ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમવર્ધન
ક્ષેમવર્ધન [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં હીરવર્ધનના શિષ્ય. એમના દુહા-દેશીબદ્ધ ૪૫ ઢાળના ‘પુણ્યપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, અસાડ સુદ ૧૩, ગુરુવાર; મુ.)ને ‘શાંતિદાસ શેઠનો રાસ’ તરીકે ઓળખવામાં આવેલ છે પરંતુ કૃતિમાંના કવિના નિર્દેશો તથા પુષ્પિકા જોતાં એને ‘વખતચંદ શેઠનો રાસ’ કહેવો જોઈએ. એમાં, આરંભમાં સાગરગચ્છની સ્થાપના કરનાર રાજસાગરને સૂરિપદ અપાવવામાં ભાગ ભજવનાર તથા જહાંગીર-બાદશાહનું સન્માન મેળવનાર રાજનગર(અમદાવાદ)ના શ્રેષ્ઠી શાંતિદાસના જીવનની નોંધપાત્ર ઘટનાઓનું વર્ણન કર્યા પછી એમના પુત્ર વખતચંદ શેઠના જન્મથી મૃત્યુપર્યંતના જીવનવૃત્તાંતની રૂપરેખા આપવામાં આવી છે. પારિવારિક વીગતો તથા લગ્નપ્રસંગ, સંઘયાત્રા વગેરેનાં વર્ણનોને સમાવતો આ રાસ ઐતિહાસિક-સામાજિક માહિતીની દૃષ્ટિએ વધારે નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ૫૩ ઢાળનો ‘સુરસુંદરી-અમરકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૬), ‘શ્રીપાળ-રાસ’ (ર.ઈ.૧૮૨૩), ૧૫ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (મુ.) અને ૧૧ કડીની ‘હિતશિખામણ-સઝાય’ (મુ.) એ કૃતિઓ રચેલી છે. ૭ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’ (મુ.) ક્ષેમવર્ધનને નામે મળે છે તે આ જ કવિની રચના હોવાનું સંભવ છે. કૃતિ : ૧. જૈઐરાસમાળા:૧; ૨. જિસ્તકાસંગ્રહ:૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી.[ર.સો.]