ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનહર્ષ-૧-જસરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનહર્ષ-૧/જસરાજ [ઈ.૧૭મી સદી મધ્યભાગ - ઈ.૧૮મી સદી આરંભ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં સોમજીશિષ્ય વાચક શાંતિહર્ષના શિષ્ય. એમની કેટલીક કૃતિઓમાં મળતી ‘જસરાજ’ અને ‘જસા’ એ છાપ પરથી એ એમનું પૂર્વાવસ્થાનું નામ હોવાનું અનુમાન થાય છે. ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૮) અને ‘વસુદેવ-રાસ’ (ર.ઈ.૧૭૦૬)ને આધારે કવિનો કવનકાળ ઈ.૧૬૪૮થી ઈ.૧૭૦૬ સુધીનો ૫૬ વર્ષનો નિશ્ચિત થાય છે. જિનહર્ષને નામે નોંધાયેલ ‘સમેત શિખરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૪) આ કવિની અધિકૃત કૃતિ ગણીએ તો કવિના કવનકાળની પૂર્વ મર્યાદા થોડી આગળ ખસે. ઉપરાંત કવિ ઈ.૧૭૦૬ પછી પણ હયાત હોવાનું નોંધાયું છે એ ઈ.૧૭૨૩નું શંકાસ્પદ રચના વર્ષ ધરાવતી ‘નેમિ-ચરિત્ર’ અને કૃતિ પણ એમને નામે નોંધાયેલી છે. જિનહર્ષે દીક્ષા જિનરાજસૂરિ પાસે લીધી હતી. ઈ.૧૬૭૯ સુધી રાજસ્થાનમાં અને ત્યારબાદ આયુષ્યના અંત સુધી તેઓ પાટણમાં રહ્યા જણાય છે. ‘સત્યવિજયનિર્વાણ-રાસ’ જેવી કૃતિ બતાવે છે કે જિનહર્ષે ગચ્છમમત્વનો ત્યાગ કર્યો હતો. જીવનના પાછલા કાળમાં વ્યાધિમાં સપડાતાં તેમની પરિચર્યા પણ તપગચ્છના વૃદ્ધિવિજયજીએ કરી હતી. અવસાન પાટણમાં. પ્રારંભકાળમાં મુખ્યત્વે રાજસ્થાની અને હિંદીમાં અને પછીથી મુખ્યત્વે ગુજરાતીમાં રચના કરનાર આ કવિનું સાહિત્યસર્જન વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. કવિ પ્રાચીન-મધ્યકાલીન સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી, જૈન તેમ જ જૈનેતર કાવ્યપરંપરાથી સારી રીતે અભિજ્ઞ જણાય છે. કવિની ઘણીબધી કૃતિઓ તેમના સુંદર હસ્તાક્ષરમાં પ્રાપ્ત થાય છે તે હકીકત તેમની રુચિની દ્યોતક છે, તો તેમની કૃતિઓમાં મળતા રાગનિર્દેશો તેમની સંગીતની જાણકારીનો સંકેત કરે છે. કવિએ પ્રયોજેલ દેશીઓ અને છંદનું વૈવિધ્ય તેમની કૃતિઓની અસાધારણ ગેયતાની સાખ પૂરે છે. કવિની રચનાઓમાં જૈનધર્મના ઘણા વિષયોને આવરી લેતી રાસાત્મક રચનાઓનું પ્રમાણ ઘણું મોટું છે અને તેમની કથારસ જમાવવાની હથોટી શામળનું સ્મરણ કરાવે તેવી છે. એમની સઘળી રાસકૃતિઓ દુહાદેશીબદ્ધ છે અને એમાં દેશીઓનું વૈવિધ્ય અત્યંત નોંધપાત્ર છે. એમની ૯ રાસકૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી ૯ ખંડ, ૨૧૭ ઢાળ અને ૮૬૦૦ જેટલી કડીઓનો ‘શત્રુંજયમાહાત્મ્ય-રાસ’ (ર.ઈ.૧૬૯૯/સં. ૧૭૫૫, અસાડ વદ ૫, બુધવાર) સૌથી મોટો છે અને ધનેશ્વરસૂરિ વિરચિત ‘શત્રુંજય-માહાત્મ્ય’ના અનુવાદ રૂપે શત્રુંજય તીર્થનો વીગતપ્રચુર ઇતિહાસ આપે છે. ૧૩૨ ઢાળ અને ૩૨૮૭ કડીનો ‘વીસસ્થાનકનો રાસ/પુણ્યવિલાસ-રાસ’ (ર.ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, વૈશાખ સુદ ૩) વીસસ્થાનકનો મહિમા અને તેની વિધિ, સંબદ્ધ કથાઓ સમેત, વર્ણવે છે. ૧૩૦ ઢાળ અને ૨૮૭૬ કડીનો ‘કુમારપાલ-રાસ’ (ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨, આસો સુદ ૧૦, રવિવાર) ઋષભદાસના આ વિષયના રાસને આધારે થોડોક સંક્ષેપપૂર્વક રચાયેલો છે. ૨૫ ઢાળ અને ૪૭૭ કડીનો ‘રાત્રિભોજનનો રાસ/અમરસેન-જયસેનનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, અસાડ વદ ૧) ચકલા-ચકલીના પૂર્વાવતારમાં રાત્રિભોજન ન કરવાને કારણે રાજકુમાર અને રાજકુમારીનો અવતાર પામનાર જયસેન અને જયસેનાનું વૃત્તાંત વર્ણવે છે. દિવ્ય વિદ્યાઓ પ્રાપ્ત કરીને, જયસેનાએ ધારેલી વાત પૂરી કરી એને પરણનાર જયસેનની આ કથા કેટલાંક વર્ણનો, મનોભાવોનાં સ્ફુટ વિસ્તૃત આલેખનો અને સુભાષિતોની ગૂંથણીને કારણે રસપ્રદ બને છે. એ જ રીતે પૂર્વભવમાં મુનિઓને વસ્ત્રદાન કરેલું તેના ફળસ્વરૂપે બીજા ભવનમાં સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ઉત્તમચરિત્રકુમારની કથા કહેતો, ૨૯ ઢાળ અને ૫૮૭ કડીનો ‘ઉત્તમકુમારચરિત્રનો રાસ’ (ર.ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, આસો સુદ ૫) પણ એનાં કથારસ, વર્ણનકૌશલ અને પ્રાસાદિક નિરૂપણથી ધ્યાન ખેંચે છે. આ બંને કૃતિઓમાં કડખાની દેશીમાં ચારણી છટાથી થયેલું યુદ્ધવર્ણન કવિની વર્ણનશક્તિનો સમુચિત પરિચય કરાવે છે. ૨૨ ઢાળ અને ૪૨૯ કડીની ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, જેઠ સુદ ૩) અપરમાને પનારે પડેલી અને નાગદેવતાને બચાવતાં એની કૃપાથી માથે આરામ (=બગીચો) નિરંતર ઝળુંબતો રહે એવું વરદાન અને તેને કારણે ‘આરામશોભા’ નામ પામેલી કન્યાની કથા કહેવામાં આવેલી છે. જિતશત્રુ રાજા સાથેના આરામશોભાનાં લગ્ન પછી પણ નાગદેવતા એને અપરમાના દ્વેષમાંથી બચાવે છે. ચમત્કારિક વૃત્તાંતવાળી આ કથા લોકોક્તિઓ તેમ જ લોકપ્રચલિત દૃષ્ટાંતો વગેરેના આશ્રયથી થયેલાં કેટલાંક મનોભાવનિરૂપણો અને પદ્યબંધની કેટલીક છટાઓથી રસપ્રદ બને છે. હરિબલ માછીની જાણીતી કથા કહેતા ૩૨ ઢાળ અને ૬૭૯ કડીના ‘હરિબલમાછી-રાસ’ (ર.ઈ.૧૬૯૦/સં. ૧૭૪૬, આસો સુદ ૧, બુધવાર)માં પણ કવિની પદબંધની, દૃષ્ટાંતાદિકની તથા મનોભાવનિરૂપણની શક્તિઓ પ્રગટ થાય છે. ૪૯ ઢાળ અને ૮૬૧ કડીનો ‘શ્રીપાલરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૮૪/સં. ૧૭૪૦, ચૈત્ર-૭, સોમવાર), તપગચ્છના પંન્યાસ સત્યવિજયનું ચરિત્રગાન ને ગુણાનુવાદ કરતો ૬ ઢાળ અને ૧૦૬ કડીનો ‘સત્યવિજયનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૦૦/સં. ૧૭૫૬, મહા સુદ ૧૦), ૧૫ ઢાળ અને ૮૯ કડીની ‘વયરસ્વામી-ચોપાઈ/ભાસ/સઝાય’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, આસો સુદ ૧), ૧૩ ઢાળ અને ૧૦૫ કડીની ‘અવંતીસુકુમાલ ચોપાઈ/પ્રબંધ/સઝાય’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, વૈશાખ/અસાડ સુદ ૮, શનિવાર) - કવિની અન્ય મુદ્રિત રાસકૃતિઓ છે. આ ઉપરાંત તેમની પાસેથી મળતી રાસકૃતિઓ આ પ્રમાણે છે : ૩૭૨ કડીની ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ’(ર.ઈ.૧૬૪૮/સં. ૧૭૦૪, વૈશાખ સુદ ૫, ગુરુવાર), ૩૧ ઢાળ અને ૧૦૩૪ કડીની ‘કુસુમશ્રી-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૧ કે ૧૬૫૯/સં. ૧૭૦૭, માગશર વદ ૧૧ કે સં. ૧૭૧૫, માગશર વદ ૧૩), ‘ગજસિંહચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૨), ૩૦ ઢાળની ‘વિદ્યાવિલાસ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૯, બુધવાર), ૨૧ ઢાળની ‘મંગળકલશ ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, શ્રાવણ/ભાદરવો/આસો વદ ૯, ગુરુવાર), ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, આસો સુદ ૧, મંગળવાર), ૧૦ ઢાળની ‘મૃગાપુત્ર-ચોપાઈ/સંધિ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, મહા વદ ૧૦, શુક્રવાર), ૩૩ ઢાળ અને ૭૦૭ કડીની ‘મત્સ્યોદર-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૬૧ કે ૧૬૬૨/સં. ૧૭૧૭ કે ૧૭૧૮, ભાદરવા સુદ ૮, રવિવાર), ‘રાત્રિભોજન-રાસ/હંસકેશવ-ચોપાઈ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો સુદ ૧૨), ૭૫ ઢાળ અને ૧૩૭૬ કડીની ‘શુકરાજ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, માગશર સુદ ૪), ૩૯ ઢાળ અને ૭૦૯ કડીની ‘રત્નસિંહ-રાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૬૮૫/સં. ૧૭૪૧, પોષ વદ ૧૧), ૨૭૧/૩૦૧ કડીની ‘શ્રીપાળ-રાસ (નાનો)’ (ર.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨ ચૈત્ર વદ ૧૩), ૨૬ ઢાળ અને ૪૬૩ કડીની ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, ફાગણ સુદ ૨, બુધવાર), ૨૩ ઢાળ અને ૪૦૭ કડીની બીજી ‘ચંદનમલયાગિરિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, શ્રાવણ/ભાદરવો/આસો સુદ ૬, ગુરુવાર), ૩૫ ઢાળ અને ૭૦૧ કડીની ‘હરિશ્ચંદ્ર-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, આસો સુદ ૫), ૧૨૭ ઢાળ અને ૪૩૦૦ ગ્રંથાગ્રની ‘ઉપમિતિભવ પ્રપંચ-રાસ’ (ર.ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, જેઠ સુદ ૧૫), ૪૨ ઢાળ અને ૮૮૮ કડીની ‘યશોધર-રાસ’ (ર.ઈ.૧૬૯૧/સં. ૧૭૪૭, વૈશાખ સુદ/વદ ૮), ૪૧ ઢાળની ‘મૃગાંકલેખા-રાસ’ (ર. ઈ.૧૬૯૨/સં. ૧૭૪૮, અસાડ વદ ૯), ૩૯ ઢાળ અને ૮૫૦ કડીની ‘અમરદત્તમિત્રાનંદ-રાસ’ (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, ફાગણ વદ ૨, સોમવાર), ૨૪ ઢાળ અને ૪૫૭૮ કડીની ‘ઋષિદત્તા-રાસ’ (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, ફાગણ વદ ૧૨, બુધવાર), ૨૧ ઢાળ અને ૩૮૨ કડીની ‘સુદર્શન શેઠ-રાસ’ (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, ભાદરવા સુદ ૧૨, શુક્રવાર), ૪૩ ઢાળ અને ૭૫૮ કડીની ‘અજિતસેન કનકાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઇ. ૧૬૯૫/નં. ૧૭૫૧, મહા વદ ૪), ૪ પ્રસ્તાવ, ૧૪૨ ઢાળ અને ૩૦૦૬ કડીની ‘મહાબલમલય સુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, આસો સુદ ૧, સોમવાર), ૨૬/૨૭ ઢાળ અને ૬૦૫ ગ્રંથાગ્રની ‘ગુણકરંડ ગુણાવલી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, આસો વદ ૨), ૧૫૮ કડીની ‘સૌભાગ્યપંચમી-સ્તવન’ (ર.ઈ.૧૬૯૬), ૩૫૩૩ ગ્રંથાગ્રની ‘મુનિપતિ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૯૮/સં. ૧૭૫૪, ફાગણ સુદ ૧૧), ૩૧ ઢાળ અને ૬૨૭ કડીની ‘રત્નચૂડમુનિ-રાસ’ (ર.ઈ.૧૭૦૧/સં. ૧૭૫૭, આસો સુદ ૧૩, શુક્રવાર), ૧૧ ઢાળ અને ૭૯ કડીની ‘અભયકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, શ્રાવણ સુદ ૫, સોમવાર), ૪૮૦ કડીની ‘શીલવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, ભાદરવા સુદ ૮), ૧૯ ઢાળ અને ૩૨૮ કડીની ‘કલાવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૩), ૩૬ ઢાળ અને ૭૭૦ કડીની ‘રત્નશેખર રત્નાવતી-રાસ’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, મહા સુદ ૨), ૩૩ ઢાળ અને ૬૦૪ કડીની ‘રત્નસાગરનૃપ-રાસ’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, પ્રથણ શ્રાવણ વદ ૧૧, સોમવાર), ૧૭ ઢાળ અને ૧૫૧ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૭૦૩/સં. ૧૭૫૯, આસો સુદ ૫, મંગળવાર), ૪ અધિકાર, ૮૦ ઢાળ અને ૧૬૫૭ કડીની ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૭૦૪/સં. ૧૭૬૦, જેઠ વદ ૧૦, બુધવાર), ૧૪ ઢાલ અને ૮૬૯ કડીની ‘શ્રીમતી-રાસ’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, મહા સુદ ૧૦), ૨૯ ઢાળ અને ૨૧૪ કડીની ‘નર્મદાસુંદરીમહાસતી-સઝાય’ (ર.ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, ચૈત્ર વદ ૪, સોમવાર), ૫૦ ઢાળ અને ૧૬૩ કડીની ‘વસુદેવ-રાસ’ (ર.ઈ.૧૭૦૬/સં. ૧૭૬૨, આસો સુદ ૨, રવિવાર), ૪ ખંડ અને ૧૦૭૮ કડીની ‘નેમિ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૨૩?/સં. ૧૭૭૯?, અસાડ સુદ ૧૩), અને ‘ચિત્રસેનપદ્માવતી-ચોપાઈ.’ કવિની અન્ય દીર્ઘ કૃતિઓમાં ૭૯ કડીની ‘અભયસારમુનિઢાળિયાં’, ૪ ઢાળ અને ૪૪ કડીની ‘મેઘકુમારનાં ઢાળિયાં’ (મુ.), સંભવત: ૩ વીસી (૨ મુ.-ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, મહા/ચૈત્ર સુદ ૮ તથા ર.ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, દ્વિતીય વૈશાખ સુદ ૩), ૬૭ કડીની ‘જિનપ્રતિમા દૃઢકરણ હૂંડી-રાસ’ (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, માગશર-), ૨ ઢાળ અને ૩૪ કડીની ‘કલિયુગ-આખ્યાન’ (મુ.), ૫ ઢાળ અને ૩૦ કડીની ‘ચિલાતીપુત્ર-સઝાય’ (મુ.), ૧૫ ઢાળ અને ૨૦૮ કડીની ‘દશવૈકાલિસૂત્ર-દશ અધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, આસો સુદ ૧૫), ૧૧ ઢાળ અને ૯૮ કડીની ‘શિયળ-નવવાડ-સઝાય’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૯, ભાદરવા વદ ૨; મુ.), ૭૨ કડીની ‘જીવ ઉત્પત્તિની સઝાય’ (મુ.), ૭ ઢાળ અને ૭૦ કડીની ‘સમક્તિ-સત્તરી-સઝાય’ (ર.ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, શ્રાવણ/ભાદરવો/આસો સુદ ૧૦; મુ.) ૧૯ ઢાળની ‘જ્ઞાતાસુત્ર-સઝાય’ (ર. ઈ.૧૬૮૦/સં. ૧૭૩૬, ફાગણ વદ ૭), ૫૦ કડીની ‘પાર્શ્વનાથ દશભવગર્ભિત-સ્તવન’ (મુ.), ૫ ઢાળ અને ૨૧ કડીની ’આદિનાથ-સ્તવન’ (મુ.), ચંદ્રાવળાની ૨૮ કડીની ‘આદિનાથબૃહત્-સ્તવન’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, મહામાસ - ; મુ.), ‘પાર્શ્વનાથ-દોધક-છત્રીસી’, (મુ.) ‘ઋષિ-બત્રીસી-સઝાય’ (મુ.) ૪ ઢાળ અને ૨૪ કડીની ‘મૌન એકાદશી-સ્તવન’ (મુ.), ‘ગૌતમસ્વામી-પચીસી’ (મુ.), ‘આહારદોષ-છત્રીસી’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ વદ ૧૨), ‘સુગુરુ-પચીસી’ (મુ.), ‘વૈરાગ્ય-છત્રીસી’, ‘કુગુરુપચીસી’ (ર.ઈ.૧૬૭૩; મુ.), ‘કવિત્વ-બાવની’ (ર.ઈ.૧૬૯૨; મુ.), ૩૭ કડીની ‘મહાવીર-છંદ’, ૨૯ કડીની ‘ગણેશજીનો છંદ’, ‘છઆરા-સ્તવન’ તેમ જ હિંદીમાં કવિતની ૨૧ કડીની ‘ચોબોલીકથા’ (મુ.), દુહામાં ‘નંદ-બહુત્તરી/વિરોચન મહેતાની વારતા’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક-; મુ.), ‘સીતામુદ્રડી’, ૨ ચોવીસી (૧ની ર. ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, ફાગણ વદ ૧; બંને મુ.), સવૈયામાં ‘ઓમકાર-બાવની/માતૃકા-બાવની/જસરાજ-બાવની’ (ર.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.); ‘દોહા-બાવની’ (ર.ઈ.૧૬૭૪/સં. ૧૭૩૦, અસાડ સુદ ૯; મુ.), ‘ઉપદેશ-છત્રીસી’ (ર.ઈ.૧૬૫૭; મુ.); ‘બોધક-છત્રીસી’ (મુ.), સવૈયાની ૨૮ કડીની ‘પાર્શ્વનાથઘગ્ધર-નિશાણી’ (મુ.) તથા રાજસ્થાની ભાષામાં ૪૭ કડીની ‘(ફલોધી) પાર્શ્વનાથ બૃહત્-સ્તવન/છંદ’ (મુ.), દુહાસોરઠાની ૧૦૬ કડીની ‘પ્રેમપત્રિકા’ (મુ.) વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ચોવીસીઓ તથા વીસીઓમાં પ્રેમભક્તિના ભાવનો આશ્રય લેવામાં આવ્યો છે તે ધ્યાન ખેંચે છે. ૧ વીસી તો ઢાળ અને ધ્રુવાના વૈવિધ્યભર્યા ગરબાઓ રૂપે રચાયેલી છે અને તેમાં તીર્થંકરનાં જન્મ, નગરાગમન આદિ પ્રસંગોને અનુલક્ષીને, સખીને કે કંથને સંબોધન રૂપે એમનાં રૂપ અને પ્રભાવનું કે પોતાના ભક્તિભાવ કે ગુરુભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં કેટલોક આત્મબોધ પણ છે. બાવની વગેરે પ્રકારની કૃતિઓ ઉપદેશાત્મક છે. ‘પ્રેમપત્રિકા’ પ્રભુને લખાયેલ પત્ર રૂપે (પ્રભુરૂપી) સાજનના સ્નેહનો મહિમા પ્રગટ કરતી કૃતિ છે. જિનહર્ષે સ્તવન, સઝાય, ગીત, પંદરતિથિ, બારમાસ, ચોમાસા, હિયાલી, પ્રહેલિકા વગેરે પ્રકારની અનેક કૃતિઓ (ઘણી મુ.) ગુજરાતી, રાજસ્થાની તેમ જ હિંદીમાં રચેલી છે. ક્વચિત્ તેમણે સિંધી-પંજાબીમાં પણ કૃતિ રચી છે. એ બધામાં દેશીઓ અને સવૈયા આદિ છંદોના વિનિયોગથી મનોરમ ગેયતા સિદ્ધ થયેલી છે. તે ઉપરાંત તેમાં પ્રાસાદિક ભાવમય નિરૂપણો પણ પ્રાપ્ત થાય છે. ભાવમયતાની દૃષ્ટિએ નેમિરાજિમતીવિષયક ગીતો - જેમાં બારમાસ અને પત્રનો પણ સમાવેશ થાય છે - તે ખાસ ધ્યાન ખેંચે છે. બારમાસ તથા ૧૫ તિથિની દુહાબદ્ધ રાજસ્થાની રચનાઓમાં તો સામાન્ય નાયક-નાયિકાને કેન્દ્રમાં રાખીને વિરહભાવનું આલેખન થયું છે. પાર્શ્વનાથ અને સ્થૂલિભદ્રવિષયક તેમ જ જીવપ્રબોધનો વિષય લઈને પણ આ કવિએ બારમાસ રચ્યા છે તે બતાવે છે કે રૂઢ કાવ્યરૂપોને પણ એ કેવા વૈવિધ્યથી વાપરી શકે છે. ચોમાસાનો કાવ્યપ્રકાર નિપજાવવા ઉપરાંત એમણે વરસાદ, રાધાકૃષ્ણ, યૌવન, માનિની સ્ત્રી વગેરે વિષયોની દુહા, કવિત વગેરે પ્રકારની ફુટકળ રચનાઓ પણ કરી છે. કવિએ ગદ્યમાં ૧૧૫૦ ગ્રંથાગ્રનો ‘સ્નાત્રપૂજા પંચાશિકા-બાલાવબોધ’, ૬૦૫ ગ્રંથાગ્રનો ‘દીપાલિકાકલ્પ-બાલાવબોધ’, ૨૦૧ ગ્રંથાગ્રનો ‘મૌનએકાદશી-બાલાવબોધ’ અને ‘જ્ઞાનપંચમીકથા-બાલાવબોધ’ રચેલ છે. કૃતિ : ૧. આરામશોભા રાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી; ઈ.૧૯૮૩ (+સં.); ૨. ઉત્તમકુમાર ચરિત્ર રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭ (+સં.); ૩. કુમારપાળ રાજાનો રાસ, પ્ર. મોહનલાલ દલસુખરામ, ઈ.૧૮૭૬; ૪. રાત્રિભોજન પરિહારક રાસ, પ્ર. ભીમસિંહ માણેક ઈ.૧૮૮૭; (૩જી આ.) ૫. વીસ સ્થાનકનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૦; ૬. શ્રીપાળ રાજાકા રાસ; સં. કેશરમુનિ મહારાજ, સં. ૧૯૯૩; ૭. જિનહર્ષ ગ્રંથાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૮ (+સં.);  ૮. આકામહોદધિ : ૩ (+સં.), ૪ (+સં.); ૯. જૈઐરાસમાળા : ૧ (+સં.); ૧૦. જૈસસંગ્રહ (ન.); ૧૧. મોસસંગ્રહ;  ૧૨. જૈન સત્યપ્રકાશ, નવે. અને ડિસે. ૧૯૩૯-‘કવિત્વબાવની’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. આલિસ્ટઑઈ : ૨; ૩. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. ફૉહનામાવલિ; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]