ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દ્વારકો-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દ્વારકો-૧  [ઈ.૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડાકોરમાં રહેતા પણ ચરોતરમાં ભાલેજના વતની અને જ્ઞાતિએ વણિક તરીકે ઓળખાવાયેલા આ કવિની કૃતિઓ માત્ર ‘દ્વારકો’ નામછાપ ધરાવે છે. આ નામછાપથી મળતાં બોધાત્મક પદો (૧ પદની ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, કારતક સુદ૧૦; કેટલાંક મુ.), બાળલીલા, વસંત, હોરી, થાળ, ભક્તિશૃંગારની ગરબીઓ વગેરે કૃષ્ણવિષયક રચનાઓ (કેટલીક મુ.), ભક્તિબોધનો ‘કક્કો’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦ માગશર સુદ ૯; મુ.), ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’ (મુ.), કૃષ્ણવિરહની ‘તિથિ’ તથા ‘આઠવાર’ આ કવિની જ કૃતિઓ હોવાનું સમજાય છે. કવિની ભાષામાં પ્રાસાદિકતા છે અને કૃષ્ણવિષયક કાવ્યોમાં ભાવ અને અભિવ્યક્તિનું માધુર્ય છે. કૃતિ : ૧. કાદોહન : ૧(+સં.), ૨, ૩; ૨. ર. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન :૨;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૮૯ - ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’; ૬. સમાલોચક, ઑક્ટો-ડિસે. ૧૯૦૮ - ‘જૂની ગુજરાતી કવિતા’ અંતર્ગત ‘કવિ દ્વારકાદાસકૃત ગરબીઓ’, સં. છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]