ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇમામશાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇમામશાહ [જ. ઈ.૧૪૫૨ - અવ. ઈ.૧૫૧૩] : દેલમી ઉપદેશક-પરંપરાના સૈયદ. સત્પંથને નામે ઓળખાતા એમના સંપ્રદાયમાં એ ‘પીર’ પણ લેખાય છે. હસન કબીરુદ્દીનના સૌથી નાના પુત્ર. માતા કરમતખાતૂન. જન્મ પંજાબના ઉચ્છ ગામમાં. આખું નામ ઇમામુદ્દીન અબ્દુરરહીમ. એમનાં જન્મ તથા અવસાનનાં વર્ષ-તિથિ વિશે જુદી જુદી માહિતી મળે છે જેના આધારો બહુ શ્રદ્ધેય નથી પણ ઉપર્યુક્ત વર્ષો વધારે માન્ય છે. આ ઉપરાંત ઇમામશાહ મહમદ બેગડા (ઈ.૧૪૫૮-ઈ.૧૫૧૧)ના સમયમાં ગુજરાતમાં આવી વસ્યા હતા એ હકીકત બિનવિવાદાસ્પદ જણાય છે. આ પૂર્વે એમણે ઇમામને મળવા ઈરાનની મુસાફરી કરી હોવાની માહિતી મળે છે. અમદાવાદ નજીક ગિરમથા ગામે સ્થાયી વસવાટ કરી, ઇસમાઇલી ઇમામોના માર્ગદર્શન અનુસાર ધર્મપ્રચારનું કામ એમણે કર્યું. અવસાન ગિરમથામાં. ત્યાં એમણે બંધાવેલા મકબરામાં એમને દફનાવવામાં આવેલ છે જે સ્થળ પીરાણા તરીકે આજે ઓળખાય છે. ઇમામશાહને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ કેટલે અંશે એમનું હશે એ કહેવું મુશ્કેલ છે, કેમ કે એમાંની નિરૂપણપદ્ધતિ અને કેટલીક હકીકતો એવું સૂચવે છે કે ઇમામશાહ કે એમના ઉપદેશ વિશે પાછળથી રચના થઈ હોય. આ કૃતિઓમાં સંપ્રદાયમાં સ્વીકૃત થયેલો હિંદુ પુરાણકથાઓનો ભરપૂર ઉપયોગ છે અને એમાં ગુજરાતી ઉપરાંત હિંદી વગેરે કેટલીક ભાષાનાં મિશ્રણો પણ નજરે પડે છે. ‘જનાજાનું જ્ઞાન’ એવા થોડા જુદા પાઠથી પણ મળતી ૧૫૪/૧૫૮ કડીની ‘જન્નતપુરી’ (*મુ.) ઇમાશાહના પોતાના જીવનવૃત્તાંતને વર્ણવે છે. પિતાના અવસાન વખતે પોતાનો ભાગ માગવા આવી પહોંચેલા ઇમામશાહ આ હેતુથી ઈરાનના ઇમામને મળવા જાય છે અને એની પરવાનગીથી સ્વર્ગની મુલાકાત લઈ ઉચ્છમાં પાછા ફરે છે એ એનું વૃત્તાંત છે. એમાં સ્વર્ગવર્ણન હિંદુપદ્ધતિએ થયેલું છે. પિતાના અવસાનના વર્ષ તરીકે સં. ૧૫૭૫ (ઈ.૧૫૧૯ - જે ઇમામશાહના મૃત્યુ પછીનું વર્ષ છે)નો ઉલ્લેખ, કેટલાક અસંગત, અધ્ધર પ્રસંગ નિરૂપણો તથા કેટલીક અસ્પષ્ટતાઓને કારણે એમ લાગે છે કે પાછળથી અનેક વાર પરિવર્તન પામેલી આ કૃતિમાં ઇમામશાહરચિત ઘણો થોડો અંશ સચવાયેલો હશે. ૧૦ ખંડ અને ૧૬૦૦ જેટલી કડીઓમાં વિસ્તરતી ‘દશ અવતાર (મોટો)’ (મુ.) હિંદુપરંપરાના ૧૦ અવતારની, આ સંપ્રદાયના કેટલાક લાક્ષણિક ઉન્મેષો વણી લેતી, કથા છે ને એમાં છેલ્લા નકલંકી અવતાર સાથે ઇસ્માઈલી સંતોની પરંપરા સમાવી લીધી છે. ૫૭૮ કડીની અને દેખીતી રીતે જ ખોટું એવું સં. ૧૪૩૭ (ઈ.૧૩૮૧)નું રચનાવર્ષ બતાવતી ‘પાંડવોનો પરબ’ (મુ.) મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પ્રાયશ્ચિત્ત રૂપે કરેલા યજ્ઞના પ્રસંગને વર્ણવે છે. કોઢિયા ચાંડાળ બુદ્ધ રૂપે હરિનું આવવું, યજ્ઞની અનાવશ્યકતા બતાવવી, એની પ્રેરણા આપનાર બ્રાહ્મણોને તથા ગાયને પણ શાપ આપવા ને હરિની સાથે જન્મ માગતા પાંડવોને કલિયુગનું દર્શન કરાવવું - વગેરે આ કથાનાં વિશિષ્ટ તત્ત્વો છે. ગદ્યમાં રચાયેલી ‘મૂળ ગાયત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાયતનું વર્ણન’ (મુ.) સૃષ્ટિની ઉત્પત્તિનો અને જુદા જુદા અવતારો, કલ્પો, યુગોનો ઇતિહાસ આલેખે છે, તો ‘નકલંકી-ગીતા’(મુ.) પાતાળ, નાગ, સ્વર્ગ, દ્વીપ, ખાણ, સમુદ્ર આદિની યાદીઓ સાથે પૌરાણિક વિશ્વદર્શન રજૂ કરે છે. આ બંને કૃતિઓમાં પણ મુખ્યત્વે હિંદુ પુરાણ-દર્શન વ્યક્ત થયું છે. ઇમામશાહની અન્ય કૃતિઓમાં મુખ્યત્વે નીતિબોધ અને ધર્મબોધ વણાયેલો છે. ૬૨૧/૬૩૦ કડીની ‘મુમનચેતામણી (વડી)’ (મુ.) એ સાથે સાંપ્રદાયિક ઇતિહાસ અને કુરાનની ધર્મકથાઓ પણ સમાવી લે છે. મુખ્યત્વે હિંદીમાં મળતી ૨૦/૨૨ પદની ‘સતવેણી (નાની)’ (મુ.) પણ એ જ પ્રકારની રચના છે. લગભગ અર્વાચીન ગદ્યમાં ૨૦ ખંડોમાં વિભક્ત ‘વીસ ટોલ’ (મુ.) શરાબ પીવો વગેરે ૧૯ પ્રકારના ગુના આચરનારની અને છેલ્લે ધર્માચરણ કરનારની જે સ્થિતિ થવાની છે તેનું ચિત્રાત્મક વર્ણન કરે છે. ‘ગુગરીનાં દશ ગિનાન’ (મુ.) ધર્મ કરનારને અમરાપુરીમાં બાંધેલી ઘૂઘરી નીચે જે દિવ્ય પદાર્થો ને વ્યક્તિઓની પ્રાપ્તિ થાય છે તેનું એવું જ ચિત્રાત્મક વર્ણન કરે છે. ૩૧૩/૩૨૩ કડીની ‘તો મુનિવરભાઈ નાની/મુમન-ચિતવરણી (નાની)’ (મુ.) મૂર્તિપૂજાના નિષેધનો, તો ‘જુગેસરનાં ગિનાન’ એવા શીર્ષકથી મળતાં પદોમાં ઇમામશાહની છાપવાળાં ૪૯ પદો (મુ.) બાહ્ય સાધનોવાળા યોગમાર્ગને સ્થાને સદ્ગુરુને આશ્રયે ધર્મ-અધ્યાત્મમય જીવનનો બોધ કરે છે. ૭૧ પદમાં વિસ્તરતો ઇમામશાહનો એમની બહેન બાઈ બુઢાઈ સાથેનો સંવાદ (મુ.), ૩૩૨ કડીની હિંદી ‘મન સમજાણી નાની અથવા મનને શિખામણો’ (મુ.) તથા ૧૬૨ જ્ઞાનબોધક પદો (મુ.) આ પ્રકારની અન્ય કૃતિઓ છે. આ ઉપરાંત, ઇમામશાહને નામે ગદ્યમાં ઇશ્વરાવતારવિષયક ‘અથર્વવેદ-ગાવંત્રી’, સ્વર્ગનરક-પાપપુણ્યવિષયક ૪૮૬ કડીની ‘ઝંકાર’, ‘મૂળબંધ થાળ થલ’ અને ‘ચાર ચોક’ એ કૃતિઓ નોંધાયેલી છે. કૃતિ : ૧. ગિનાન ૬૦ જુગેસર અબધુનાં, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૨ (બીજી આ.); ૨. * જન્નતપુરી, પ્ર. લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૦૫; ૩. તો મુનિવરભાઈ નાની યાને મુમન ચિત-વરણી, પ્ર.(ધ) રિક્રિયેશન ક્લબ ઇન્સિટ્યૂટ, ઈ.૧૯૩૦ (બીજી આ.) ૪. નકલંકીગીતા, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૦; ૫. પાંડવોનો પરબ (પર્વ), પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૧; ૬. મન સમજાણી નાની યાને મનને શિખામણ, મુ. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા,-; ૭. મુમન ચેતામણી, પ્ર. (ધ) રિક્રિયેશન ક્લબ ઇન્સ્ટિટ્યૂટ, ઈ.૧૯૨૪ (બીજી આ.); ૮. મૂળ ગાયેત્રી યાને સૃષ્ટિનું મંડાણ અને નૂરે હિદાયતનું વર્ણન,-; ૯ * મોમન ચેતામણી, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ.૧૯૬૯; ૧૦. મોટો દશ અવતાર, મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૩ (બીજી આ.); ૧૧. સતવેણી નાની, મુ. ઇસ્માઈલી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૪૪ (ત્રીજી આ.); ૧૨. સૈયદ ઇમામશાહ તથા બાઈ બુઢાઈનો સંવાદ અને ગિનાન ૧૦ ગુગરીનાં, પ્ર. મુખી લાલજીભાઈ દેવરાજ, ઈ.૧૯૨૧;  ૧૩. સૈયદ ઇમામશાહનાં ગિનાનોનો સંગ્રહ, ઇસ્માઈલિયા એસોસિયેશન ફૉર ઇન્ડિયા, ઈ.૧૯૬૯; ૧૪. બાવન ઘાટી તથા વીસ ટોલ, પ્ર. ઇસ્માઈલિયા એસોસિયેશન, ઈ.૧૯૫૦; ૧૫. સૈઇશાગીસંગ્રહ : ૪. સંદર્ભ : ૧. * ઇસ્માઈલી લિટરેચર, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. *એન્સાઇકલોપીડિયા ઑવ ઇસ્લામ : ૩, પ્ર. લુઝાક ઍન્ડ કંપની, ઈ.૧૯૭૯; ૩. કલેક્ટેનિયા : ૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૪. ખોજા કોમની તવારીખ, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૨; ૫. ખોજાવૃત્તાંત, સચેંદીના નાનજીઆણી, * ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૬. ખોજા સર્વસંગ્રહ: ૧, એદલજી ધનજી કાબા, ઈ.૧૯૧૮; ૭. * (ધ) નિઝારી ઇસ્માઈલી ટ્રેડિશન ઇન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ, અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૮. * નૂરમ મુબિન, એ. જે. ચુનારા, ઈ.૧૯૫૧; ૯. (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત, ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[પ્યા. કે.]