ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભરામ બાવા
Jump to navigation
Jump to search
અભરામ(બાવા) [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : મુસ્લિમ કવિ. પરિયેજ(તા. ભરૂચ)ના રહેવાસી. પીર કાયમુદ્દીનના (અવ. ઈ.સ. ૧૭૭૩) શિષ્ય. એમણે ગુજરાતી, હિન્દી તેમ જ ઉર્દૂમાં રચનાઓ કરી હોવાની માહિતી મળે છે. એમની, ‘કલામ’ને નામે ઓળખાતાં ભજન, ગરબો અને સાખી જેવા કાવ્યપ્રકારોમાંની, મુખ્યત્વે ગુજરાતી અને થોડી હિંદી રચનાઓ છપાયેલી જોવા મળે છે, જેમાં યોગ, અદ્વૈતવાદ, પ્રેમલક્ષણાભક્તિ વગેરે હિન્દુ પરંપરાનાં તત્ત્વો મિશ્ર રૂપે ઝિલાયાં છે. ગુરુભક્તિ, પ્રભુપ્રેમ અને સાધુ-આચાર જેવા વિષયો આ કૃતિઓમાં કેટલી વાર રૂપકોની તો કેટલીક વાર લોકબાનીની મદદથી અસરકારક રીતે નિરૂપાયા છે. આ કૃતિઓ પરત્વે થયેલા રાગોના ઉલ્લેખો એમની સંગીતક્ષમતાનો પણ નિર્દેશ કરે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ., કી.જો.]