ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/‘ચંદ-ચરિત’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ચંદ-ચરિત’[ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર] : ‘ચંદ્રાયણ’ અને ‘ચંદમુનિપ્રેમલાલક્ષ્મી-રાસ’ એવાં અપરનામો ધરાવતી મુનિવિજયશિષ્ય દર્શનવિજયકૃત આ દુહાદેશીબદ્ધ રાસકૃતિ(મુ.) ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીમાં વિસ્તરેલી છે. શીલવિષયક લેખાવાયેલો આ રાસ એના અદ્ભુતરસિક વૃત્તાંતથી વધુ ધ્યાન ખેંચે છે. ચંદરાજાની મંત્રતંત્રની જાણકાર અપરમાતા વીરમતી રાણી ગુણાવલીને ભોળવીને વિમલપુરીની રાજપુત્રી પ્રેમલાલક્ષ્મીનાં લગ્ન જોવા માટે લઈ જાય છે. ચંદરાજાને નિદ્રાવશ કરી દેવાની વીરમતીની યોજનાને રાજા નિષ્ફળ બનાવે છે અને એમનાથી છાની રીતે વૃક્ષની બખોલમાં પેસી જાય છે. વીરમતીના મંત્રબળે એ વૃક્ષ એમને લઈને વિમલપુરી પહોંચે છે. ચંદરાજાને પૂર્વસંકેત અનુસાર કોઢિયા રાજકુંવર કનકધ્વજને સ્થાને પ્રેમલાલક્ષ્મી સાથે લગ્ન કરવાનું બને છે અને એ પછી સાસુવહુની સાથે છુપાઈને એ પાછો આવે છે. અપરમાતાને બીજે દિવસે રાજાના હાથના મીંઢળ જોઈ એના આ કૃત્યની જાણ થતાં એ એને કૂકડો બનાવી દે છે ને પોતે રાજ્યશાસન સંભાળે છે. કેટલાંક વર્ષો પછી શિવકુમાર નાટકિયો દરબારમાં આવી ચંદ્રની કીર્તિ ગાય છે ત્યારે કૂકડો પિંજરમાંથી સુવર્ણકચોળું નીચે પાડી એની કદર કરે છે અને પોતાને એની સાથે લઈ જવા સૂચવે છે. વીરમતી પાસેથી માગી લઈને નાટકિયો એને લઈ જાય છે અને ફરતાંફરતાં વિમલપુરી જાય છે. ત્યાં પ્રેમલાલક્ષ્મી કોઢિયા રાજકુમારને બળપૂર્વક તરછોડીને પોતે લગ્નમંડપમાં જેને જોયો હતો એ ચંદની સ્મૃતિમાં ઝૂરતી હોય છે. ચંદની આભાનગરીમાંથી મળેલા આ કૂકડા પર એને મોહ થાય છે ને એને લઈને એ સિદ્ધાચલ જાય છે.ત્યાં કુંડમાં ડૂબવા પડેલા કૂકડાને બચાવતાં ને એની પાંખ વગેરે સાફ કરતાં વીરમતીએ એના પગે બાંધેલો દોરો તૂટી જાય છે અને ચંદ મનુષ્યરૂપ ધારણ કરે છે. આ હકીકતની જાણ વીરમતીને થતાં એ ચંદરાજાને મારવા આવે છે પણ પોતે જ મરી જાય છે. પ્રેમલાલક્ષ્મી પોતાને ત્યાં કેદ રાખેલા કોઢિયા રાજકુમારનો કોઢ દૂર કરી પોતાના સતીત્વની ખાતરી કરાવી ચંદરાજા સાથે પરણે છે અને આભાપુરી આવે છે. ઘણાં વર્ષો પછી મુનિ સુવ્રતસ્વામીની પાસેથી પોતાનો પૂર્વભવ જાણવા મળતાં ચંદરાજા રાણીઓ સાથે દીક્ષા લઈ ચંદમુનિ બને છે. આ કૃતિમાં કથારસનું પ્રાધાન્ય છે. તેમ છતાં કવિના કાવ્યકૌશલની પ્રતીતિ કરાવતા અંશો આપણને મળ્યા કરે છે. પ્રેમલાલક્ષ્મીના સૌંદર્યનું સવિસ્તાર આલંકારિક વર્ણન ઉપરાંત વરઘોડા, પ્રભાતસમયની લોકચર્યા આદિનાં વર્ણનો, ગુણાવલીના વિરહદુ:ખના અને યોદ્ધાઓના યુદ્ધોત્સાહના ઉદ્ગારો, દૃષ્ટાંતવિનિયોગ, આંતરપ્રાસ ને કુંડળિયાપ્રકારનું રચનાચાતુર્ય, સમસ્યાદિવિનોદ વગેરે એનાં દૃષ્ટાંતો છે. આ કૃતિનો રચનાસમય પહેલા ૮ અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ આસો સુદ ૧૦ દર્શાવાયો છે, જ્યારે નવમા અધિકારની પ્રશસ્તિમાં સં. ૧૬૮૯ કારતક સુદ ૫ કે ૧૦ દર્શાવાયો છે. [જ.કો.]