થયા પછી કેટલાક પ્રતિભાવો આવ્યા, કેટલાંક સૂચનો થયાં, કેટલીક ત્રુટિઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું, કેટલીક છૂટી ગયેલી વીગતો ધ્યાન પર આવી. આ સર્વને લક્ષમાં લઈને રહી ગયેલી સામગ્રીને શક્ય એટલી સમાવવા અને પ્રકાશિત સામગ્રીને શક્ય એટલી શુદ્ધ કરવા પ્રયત્ન કર્યો અને ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ અને ખંડ-૨ માટેની ‘શુદ્ધિવૃદ્ધિ’ (૧૯૯૪)ની પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી. આ કામગીરીને પણ સારો એવો સમય આપવો પડ્યો છે. આથી આ ત્રીજા કોશનો સમયાવધિ ચોક્કસ વધી ગયો છે. બીજું, આ પ્રકારના કાર્યમાં આપણી ભાષામાં કોઈ પૂર્વપરંપરા કે પૂર્વનિર્ધારિત નમૂનો ન હોવાથી આ ગ્રન્થે પોતે જ આધારભૂમિ બનવાનું હતું. વળી, આપણે ત્યાં સંદર્ભગ્રન્થવાચન કે કોશવાચનને લગતી તાલીમનો જેમ અભાવ છે તેમ કોશલેખનની તાલીમનો કે કોશ માટેનું લખાણ કેવું હોઈ શકે એના ખ્યાલનો અભાવ છે. એટલું જ નહીં, કાં તો એ કોઈ ઊતરતી કક્ષાનું લેખન છે એવા ખ્યાલને કારણે કે એમાં વધુ પડતી શિસ્તને જાળવવી પડે છે એવા કોઈ ખ્યાલને કારણે કોશલેખન પરત્વે આપણે ત્યાં એક પ્રકારની ઉદાસીનતા પ્રવર્તે છે. પહેલીવાર આવું વ્યાપક સાહિત્યકાર્ય થતું હોય ત્યારે અંગત કારણોસર કેટલીક મહત્વની કલમોનો સાહિત્યના વ્યાપક હિતના સંદર્ભમાં આ કોશને સહકાર નથી મળ્યો એ પણ અત્યંત ખેદજનક છે. આવી આવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ આ સાહિત્યકાર્ય પૂરું થયું છે એ અને એને પૂરું કરવામાં જે સહલેખકોએ ઉત્સાહથી સહકાર આપ્યો છે એ પણ એટલી જ આનંદજનક બાબત છે.

અહીં સામગ્રી સંપાદિત કરીને વર્ણાનુક્રમમાં પ્રતિનિર્દેશ સાથે ગોઠવેલી છે. કેટલીક અંગ્રેજી સંજ્ઞાઓના પર્યાયો આપણે ત્યાં હજી સ્થિર ન થયા હોય અને કેટલાક પર્યાયો અપરિચિત રહ્યા હોય તેથી પરિશિષ્ટમાં અંગ્રેજી-ગુજરાતી સંજ્ઞાસૂચિ આપેલી છે. જેને આધારે ક્યારેક વિષયપ્રવેશ તરત સુગમ બનશે. દરેક અધિકરણને અંતે અવકાશના અભાવે સ્ત્રોતસંદર્ભ જોડવો શક્ય નહોતો તેથી સંદર્ભગ્રન્થોની એક વ્યાપક સૂચિ પણ અહીં આપેલી છે. આ બધું છતાં આ પ્રકારના બૃહદ્ પ્રકલ્પમાં ક્યાંક સ્થૂળ, સામાન્ય વિધાન થયાં હોય, મહત્વનું કોઈ ઘટક કે મહત્વની કોઈ વીગત છૂટી ગયાં હોય યા અસાવધ સરતચૂકો થઈ હોય તો એ ત્રુટિઓને છેવટનું ઉત્તરદાયિત્વ મુખ્ય સંપાદકનું જ ગણાય એમાં કોઈ શંકા નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નિયુક્ત સલાહકારસમિતિનાં કીમતી સૂચનો માટે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન અંગે મળેલી આર્થિક સહાય માટે તેમજ જુદી જુદી દિશામાંથી મળેલાં માર્ગદર્શન માટે આ કોશ હંમેશા ઋણી રહેશે. ગુજરાતી ભાષાસાહિત્યનાં અધ્યયન, અધ્યાપન અને અનુશીલનમાં આ કોશ ક્યાંય પણ ખપમાં આવશે તો એ કોશનું સદભાગ્ય હશે.

— ચન્દ્રકાન્ત ટોપીવાળા