ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર વાચક-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર (વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ક્ષમાલાભના શિષ્ય. તેમની ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘નળદવદંતીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, જેઠ સુદ ૧૦, બુધવાર; મુ.) દુહામાં ઝડપથી કથાનક કહી જવાની અને ઢાળમાં પ્રસંગજન્ય ઊર્મિનું રસિક નિરૂપણ કરવાની રીતિ તથા તેમાં પ્રગટ થતી કવિની અલંકારરચનાની શક્તિથી ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે ૩૩ ઢાળની ‘કવયન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, આસો સુદ ૧૦ ગુરુવાર) તથા ૫-૫ કડીની ૨ ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદજી નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨). [કા.શા.]