ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નરસિંહ-૧ [ઈ.૧૫મી સદી] : ભક્તકવિ. જ્ઞાતિએ નાગર. પ્રચલિત માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા. ‘હારમાળા’ની “સંવત પંનર બારોતર, સપતમી અને સોમવાર રે; વૈશાખ અજુઆલિ પખે નરસિનિ આપ્યો હાર રે’(૧૮૫)’ એ કડી આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે. ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું હોય, એમાંનું આ કડીવાળું પદ કવિનું રચેલું હોય તો આ માન્યતાને સ્વીકારી શકાય. આનંદશંકર ધ્રુવ, ક. મા. મુનશી વગેરેએ કવિના જીવનકાળને ઈ.૧૫મી સદી પરથી ખસેડી ઈ.૧૬મી સદીમાં લઈ જવાનો મત વ્યક્ત કર્યો છે. પોતાના મતના સમર્થનમાં એણે કરેલી દલીલો આમ તો અનુમાનપ્રેરિત અને નકારાત્મક છે, તો પણ નરસિંહ પર ચૈતન્યની અસર હોવાનું આનંદશંકર ધ્રુવે કરેલું અનુમાન અને ‘ગોવિંદદાસેર કડછા’ કૃતિમાં નરસિંહના ઉલ્લેખનો અભાવ એ મુનશીએ કરેલી નકારાત્મક દલીલ વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ જે આધાર પર આ અનુમાન ટકેલાં છે તે આધાર જ હવે બનાવટી પુરવાર થતાં આ આખી માન્યતા સ્વીકાર્ય બને એવી રહી નથી. એ રીતે નરસિંહ જેવી કોઈ ઐતિહાસિક વ્યક્તિ થઈ નથી. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ઊભી કરેલી એ કલ્પિત વ્યક્તિ જ છે એવો બ. ક. ઠાકોરનો અભિપ્રાય પણ અત્યંતિક જણાય છે. કવિ જયદેવના (ઈ.૧૨મી સદી) ‘ગીતગોવિંદ’થી પ્રભાવિત છે, કવિના જીવનમાં બનેલા પ્રસંગોને વિષય તરીકે લઈ ઈ.૧૭મી સદીથી કાવ્યો રચવાં શરૂ થઈ જાય છે તથા અત્યારે કવિનાં કાવ્યોની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.૧૭મી સદીની મળે છે. એ આધારોને લક્ષમાં લઈ તેઓ ઈ.૧૨મી સદી પછી અને ઈ.૧૭મી સદી સુધીમાં થઈ ગયા એમ નિશ્ચિતપણે કહી શકાય. કવિની આત્મચરિત્રાત્મક કૃતિઓ, કવિના જીવનપ્રસંગોને વિષય બનાવી રચાયેલી મધ્યકાલીન કૃતિઓ તથા જનશ્રુતિઓ પરથી કવિના જીવનનો ઘણો વીગતપૂર્ણ આલેખ તૈયાર કરી શકાય એમ છે, પરંતુ એ ઉપલબ્ધ સામગ્રીમાં ઘણું પરસ્પર વિરોધી છે. એમાંના ઘણા આધારો પણ શંકાસ્પદ છે. એ સ્થિતિમાં કવિના જીવન વિશે ચોક્કસપણે કંઈ કહેવું ઠીકઠીક મુશ્કેલ છે. એટલે અહીં કવિના જીવનપ્રસંગોને વિષય તરીકે લઈ મધ્યકાલીન કવિઓ દ્વારા રચાયેલાં ને વિવાદાસ્પદ ન ગણાતાં કાવ્યોને આધારે મળતી કવિજીવનની માહિતી આપી છે. આ વીગતો મધ્યકાલીન કવિઓ પાસે પણ જનશ્રુતિ પરથી આવી હોવાની પૂરી સંભાવના છે. એ મુજબ કવિનું વતન જૂનાગઢ. અટક મહેતા. પત્નીનું નામ માણેક મહેતી. તેમનાંથી ૧ પુત્ર અને ૧ પુત્રી. પુત્રી કુંવરબાઈનાં લગ્ન ઉના/મંગરોળના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે અને પુત્ર સામળદાસનાં લગ્ન વડનગરના મદન મહેતાની પુત્રી સુરસેના સાથે થયાં હતાં. કુંવરબાઈના સીમંત પૂર્વે માણેક મહેતી અને સામળદાસનાં મૃત્યુ થયાં હતાં. તેમનું જીવન જૂનાગઢમાં પસાર થયું હતું. તેમના જીવનમાં કેટલાક ચમત્કારિક પ્રસંગો બન્યા હતા. ભાભીનાં મર્મવચનથી રિસાઈ વનમાં જઈ તેમણે ૭ દિવસ ઉપવાસ કરી શંકરની સ્તુતિ કરી ત્યારે શંકરે પ્રસન્ન થઈ એમને કૃષ્ણના રાસનાં દર્શન કરાવ્યાં. પિતાના શ્રાદ્ધ, પુત્રના લગ્ન, પુત્રીના સીમંત તથા દ્વારકાના શેઠ પર તેમણે લખેલી હૂંડીના પ્રસંગ વખતે ઈશ્વરે તેમને આર્થિક સહાય કરી હતી. જૂનાગઢના રા’માંડલિકે તેમની ભક્તિની કસોટી કરી ત્યારે ભગવાને તેમને ગળામાં હાર પહેરાવી માંડલિકના રોષમાંથી બચાવ્યા હતા. કવિની આત્મચરિત્રાત્મક કૃતિઓ, કવિના વંશજોના પેઢીનામાં તથા અન્ય જનશ્રુતિઓ પરથી જે બીજી માહિતી મળે છે તેમાં કવિનો જન્મ ભાવનગર પાસે આવેલા તળાજા ગામ પાસે થયો હતો એ માહિતી વિશેષ ઉલ્લેખનીય છે. પરંતુ આ આધારો પરથી મળતી હકીકતોની અધિકૃતતા શંકાસ્પદ છે. હસ્તપ્રતો અને મૌખિક પરંપરામાંથી જે કૃતિઓ અત્યારે કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે તેમાં કર્તૃત્વના, વર્ગીકરણના અને અધિકૃત વાચનાના અનેક પ્રશ્નો ઊભા થાય છે. આજે કવિને નામે મળતી ઘણી રચનાઓ પાછળથી કવિને નામે ચડાવી દેવાઈ હોય એવી પૂરી સંભાવના છે. આ રચનાઓમાં એક તરફ ઉઘાડો શૃંગાર, ગ્રામ્ય ઉક્તિઓ ને વિચારો છે તો બીજી તરફ આધ્યાત્મિક અનુભવની ઊંચી કોટિ ને ઊર્જિતના સ્પર્શવાળી ભાષા પણ છે. કાવ્યત્વની આ અણસરખી ઊંચાઈને લીધે ૧ નહીં, ૨ કે ૩ નરસિંહ થયા હતા એવો તર્ક થયો છે. એ સ્થિતિમાં કવિની અધિકૃત રચનાઓ નક્કી કરવાનું કોઈ સાધન અત્યારે ઉપલબ્ધ ન હોય તો આ રચનાઓને નરસિંહપરંપરાની-કવિની મૂળ કૃતિઓ તથા તેમને નામે અન્ય અનુગામી કવિઓએ રચેલી-ગણવાનું હરિવલ્લભ ભાયાણીનું સૂચન વધારે યોગ્ય લાગે છે. વિવિધ આંતરિક ને બાહ્ય પ્રમાણોથી નરસિંહની ન હોય તેવી કૃતિઓ જેમ જુદી પડી જશે તેમ નરસિંહની કવિછબી સાચી રીતે ઊઘડશે. ત્યાં સુધી આ રચનાઓ પરથી કવિની સર્જનશક્તિ વિશેનાં કોઈ પણ વિધાન સાપેક્ષ રહેવાનાં. સાંપ્રદાયિક અસર વગરનાં વ્યાપક વૈષ્ણવદર્શનથી કવિ પ્રભાવિત છે. એટલે કવિની સમગ્ર કવિતાના કેન્દ્રમાં કૃષ્ણભક્તિ છે. ઈસવીસનની ૧૨મી-૧૩મી સદીથી ગુજરાતમાં વ્યાપક બની ચૂકેલી કૃષ્ણભક્તિ નરસિંહની કવિતામાં પહેલી વખત કાવ્યનું મુખ્ય પ્રેરક બળ બનતી દેખાય છે. સમગ્ર ભારતમાં ઈ.૧૨મી સદી આસપાસથી શરૂ થયેલું ભક્તિઆંદોલન ૧૪મી -૧૫મી સદી સુધીમાં ભારતના વિવિધ પ્રદેશોમાં એક જુવાળ બનીને પ્રસરી જાય છે. નરસિંહની કવિતા આ આંદોલનની અસરો રૂપે જન્મી એમ મનાય છે. ‘રાસસહસ્ત્રપદી’ ‘ચાતુરીઓ’ અને શૃંગારનાં અન્ય પદો પરથી કહી શકાય કે કવિની કૃષ્ણભક્તિ પર ભાગવત અને જયદેવના ‘ગીતગોવિંદ’ની વિશેષ અસર છે. બિલ્વમંગળની કૃષ્ણભક્તિની રચનાઓથી પણ તેઓ જ્ઞાત હોય. પરંતુ વલ્લભાચાર્યના પુષ્ટિસંપ્રદાયની કે ચૈતન્યની અસર એમની કવિતા પર નથી. અન્ય પ્રાંતોમાંથી આવતા સંતો-ભજનિક સાથેના સંપર્કને લીધે નામદેવ જેવા મરઠી સંતોની કવિતાની અસર તેમની કવિતામાં આવી હોવાની સંભાવના છે. નરસિંહ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. “પ્રેમરસ પાને તું મોરના પીચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે” એમ ગોપીભાવે કહેતા કવિમાં જ્ઞાન અને યોગથી નહીં, પ્રેમથી ઈશ્વરને પામવાની ઝંખના છે. જસોદા અને ગોપીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વત્સલભાવ અને ગોપીના કૃષ્ણપ્રત્યેના પ્રણયભાવ એમ બે સ્વરૂપે આ કૃષ્ણપ્રેમ વ્યક્ત થાય છે. આ પ્રેમયુક્ત ભક્તિમાં ભક્તને મોક્ષની નહીં, ક્ષણેક્ષણે કૃષ્ણરસ-પ્રેમરસનું પાન કરવાની ઇચ્છા હોય છે એટલે ભક્ત ઈશ્વર પાસે જન્મોજન્મ અવતાર માગે છે. જો કે ભૂતળમાં ‘મોટું પદારથ’ એવી આ ભક્તિ આત્મતત્ત્વ ન જાગે ત્યાં સુધી મિથ્યા બની રહે છે. નરસિંહમાં જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદનો અને સગુણ ઉપાસનાનો આમ તો સ્વીકાર છે, પરંતુ એમનાં અધ્યાત્મજ્ઞાનનાં કેટલાંક પદોમાં જીવ-ઇશ્વરનો ભેદ ટાળવાની અને અકળ, અવિનાશી, આનંદરૂપ જડ-ચેતનામાં સર્વત્ર વ્યાપી રહેલા ચૈતન્યમય પરમતત્ત્વને પ્રેમના તંતથી બાંધવાનું કહી કવિ આખરે મહત્ત્વ તો ભક્તિનું જ કરે છે. સાધુસંતો સાથેના સમાગમથી કે ઇશ્વર સાથે તાદાત્મ્ય અનુભવતાં આ ભક્તકવિનાં જ્ઞાનચક્ષુ ખૂલ્યાં હોય અને એ સ્વાનુભવમાંથી આ દર્શન આવ્યું હોય એ શક્ય છે. કવિનું સમગ્ર સર્જન આમ તો પદોમાં જ થયું છે, જેમાં કેટલીક પ્રસંગનો આધાર લઈ રચાયેલી આખ્યાનકલ્પ પદમાળાઓ છે. ભગવાનની ભક્તવત્સલતાનો મહિમા કરવા માટે રચાયેલી આ પદમાળાઓમાં કવિના અંગત જીવન વિશે માહિતી આપતી ને કવિના પોતાના જીવનપ્રસંગોને વિષય તરીકે લઈ રચાયેલી ૫ આત્મચરિત્રાત્મક પદમાળાઓ કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે. ઝૂલણા બંધમાં રચાયેલી આ પદમાળાઓની, ‘હારમાળા/હાર સમેનાં પદ’ને બાદ કરતાં, રચનાસાલ મળતી નથી. એમાં સૌથી વધારે વિશૃંખલ અને વિવાદાસ્પદ કૃતિ ‘હારમાળાહારસમેનાં પદ’ છે. ૫૦ પદથી ૨૩૧ પદ સુધી એની વાચનાઓ વિસ્તરેલી છે. સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક સાધુઓની ચડામણીથી નરસિંહને પોતાના દરબારમાં બોલાવી તેમની ભક્તિની કસોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિ પ્રગટ થઈ ત્યારથી એના નરસિંહકર્તૃત્વ વિશે શંકાઓ થઈ છે. કેટલાક વિદ્વાનોએ એને પ્રેમાનંદની કૃતિ માની, પણ એ માન્યતા હવે સ્વીકારાતી નથી. એનું નરસિંહકર્તૃત્વ પણ વિદ્વાનોને શંકાસ્પદ લાગે છે. હસ્તપ્રતોમાં જોવા મળતી પદોની મોટી વધ-ઘટ, પાત્રોના મુખમાં મુકાયેલાં ગ્રામ્ય વિચારો અને ઉક્તિઓ, કંઈક અનુચિત લાગે એ રીતે થતી નરસિંહની ભક્તિની પ્રશંસા વગેરે આ શંકાને દૃઢ બનાવે એવી બાબતો છે. ૨૦/૨૫ પદની ‘મામેરું/મામેરાંનાં પદ’માં ભગવાન દામોદર દોશીનો વેશ લઈ નરસિંહની પુત્રી કુંવરબાઈનું મામેરું પૂરી કેવી રીતે નરસિંહની નાગરી નાતમાં થતી હાંસીને અટકાવે છે એ પ્રસંગ વર્ણવાયો છે. પ્રેમાનંદ અને વિશ્વનાથ જાનીનાં ‘મામેરું’ની ઘેરી અસર બતાવતી હોવાને લીધે આ કૃતિનું નરસિંહકર્તૃત્વ પણ શંકાસ્પદ બને છે. એ સિવાય જાનનું અસરકારક વર્ણન કરતી ને સુદામાની કથાને કંઈક અંશે મળતી આવતી ૩૪/૩૫ પદની ‘સામળદાસનો વિવાહ/પુત્રનો વિવાહ’માં નરસિંહના પુત્ર સામળદાસના વડનગરના મદન મહેતાની પુત્રી સાથેના વિવાહ ઇશ્વરકૃપાથી કેવી રીતે હેમખેમ પાર પડે છે એ પ્રસંગ નિરૂપાયો છે. ૮ પદની ‘હૂંડી’માં નરસિંહે દ્વારકા જતા યાત્રાળુઓની વિનંતીને માન આપી ૭૦૦ રૂપિયાની હૂંડી શામળા શેઠ પર લખી આપી ને ભગવાને શેઠનું રૂપ લઈ એ હૂંડી કેવી રીતે છોડાવી અને પ્રસંગ આલેખાયો છે. પોતાના કાકાને ત્યાં પાટોત્સવ કીર્તન-સમારંભના પ્રસંગે કીર્તન કરતાંકરતાં નરસિંહે પાણી પિવડાવવા આવેલી સ્ત્રીમાં ભગવાનનું મોહિનીસ્વરૂપ જોયું એ અનુભવને ૪ પદની ‘ઝારીનાં પદ’માં વર્ણવ્યો હોવાનું મનાય છે, પરંતુ એ પ્રસંગને કોઈ પ્રમાણનો આધાર નથી. કથનના અંશ વગરની આ કૃતિમાં ભગવાનના મોહિની સ્વરૂપનું વર્ણન ચિત્રાત્મક છે. આ ૩ આત્મચરિત્રાત્મક કૃતિઓના નરસિંહકર્તૃત્વ વિશે કોઈ ચોક્કસ પ્રમાણો આપી હજી શંકા ઉપસ્થિત થઈ નથી, પરંતુ એમના નરસિંહકર્તૃત્વ વિશે પણ કેટલાક વિદ્વાનોને શંકા છે. મધ્યકાલીન કાવ્યપરંપરામાં આ પ્રકારની આત્મચરિત્રાત્મક લાંબી આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો સદંતર અભાવ તથા ‘હારમાળા’ અને ‘મામેરું’ માટે ઉપર જોયાં તે કારણોને લક્ષમાં લઈએ તો નરસિંહની આ સમગ્ર આત્મચરિત્રાત્મક કૃતિઓ પાછળનાં સમયમાં નરસિંહને નામે ચડી હોવાની સંભાવના વિશેષ લાગે છે. કવિની અન્ય આખ્યાનકલ્પ પદમાળાઓમાં ભાગવતના સુદામા-પ્રસંગ પર આધારિત, ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા ગાતી, ઝૂલણાબંધની દેશીમાં રચાયેલી ૮ પદની ‘સુદામાચરિત્રસુદામાજીના કેદારા’(મુ.) ગુજરાતી કવિતામાં અત્યારે ઉપલબ્ધ સુદામાવિષયક પહેલી કૃતિ છે. ભગવાનની કથા કરતાં કૃષ્ણ-સુદામાના મૈત્રીસંબંધને અહીં વિશેષ ઉઠાવ મળે છે, પરંતુ તત્ત્વત: કૃતિ રહે છે ભક્તિપ્રધાન. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી હોવાથી એમાં કથન-વર્ણનનું તત્ત્વ ઓછું છે. હરિગીતની દેશીમાં ઢાળ-ઊથલાના બંધમાં રચાયેલી ને સંભવત: શૃંગારચાતુરીના વિષયને લીધે ‘ચાતુરીછત્રીસી’માં ‘ચાતુરીષોડશી’ નક્કર વસ્તુવાળી અને વધારે સંકલિત છે. જયદેવના ‘ગીત-ગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું એમાં નિરૂપણ છે. ‘ચાતુરીછત્રીસી’નાં પદોમાં ફરી ફરીને એકવિધ રીતે થતું તથા પ્રગલ્ભ ને વાચ્યાર્થની કોટિએ પહોંચતું શૃંગારવર્ણન ચમત્કૃતિ રહિત તો બને જ છે, પરંતુ એને લીધે એમાંનાં પદોની અધિકૃતતા પણ ઊણી ઊતરે છે. બળભદ્ર અને ગોવાળો સાથે વનમાં ગાયો ચરાવવા ગયેલા કૃષ્ણ રાધાને જોઈ તેની પાસે ગોરસનું દાણ માગે છે એ પ્રસંગનું આલેખન કરતી, પ્રારંભમાં રમતિયાળ શૈલીમાં ચાલતી ને કૃષ્ણના નટખટ વ્યક્તિત્વને ઉપસાવતી ૩૯ કડીની ‘દાણલીલા’(મુ.), પહેલાં ૧૦ પદમાં ભાગવતના દશમસ્કંધમાં નિરૂપતિ કૃષ્ણજન્મના પ્રસંગને અને ૧૧મા પદમાં કૃષ્ણનાં ગોકુળપરાક્રમો ને કંસહત્યાના પ્રસંગને વર્ણવતી ઢાળ-સાખીના બંધવાળી ૧૧ પદની ‘શ્રીકૃષ્ણજન્મસમાનાં પદ’(મુ.) તથા મથુરા ગયેલા કૃષ્ણને ગોકુળ પાછા પધારવા ઓધવ સાથે સંદેશો મોકલતી ગોપીની ઉક્તિ રૂપે રચાયેલી ૭/૧૦ પદની વિરહકૃતિ ‘ગોપીસંદેશ’ વગેરે કવિની અન્ય આખ્યાનકલ્પ રચનાઓ છે. ‘સુરતસંગ્રામ’ (મુ.) અને ‘ગોવિંદગમન’(મુ.) એ કવિને નામે મળતી બે આખ્યાનકલ્પ કૃષ્ણભક્તિની કૃતિઓ એમાંની કંઈક વિલક્ષણ લાગે એવી સાહસિક કલ્પના અને રસવૃત્તિ, સંખ્યાબંધ ફારસી શબ્દો અને અતિ સંસ્કૃતપ્રચુર ભાષા, ઝડઝમકને શબ્દાનુપ્રાસનો અતિયોગ, વગેરે કારણોથી અર્વાચીન સમયના કોઈ કવિએ તે રચીને નરસિંહને નામે ચડાવી દીધી હોવાનું નિશ્ચિત છે. આખ્યાનકલ્પ રચનાઓ સિવાય બીજાં વિવિધ વિષય અને ભાવનાં ૧૨૦૦ જેટલાં પદ(મુ.) કવિને નામે મળે છે, જેમાંનાં ઘણાં જનસમાજમાં ખૂબ લોકપ્રિય છે. શૃંગાર, વાત્સલ્ય અને ભક્તિજ્ઞાન એમ મુખ્ય ૩ વિભાગમાં વહેંચાતાં આ પદોમાં સૌથી વધુ પ્રમાણ શૃંગારપ્રીતિનાં પદોનું છે. ‘રાસસહસ્ત્રપદી’ (મુ.), ‘શૃંગારમાળા’(મુ.), ‘વસંતનાં પદ’(મુ.) અને ‘હિંડોળાનાં પદ’(મુ.) શીર્ષક હેઠળ મળતાં શૃંગારપ્રીતિનાં પદોમાં વિવિધ પરિસ્થિતિઓમાં વિભિન્ન રૂપે ગોપીનો કૃષ્ણ માટેનો રતિભાવ વ્યક્ત થાય છે. ભાગવતના ‘રાસપંચાધ્યાયી’ની અસરવાળાં ‘રાસસહસ્ત્રપદી’નાં શીર્ષકમાં સૂચવાય છે તેમ સહસ્ત્ર નહીં, પરંતુ ૧૮૯ પદોમાં કૃષ્ણ સાથે રાસ રમવા માટે ઉત્સુક અભિસારિકા ગોપીના શણગારનું, કૃષ્ણ સાથેની શૃંગારકેલિનું અને કૃષ્ણ સાથે રમાતા રાસનું વર્ણન છે. આ પદો મુખ્યત્વે વર્ણનાત્મક છે તો ‘શૃંગારમાળા’નાં ૫૪૧ પદો મુખ્યત્વે ગોપીની ઉક્તિ રૂપે છે. હર્ષ, લજ્જા, ઇર્ષ્યા, વ્યાકુળતા, ઇજન, વગેરે ગોપીહૃદયના વિવિધ ભાવ એમાં આલેખાય છે. વખતોવખત સ્થૂળ ને પ્રગલ્ભ રીતે કૃષ્ણ-ગોપીની શૃંગારક્રીડાને વર્ણવતાં આ પદો પર જયદેવની અસર છે. ‘વસંતનાં પદ’માં વસંતની ઉદ્દીપકતા, કૃષ્ણ-ગોપીનું હોળીખેલન, વસંતવૈભવ જોઈ ગોપીચિત્તમાં ઊલટતો આનંદ વગેરે આલેખાય છે. ‘હિંડોળાનાં પદ’માં વર્ષાઋતુમાં હિંડોળે હિંચકતા કૃષ્ણ-ગોપીની ક્રીડાનું આલેખન છે. ‘દ્વાદશમહિના/રાધાકૃષ્ણની બારમાસી’(મુ.) જેવી કૃતિમાં ગોપીવિરહ આલેખાયો છે, પરંતુ વિરહને તલસાટ કરતાં સંભોગનાં આનંદ ને તૃપ્તિ કવિનાં પદોમાં વિશેષ છે. આ શૃંગારની કોઈ કુંઠા કવિના મનમાં નથી. ભક્ત માટે તો ગોપી એટલે વૃત્તિઓ, તેમનું આત્મામાં રમી રહેવું તે રાસ અને કૃષ્ણ-ગોપીનો વિહાર તે ભક્તની બધી વૃત્તિઓનો પરમાત્મા સાથેનો યોગ છે. જસોદા અને ગોકુળવાસીઓના બાળકૃષ્ણ પ્રત્યેના વત્સલભાવને વ્યક્ત કરતાં પદોમાં કેટલાંક પદ કૃષ્ણજન્મવધામણીનાં છે. કૃષ્ણજન્મથી આનંદઉત્સવ માટે ગોપગોપીઓનું નંદને ઘરે ટોળે વળવું, ગોપીઓનાં મંગળ ગીત ગાવાં, પારણામાં ઝૂલતા કૃષ્ણને હીંચોળવા વગેરે વીગતોથી કવિએ ગોકુળવાસીઓના મનમાં જન્મેલી આનંદ ને ધન્યતાની લાગણીને નિરૂપી છે. બાળલીલાનાં ચળીસેક પદમાં કૃષ્ણે જસોદા અને ગોપીઓ પાસે કરેલાં તોફાન, બાળકૃષ્ણને જોઈ એને જમાડતાં જસોદાના હૃદયમાં જન્મતો ઉલ્લાસ વિશેષ આલેખાયો છે. કેટલાંક દાણલીલાનાં પદ કવિને નામે મળે છે, પણ એ પદો કોઈ અન્ય કવિનાં હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. કવિનાં જનસમાજમાં સૌથી વધુ લોકપ્રિય તો ઝૂલણા બંધમાં રચાયેલાં ને પ્રભાતિયાં તરીકે જાણીતાં થયેલાં ભક્તિ-વૈરાગ્યબોધ અને જ્ઞાનઅનુભવનાં પદો છે. કવિના જીવનનાં પાછલાં વર્ષોમાં રચાયાં હોવાની જેમની સંભાવના છે એવાં આ પદોમાં ભક્તિનો મહિમા કરવાનું અને વૈરાગ્યબોધનું તત્ત્વ પ્રધાન છે. અહીં ક્યાંક સંસારીજનોને ઇશ્વર તરફ અભિમુખ થવાનું કવિ કહે છે, ક્યાંક કૃતક વૈષ્ણવને પુત્ર વગર પારણું બાંધતો મનુષ્ય કહી તેની મજાક કરે છે ને સાચા વૈષ્ણવનાં લક્ષણ આપે છે તો ક્યાંક ઇશ્વર સ્મરણ ન કરતા મનુષ્યને ‘સુતકી નર’ કહે છે. પણ આ પદોમાં કવિના અદ્વૈતપ્રતીતિના અનુભવને વ્યક્ત કરતાં અને ઉપનિષદકથિત પરમતત્ત્વને પ્રાસાદિક ને ઊર્જિતના સ્પર્શવાળી ભાષામાં પ્રત્યક્ષ કરતાં પદો સમગ્ર ગુજરાતી કવિતાની ચિરંજીવ સંપત્તિ બન્યાં છે. આ પદોમાં કવિની ઇશ્વરવિષયક દૃષ્ટિ પણ બદલાય છે તેની આગળ વાત થઈ છે. ઝૂલણા, ચોપાઈ, દુહા, સવૈયા, ઇત્યાદિની દેશીઓમાં રચાયેલાં ને કેદાર, વસંત, મલ્હાર વગેરે સંગીતના રાગના નિર્દેશવાળાં નરસિંહનાં પદોમાં ગરબી, થાળ, ભજન જેવા પ્રકારો જઈ શકાય છે. અન્યથા પણ આ પદોનું અભિવ્યક્તવૈચિત્ર્ય વિવિધ રીતે ધ્યાન ખેંચે છે. ઝૂલણાબંધ પરની કવિને વિશેષ ફાવટ છે તે તરત વરતાય છે. વિવિધ ભવસ્થિતિઓને મૂર્ત કરવા ઘરેલુ ભાષાથી માંડી કલ્પનાસભર ને ચિત્રાત્મક ભાષા સુધીના અનેક રૂપ સમુચિત રીતે આ છંદમાં કવિએ પ્રોયોજ્યાં છે. એ સિવાય લયવૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, રવાનુકારી શબ્દોને પ્રાસઅનુપ્રાસયુક્ત શબ્દવિન્યાસથી અનુભવાતું શબ્દ-શબ્દો ને પ્રાસઅનુપ્રાસયુક્ત શબ્દવિન્યાસથી અનુભવાતું શબ્દ-માધુર્ય, લલિતમધુર કે ભવ્ય ભાવને લીલયા મૂર્ત કરી શકે એવું ભાષાકૌશલ વગેરેથી ઘણાં પદો ઊંચા કાવ્યગુણવાળાં બન્યાં છે. કવિનાં બધાં પદ એકસરખાં કાવ્યબળવાળાં નથી. એમાં ઘણાં ક્ષેપક હશે. ઉપાડની પંક્તિ આકર્ષક હોય અને પછી પદ લથડી પડતું હોય, એકનો એક ભાવ અનેક પદોમાં પુનરાવર્તિત થતો હોય, ભાવ સ્થૂળ ને વાચ્ય બની જતો હોય એવું ઘણાં પદોમાં અનુભવાય છે. ગુજરાત-રાજસ્થાનમાં અપભ્રંશની અંદર રચાયેલા પદસાહિત્યની પરંપરાનો લાભ કવિને મળ્યો હોવાનું સંભવિત છે, અને તો પણ ઉપર્યુક્ત વિષય અને અભિવ્યક્તિના વૈવિધ્યથી ગુજરાતી કવિતામાં પદસાહિત્યનો દૃઢ પાયો નાખવાનું શ્રેય નરસિંહને મળે છે. નરસિંહ પૂર્વે ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેથી ઐતિહાસિક દૃષ્ટિએ હવે અમને આદિ કવિ કહી શકાય એવી સ્થિતિ નથી, અને તેમ છતાં “નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ અવાજ સાંપડે છે” (ઉમાશંકર જોશી) એ અર્થમાં નરસિંહ ગુજરાતીના આદિ કવિ છે. કૃતિ : ૧. આદિ ભક્તકવિ નરસિંહ મેહતાકૃત કાવ્યસંગ્રહ, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૧૩ (+સં.); ૨. નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૮૧ (+સં.);  ૩. આદિકવિની આર્ષવાણી, સં. ઇશ્વરલાલ ર. દવે, ઈ.૧૯૭૩ (+સં.); ૪. નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૯ (+સં.); ૫. નરસિંહ મહેતાકૃત ચાતુરી, સં. ચૈતન્યબાળા દિવેટિયા, ઈ.૧૯૪૯ (+સં.); ૬. નરસિંહ મહેતા કૃત હાર-સમેનાં પદ અને હારમાળા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૦ (+સં.); ૭. નરસિંહ મહેતાનાં પદ (અપ્રકાશિત), સં. રતિલાલ વી. દવે, ઈ.૧૯૮૩; ૮. નરસૈ મહેતાનાં પદ, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૬૫ (+સં.); ૯. રાસસહસ્રપદી, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૯;  ૧૦. પ્રાકાસુધા : ૧, ૩, ૪; ૧૧. બૃકાદોહન : ૧, ૨(+સં.), ૩થી ૮; ૧૨. (કવિ બ્રેહેદેવકૃત)ભ્રમરગીતા-અન્ય કવિઓની વૈષ્ણવ ગીતાઓ અને ઉદ્ધવ-ગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ મજમુદાર અને અન્ય, ઈ.૧૯૬૪; ૧૩. (કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત) સુદામાચરિત, સં. મગનભાઈ દેસાઈ, ઈ.૧૯૨૪ (+સં.); ૧૪. (મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં) સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨. સંદર્ભ : ૧. નરસિંહ ચરિત્ર વિમર્શ, દર્શના ધોળકિયા, ઈ.૧૯૯૨; ૨. નરસિંહ મહેતો, ગજેન્દ્ર લા. પંડ્યા, ઈ.૧૯૨૯; ૩. નરસિંહ મહેતો-એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૧, ૪. નરસિંહ મહેતા અધ્યયનગ્રંથ, સં. રસિક મહેતા ને અન્ય, ઈ.૧૯૮૩; ૫. નરસિંહ મહેતા-આસ્વાદ અને સ્વાધ્યાય, સં. રઘુવીર ચૌધરી ને અન્ય, ઈ.૧૯૮૩; ૬. નરસૈ મહેતા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ, જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૭૩; ૭. નરસૈંયો ભક્ત હરિનો, ક. મા. મુનશી, ઈ.૧૯૩૩;  ૮. અનુક્રમ, જયંત કોઠારી, ઈ.૧૯૭૫-‘સુદામાની કથા : મૂળ અને વિકાસ’; ૯. કવિ ચરિત : ૧-૨; ૧૦. કૃષ્ણકાવ્ય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૬ - નરસિંહ વિષયક લેખો; ૧૧. ગુલિટરેચર; ૧૨. ગુસામધ્ય; ૧૩. ગુસાઇતિહાસ : ૨; ૧૪. ગુસારસ્વતો; ૧૫. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ.૧૯૩૩; ૧૬. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ.૧૯૭૫ (પહેલી આ.નું પુનર્મુદ્રણ)-‘કવિચરિત્ર’; ૧૭. ભક્તિ કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને વિકાસ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; ૧૮. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૯ (પુનર્મુદ્રણ)-‘સંતના શબ્દ’,  ૧૯. સાહિત્ય, જૂન ૧૯૩૪ - નરસૈંયાને લગતા કેટલાક પ્રશ્નો’, બ. ક. ઠકોર;  ૨૦. આલિસ્ટઑઇ : ૨; ૨૧. કેટલૉગગુરા; ૨૨. ગૂહાયાદી; ૨૩. ડિકેટલૉગબીજે. સંદર્ભ સૂચિ : નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ, સં. શિવલાલ કે. જેસલપુરા, ઈ.૧૯૮૧-સં. પ્રકાશ વેગડ. [જ.ગા.]