ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મચંદ્ર
ધર્મચંદ્ર : આ નામે ૪૭ કડીનું ‘મોહરાજનું ભાવ-ગીત’ (લે.ઈ.૧૭૦૫), ૨૧ કડીની ‘રાજિમતી-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૯ કડીનું ‘માહવીર-સ્તોત્ર’ (લે.ઈ.સં. ૧૮મી સદી અનુ.), ‘શ્રાદ્ધદિન કૃત્યપ્રકરણ-સ્તબક’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા દિવાળી, સિદ્ધિગિરિ, પંચતીર્થ, સિદ્ધચક્ર, ઋષભનાથ, ધર્મનાથ, વીરપ્રભુ, શંખેશ્વર, સંભવજિન આદિનાં સ્તવનો, હોરીઓ વગેરે (કેટલાંક મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક હિન્દી યા હિન્દીમિશ્ર ગુજરાતીમાં પણ રચાયેલાં છે. કેટલાંક હોરીઓ-પદોમાં ભાવનું મધુરકોમળ નિરૂપણ તથા શબ્દલયનું પ્રભુત્વ ધ્યાનાર્હ છે. આ ધર્મચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી. ૧૪ કડીનો ‘ઢૂંઢકઝઘડાવિચાર’ (ર.ઈ.૧૮૨૪) ધર્મચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ ૪. જૈરસંગ્રહ; ૫. દેસ્તસંગ્રહ; ૬. શંસ્તવનાવલી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]