ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિમલ સૂરિ-નયવિમલ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનવિમલ(સૂરિ)/નયવિમલ(ગણિ) [જ. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪-અવ ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, આસો વદ ૪, ગુરુવાર] : તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિનય-વિમલ-ધીરવિમલના શિષ્ય. મૂળ નામ નાથુમલ્લ. ભિન્નમાલના વીસા ઓસવાલ જ્ઞાતિના વાસવ શેઠના પુત્ર. માતા કનકાવતી. દીક્ષા ઈ.૧૬૪૬. દીક્ષાનામ નયવિમલ. અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કરી કાવ્ય, તર્ક, ન્યાય, યોગ આદિ શાસ્ત્રોમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. ઈ.૧૬૭૧માં પંન્યાસ/ગણિપદ. હજુ ગણિ હતા ત્યારે એમણે શીઘ્રકવિત્વથી સંસ્કૃતમાં સિદ્ધાચલ-સ્તુતિઓ રચી આપી એથી પ્રભાવિત થઈ વિજયપ્રભસૂરિએ એમને જ્ઞાનવિમલસૂરિ તરીકે સંબોધેલા એમ કહેવાય છે. આચાર્યપદ ઈ.૧૬૯૨/૧૬૯૩માં અને જ્ઞાનવિમલસૂરિ એ નામકરણ. આ કવિએ આનંદઘન તથા યશોવિજયની કૃતિઓ પર ટબા રચ્યા છે ને ‘નવપદની પૂજા’ યશોવિજય, દેવચંદ્ર અને એમની સંકલિત રૂપે મળે છે એ એમનો સમકાલીનો સાથેનો ગાઢ, આદરભર્યો સંબંધ સૂચવે છે. અવસાન અનશનપૂર્વક ખંભાતમાં. આ કવિએ ગુજરાતી ભાષામાં પણ વિપુલ પ્રમાણમાં કૃતિઓ રચી છે - એટલી કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલે કે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ એમ કહેવાયું છે. તેમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક, સ્તુત્યાત્મક બધા પ્રકારની છે. એ બધામાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલોની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. કવિની કથાત્મક કૃતિઓમાં, પૂર્વભવના આયંબિલતપને કારણે કેવલીપદને પામનાર ચંદ્રકુમારનું પ્રભાવક ચરિત્ર આલેખતો, ૪ ખંડ, ૧૧૧ ઢાળ અને ૭૬૪૯ કડીઓમાં વિસ્તરતો, મુખ્યત્વે દુહા-દેશીબદ્ધ ‘ચંદ્રકેવલીનો રાસ  ‘આનંદમંદિર-રાસ’ (ર.ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, મહા સુદ ૧૩; મુ.) એના વિસ્તારને કારણે જ નહીં પણ એના પ્રચુર કથારસ, તત્ત્વવિચારનિષ્ઠ ધર્મબોધ તથા વ્યુત્પન્ન કવિત્વને કારણે સૌથી વધુ ધ્યાનાર્હ કૃતિ બને છે. આ વ્યુત્પન્ન કવિત્વ નાયક-નાયિકાભેદ-નિરૂપણ, સુભાષિત-સમસ્યાદિની ગૂંથણી, અલંકારરચના તથા સુગેય દેશીઓ ને અન્ય કાવ્યબંધોના વિનિયોગમાં પ્રગટ થાય છે. રોહિણીતપનો મહિમા દર્શાવતો, મુખ્યત્વે દુહાદેશીબદ્ધ ૩૧ ઢાળનો ‘અશોકચન્દ્રરોહિણી-રાસ’  (ર.ઈ.૧૭૧૬ કે ૧૭૧૮/સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ ૫; મુ.) પૂર્વભવવૃત્તાંતોથી પ્રસ્તાર પામેલો હોવા છતાં એમાં કથાતત્ત્વ પાંખું છે અને ઘણો સાંપ્રદાયિક ધર્મતત્ત્વબોધ સમાવાયો છે, પરંતુ એમાં પણ વર્ણનો, અલંકારયોજનાઓ, ભાષાછટા વગેરેમાં કવિના કવિત્વનો સુભગ પરિચય થાય છે. ૩૫ ઢાળ અને ૬૦૮ કડીના દુહા-દેશીબદ્ધ ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, માગશર સુદ ૧૩, બુધવાર; મુ.)માં દૃષ્ટાંતકથાઓ સાથે જંબૂસ્વામી અને એની ૮ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. રૂપક, ઉપમાવલિ અને લૌકિક દૃષ્ટાંતોથી કૃતિ કેટલેક અંશે રસાવહ બની છે. ૩૮ ઢાળ અને આશરે ૧૦૦૦/૧૧૦૦ કડીની ‘રણસિંહરાજર્ષિ-રાસ’ તથા ૨૦/૨૨ ઢાળની ‘સુસઢ-રાસ’ કવિની અન્ય રાસકૃતિઓ છે. ૮ ઢાળ અને ૨૦૬ કડીની ‘બારવ્રતગ્રહણટીપ-રાસ’ (ર.ઈ.૧૬૯૪; મુ.)માં સંપ્રદાયને અભિમત વ્રતનિયમોની યાદી ને સમજૂતી છે, તો ૧૪ ઢાળ અને આશરે ૫૦૦ કડીની ‘સાધુવંદના-રાસ’ (ર. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, કારતક વદ ૧૦, ગુરુવાર; મુ.)માં જૈન શાસ્ત્રગ્રંથોને આધારે ઋષભદેવના ગણધરોથી માંડીને સો પ્રાચીન સાધુજનોની નામાવલિ આપવામાં આવી છે અને કેટલેક સ્થાને ટૂંકું ચરિત્રસંકીર્તન પણ છે. કવિની કથાતત્ત્વવાળી અન્ય કેટલીક કૃતિઓ પણ છે. જુદા જુદા રાગોના નિર્દેશવાળી દેશીઓમાં રચાયેલી ૭૩ કડીની ‘સૂર્યાભ-નાટક’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, મહા/વૈશાખ સુદ ૧૩; મુ.)માં સૂર્યાભદેવે અપ્સરાઓની મદદથી મહાવીરસ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ વર્ણવાયો છે. અને વાદ્યો, નૃત્યપ્રકારો વગેરેની યાદી પણ સમાવિષ્ટ થઈ છે. ૯ ઢાળ અને ૮૨ કડીની ‘તીર્થમાલાયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, જેઠ સુદ ૧૦; મુ.)માં કવિએ કરેલી સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું વર્ણન છે, તો ૭ ઢાળની અન્ય ‘તીર્થમાલાયાત્રા-સ્તવન’ (ર.ઈ.૧૭૧૯; મુ.)માં વિજયદેવસૂરિ, વિજયસેનસૂરિ વગેરેના ટૂંકા ચરિત્રગાન સાથે વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠિઓએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવોનાં વર્ણન છે. પર્યુષણપ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટે નિર્માયેલ ૧૫ ઢાળની ‘કલ્પસૂત્ર-વ્યાખ્યાન-ભાસ’(મુ.)માં અનેક ધર્મકથાઓનાં સંક્ષેપમાં નિર્દેશ છે. આ કવિએ સ્તુતિ-સ્તવન-ચૈત્યવંદન-સઝાયાદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે, જેમાંની ઘણી મુદ્રિત પણ મળે છે. એમણે સિદ્ધાચલનાં જ ૩,૬૦૦ સ્તવનો રચ્યાં હોવાનું કહેવાય છે. કવિએ રચેલાં તીર્થવિષયક સ્તવનોમાં ૩૫ કડીનું ‘અર્બુદગિરિતીર્થનું સ્તવન’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, વૈશાખ સુદ ૩; મુ.), ૨ ઢાળ અને ૨૫ કડીનું ‘તારંગગિરિતીર્થનું સ્તવન’ (મુ.) તથા ૩ ઢાળ અને ૨૫ કડીનું ‘રાણકપુરતીર્થનું સ્તવન’ (મુ.) જેવાં સ્તવનો જે-તે તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગૌલિક માહિતી ગૂંથી લે છે. કવિએ ૨ ચોવીસી (મુ.), ૨ વીસી (મુ.) ઉપરાંત અનેક તીર્થંકર સ્તવનો રચ્યાં છે. ૨ ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમ જ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે, જ્યારે બીજી ચોવીસીમાં તીર્થંકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. કવિના વિષયનિરૂપણ આદિના વૈવિધ્યનો ખ્યાલ આપતાં અન્ય નોંધપાત્ર જિનસ્તવનો આ પ્રમાણે છે : ૪ ઢાળ અને ૬૮ કડીનું ‘શાશ્વતી જિનપ્રતિમા-સંખ્યામય-સ્તવન’ (મુ.), ૪ ઢાળ અને ૧૬ કડીનું ‘સત્તરિસયજિનસ્તવન’ (મુ.), ૫ ઢાળ અને ૨૮ કડીનું ‘અધ્યાત્મગર્ભિત-સાધારણ-જિનસ્તવન’ (મુ.), દેશીઓ ઉપરાંત તોટક આદિ છંદોને ઉપયોગમાં લેતું, ૫ ઢાળ અને ૮૧ કડીનું ‘શાંતિનાથજિનનું સ્તવન’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, અસાડ વદ ૯, શુક્રવાર; મુ.), કાવ્ય અને ફાગની ૩૧ કડીનું ‘અધ્યાત્મભાવગર્ભિત-પાર્શ્વનાથજિન-સ્તવન’ (મુ.), ૧૫ કડીનું ‘બાવનઅક્ષરમય-જિન-સ્તવન’ (મુ.), ૬૩ કડીનું ‘મૌન-એકાદશી માહાત્મ્ય-ગર્ભિતમલ્લિનાથ-સ્તવન’, ‘પંચપરમેષ્ટિ-સ્તવન’ તથા ૮૫ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૨). ૪ ઢાળ અને ૪૧ કડીનો ‘શાંતિનાથજિન-કલશ’ (મુ.), ૪ ઢાળ અને ૩૬ કડીનો ‘પાર્શ્વનાથજિન-કલશ’(મુ.) તથા હિંદીમાં ૨૯ કડીનો ‘ચતુર્વિંશતિજિન-છંદ’ (મુ.) એ અન્ય નામથી રચાયેલાં તીર્થંકર-સ્તવનો જ છે. સિદ્ધસેન દિવાકરની ૪૪ કડીની સંસ્કૃત કૃતિ ‘કલ્યાણમંદિર સ્તોત્ર’ને આધારે થયેલી ૪૫ ગીતોની રચના (મુ.) પણ સ્તુત્યાત્મક છે. કવિએ અન્ય વિષયોનાં સ્તવનો પણ રચ્યાં છે, જેમકે ૭ ઢાળ અને ૮૧ કડીનું ‘જિનપૂજાવિધિનું સ્તવન’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, આસો સુદ ૧૦, બુધવાર; મુ.), ૩ ઢાળ અને ૧૭ કડીનું ‘જ્ઞાનપંચમીતિથિનું સ્તવન’ (મુ.), ૬ ઢાળ અને ૫૬ કડીનું ‘પંચમીતિથિનું સ્તવન’ (મુ.), ૫ ઢાલ અને ૪૨ કડીનું ‘મૌન એકાદશીનું સ્તવન’ (મુ.), ૬ ઢાળ અને ૮૧ કડીનું ‘વીસસ્થાનકતપોવિધિનું સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, પોષ વદ ૮, બુધવાર; મુ.); ૬ ઢાળ અને ૧૩૨ કડીનું ‘ત્રિષષ્ટિસલાકાપુરુષ-સ્તવન’ (મુ.), ૩ ઢાળનું ‘ચોત્રીસઅતિશય-સ્તવન’ (મુ.) વગેરે. અમાસ અને બન્ને પક્ષની ભેગી સ્તુતિ સાથે ૧૭ સ્તુતિ રૂપે રચાયેલ ‘પંદરતિથિની સ્તુતિઓ’ (મુ.) તથા ‘આઠમતિથિની સ્તુતિઓ’ ઉપરાંત અનેક તીર્થંકરસ્તુતિઓ જ્ઞાનવિમલે રચેલી છે. એ જ રીતે યશોવિજય અને દેવચંદ્રના સ્તવનો સાથે સંકલિત રૂપે મળતાં ‘નવપદપૂજાનાં ચૈત્યવંદન’ ઉપરાંત અનેક ચૈત્યવંદન પણ એમણે રચ્યાં છે. આ કવિનાં અગિયાર ગણધરનાં, દિવાળીનાં, ચૈત્રી પૂનમનાં, મૌન એકાદશીનાં તથા ચોમાસીનાં/ચોવીસ જિનનાં એ દેવવંદનો (બધાં મુ.) મળે છે. કવિએ મુનિઓ તથા સતીઓ વિશેની તેમ જ સાંપ્રદાયિક આચારવિચારોને વર્ણવતી અનેક સઝાયો રચી છે. તેમાંથી કેટલીક સઝાયો કથાત્મક પણ બનેલી છે. એમની કેટલીક નોંધપાત્ર સઝાયો આ પ્રમાણે છે : ૬ ઢાળ અને ૬૮ કડીની ‘સુદર્શન શેઠ (કેવલી)ની સઝાય’ (મુ.), ૪૭ કડીની ‘નાગદત્ત-શેઠની સઝાય’ (મુ.), ૪૨ કડીની ‘સુવ્રત્ત-ઋષિ-સઝાય’ (મુ.), ૪૦ કડીની ‘અવંતીસુકુમાલની સઝાય’ (મુ.), તોટકદુહા-દેશીબદ્ધ ૧૧ ઢાળની ‘નરભવદશદૃષ્ટાંતાધિકાર-સઝાય’(મુ.), ‘દશાવિધયતિધર્મની સઝાયો’ (*મુ.), ૧૪ ઢાળની ‘તેર કઠિયાની સઝાય’ (મુ.), ૩૫ કડીની ‘જીવરાશિની સઝાય’ (મુ.), ૪ ઢાળ અને ૩૫ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ (મુ.) અને ૫/૬ ઢાળની ‘નવકારભાસ/નવપદાધિકાર-સઝાય’ (મુ.). જ્ઞાનવિમલે રચેલા વિપુલ સાહિત્યમાં એમણે રચેલા ગદ્ય બાલાવબોધોનો પણ સમાવેશ થાય છે. એ બાલાવબોધો આ પ્રમાણે છે : પોતાની ‘પ્રશ્નદ્વાત્રિંશિકા’ પર, યશોવિજયકૃત ‘આઠયોગદૃષ્ટિની સઝાય’ પર આશરે ૧૦૦૦ ગ્રંથાગ્રનો (મુ.), તથા સાડાત્રણસો ગાથાના ‘સીમંધરજિન-સ્તવન’ પર આશરે ૧૨૦૦ ગ્રંથાગ્રનો, ‘આનંદઘન-ચોવીસી’ પર ૭૨૮ ગ્રંથાગ્રનો (મુ.), નેમિદાસકૃત ‘પંચપરમેષ્ઠિમંત્રરાજ-ધ્યાનમાલા/અનુભવલીલા’ પર, ‘યતિપ્રતિક્રમણસૂત્ર/પગામ-સઝાય પર (ર.ઈ.૧૬૮૭), ‘ચૈત્યવંદન-દેવવંદન-પ્રત્યાખ્યાન એ ત્રણ ભાષ્ય’ પર આશરે ૧૭૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૦૨), ‘પાક્ષિક ક્ષામણ’ પર ૫૫૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, મહા-૮), ‘લોકનાલ’ પર, ‘સકલાર્હત’ પર, ‘નવતત્ત્વપ્રકરણ’ પર ૫૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૬૮૩), ‘ચતુ: શરણ પ્રકીર્ણક’ પર, ‘ઉપાસક દશાંગસૂત્ર’ પર ૧૯૦૭ ગ્રંથાગ્રનો, ‘સંગ્રહણીપ્રકરણ’ પર (ર.ઈ.૧૬૭૬), ‘અજિતશાંતિ-સ્તવન’ પર ૧૨૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૦૭) અને ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પર ૮૦૦૦ ગ્રંથાગ્રનો (ર.ઈ.૧૭૧૪). ગદ્ય રૂપે એમણે ‘સપ્તનય-વિવરણ’ પણ કરેલ છે. જ્ઞાનવિમલનું સાહિત્યસર્જન, આ રીતે, બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે, પરંતુ એમાં એમણે અલંકારરચના, પદ્યબંધ, દષ્ટાંતબોધ, ભાષાપ્રૌઢી વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે. જ્ઞાનવિમલે સંસ્કૃતમાં ‘પ્રશ્નવ્યાકરણસૂત્ર-વૃત્તિ’, ગદ્યબદ્ધ ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૯), ‘સંસારદાવાનલસ્તુતિ-વૃત્તિ’ અને ‘પ્રશ્નદ્વાત્રિંશિકા-સ્તોત્ર’ તેમ જ પ્રાકૃતમાં ‘નરભવદૃષ્ટાંતો-પનયમાલા’ રચેલ છે. કૃતિ : ૧. ‘આનંદઘન બાવીશી’ પર જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક, સં. કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦; ૨. ચંદકેવલીનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૧૨; ૩. એજન, સં. કપૂરચંદ ૨. વારૈયા, સં. ૨૦૩૫; ૪. જંબૂસ્વામિરાસ તથા બાર વ્રતની ટીપનો રાસ, સં. કેશવલાલ પ્રે. મોદી, ઈ.૧૯૧૮;  ૫. પ્રાસ્તરત્નસંગ્રહ : ૧, ૨. (+સં.); ૬. સાધુવંદનારાસ, સં. મુક્તિવિમલગણિ, ઈ.૧૯૧૭;  ૭. અસસંગ્રહ; ૮. અસ્તમંજૂષા; ૯. આકામહોદધિ : ૧(+સં.), ૫ ; ૧૦. કસસ્તવન; ૧૧. ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૧૨. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૩; ૧૩. જિનગુણ પદ્યાવળી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૧૪. જિભપ્રકાશ; ૧૫. જિસ્તમાલા; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈરસંગ્રહ; ૧૮. જૈસસંગ્રહ (ન.); ૧૯. *તીર્થમાલા, પ્ર. જૈ. એ. ઈ.ઑફ ઇન્ડિયા, -; ૨૦. દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૦; ૨૧. દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧; ૨૨. દેસ્તસંગ્રહ; ૨૩. નસ્વાધ્યાય : ૩; ૨૪. પર્યૂષણ માહાત્મ્ય, પ્ર. અમદાવાદની વિદ્યાશાલા, ઈ.૧૮૮૨; ૨૫. પૂજાસંગ્રહ, પ્ર. ભનીબહેન, ઈ.૧૯૩૬; ૨૬. પ્રકરણ રત્નાકર : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬; ૨૭. પ્રાતીસંગ્રહ : ૧; ૨૮. પ્રાસપસંગ્રહ : ૧; ૨૯. સજઝાયમાળા (પં.); ૩૦. સઝાયમાલા, મુ. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧; ૩૧ સસન્મિત્ર (ઝ.) સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૧;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકેટેલૉગભાઈ : ૧૭(૪), ૧૯(૨૦); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]