ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસુંદર વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મસુંદર (વાચક) [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. આંદોલા, ફાગ, રાસક અને ‘કાવ્યં’ નામથી સંસ્કૃત વૃત્તોને ગૂંથતા ૧૭૨/૧૭૪ કડીના ‘નેમીશ્વર બાલલીલા-ફાગ’ (ર.ઈ.૧૪૩૮ મુ.)માં ‘કાવ્યં’ની કેટલીક કડીઓ સંસ્કૃતમાં છે તથા ફાગમાં આંતરયમકનો આશ્રય લેવાયો છે. નેમિનાથના સમગ્ર ચરિત્રનું કથન કરતા આ ફાગુકાવ્યમાં પરંપરાગત અલંકારછટાથી રૂપ, વસંતક્રીડા, વરયાત્રા વગેરેનાં વિસ્તૃત વર્ણનો થયેલાં છે. આ ઉપરાંત આ કવિએ ‘શ્રીપાલ પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૮/સં.૧૫૦૪, આસો -) પણ રચેલ છે. કૃતિ : ૧. સંબોધિ, જુલાઈ ૧૯૭૫-‘ધર્મસુંદરકૃત નેમીશ્વર બાલલીલા ફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ (+સં.); ૨. સામીપ્ય એપ્રિલ ૧૯૮૪-‘ધર્મસુંદર કૃત નેમીશ્વર બાલલીલા ફાગ (સં. ૧૪૯૪)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]