ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ નિષ્કુળાનંદ


પદ(નિષ્કુળાનંદ) : નિષ્કુળાનંદકૃત પદો(મુ.) ૩૦૦૦ જેટલાં હોવાનું કહેવાય છે, પરંતુ તેમાં ‘વૃત્તિવિવાહ’ જેવી પદસમુચ્ચય રૂપ કૃતિઓનાં અને અન્ય દીર્ઘ કૃતિઓમાં મળતાં પદોનો પણ સમાવેશ થતો હશે એમ લાગે છે. નિષ્કુળાનંદની ઘણી કૃતિઓના પદ્યબંધમાં પદપ્રકારનો વિનિયોગ નોંધપાત્ર પ્રમાણમાં છે. સંપ્રદાયમાં કીર્તનોને નામે ઓળખાયેલાં, ગુજરાતી ઉપરાંત હિંદીમાં તે કવચિત્ કચ્છીમાં મળતાં પદો વિવિધ રાગોનો નિર્દેશ ધરાવે છે ને બારમાસી, તિથિ, થાળ, વસંત, ધોળ, રેખતા, પરજિયા, સાખી આદિ પ્રકારભેદો બતાવે છે. એમાં સહજાનંદસ્વામીના સ્વરૂપવર્ણનનાં ને એમનાં વિરહનાં પદો છે, કદાચ જૈન અસર નીચે રચાયેલ શિયળની વાડનાં પદો છે, પંચેન્દ્રિયોના ભોગનાં પદો છે, પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે ને જ્ઞાનનાં તથા ભક્તિવૈરાગ્યબોધનાં પદો છે. પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં કૃષ્ણરૂપનાં વર્ણનો ને એમને માટેના મુગ્ધ પ્રીતિભાવ ને વિરહભાવની અભિવ્યક્તિ છે. સંયોગશૃંગારનાં ચિત્રો નથી. આ પદો મોટી સંખ્યામાં છે, છતાં નિષ્કુળાનંદ વધુ પ્રસિદ્ધ છે એમનાં વૈરાગ્યભાવનાં પદોને કારણે “જનની જીવોરે ગોપીચંદની” ને “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” જેવાં એમનાં પદો ખૂબ લોકપ્રિય બનેલાં છે. જ્ઞાન, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા અને શમદમાદિક ગુણોનો પ્રચાર કરતાં આ પદો સરળ, ઘરગથ્થુ પણ વેગવતી ભાષા તથા પૌરાણિક-લૌકિક દૃષ્ટાંતોના વિનિયોગથી અસરકારક બનેલાં છે. એ કેટલીક વાર ઉદ્બોધન રૂપે તો કોઈ વાર આત્મકથન રૂપે રચાયેલાં છે. એ શૈલીછટા પણ ઉપકારક બની છે. કૃષ્ણપ્રીતિનાં પદોમાં કવિનું ભાષાલાલિત્ય દેખાય છે. સાધુઓની આસક્તિ જોઈને સહજાનંદે એમની કામળીઓ બળાવી નાખેલી તે પ્રસંગનું તથા સહજાનંદના દેહવિલય પછી સાધુઓમાં કેવો શિથિલાચાર પ્રવેશશે એનું વર્ણન કરતાં ૨ પદો મળે છે તે એમાંના કરુણ-વિનોદી ચિત્રણને કારણે નોંધપાત્ર બને છે. [શ્ર.ત્રિ.]