ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પઉમ પદમ મુનિ
પઉમ/પદમ(મુનિ) [ઈ.૧૩૦૨ સુધીમાં] : જૈન સાધુ. ૫૭ કડીની ‘દુહામાતૃકા/ધર્મમાતૃકા’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં ઉપદેશાત્મક સુભાષિતો છે અને ૭૧ કડીના ‘સાલિભદ્ર-કક્ક’ (લે.ઈ.૧૩૦૨; મુ.)માં શાલિભદ્ર અને તેમની માતા વચ્ચેના સંવાદ રૂપે ત્યાગ અને ધર્મનો મહિમા વર્ણવાયો છે. દોહરાની ૧૪ કડીના ‘નેમિનાથફાગુ’ (મુ.)ની પહેલી ૧૦ કડીઓમાં વસંતવર્ણન છે ને છેલ્લી ૪ કડીઓમાં નેમિનાથનું કથાનક છે. આ ફાગુ તેમાંના વસંતવર્ણન, વસંતઆગમનથી જનજીવનમાં ફેલાયેલા ઉલ્લાસ અને ગુર્જરનારીના રૂપપોશાકના આલેખન તથા મનોરમ આલંકારિક વાણીને લીધે ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. પ્રાગુકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાપઅહેવાલ : ૨૧; ૪. ગુસારવસ્વતો; ૫. મરાસસાહિત્ય; ૬. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. મુપુગૂહસૂચી.[ર.સો.]