ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાલણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાલણ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. અવટંક ત્રવાડી. વતન પાટણ. ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનું અનુમાન. સંસ્કૃતના સારા અભ્યાસી. વ્રજભાષાનું જ્ઞાન પણ હોવાની સંભાવના. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં દેવીભક્ત હોય, પણ એકથી વધુ દેવોની સ્તુતિ કરે છે એટલે સાંપ્રદાયિક નથી. જીવનના ઉત્તરાર્ધમાં રામભક્તિ પર આસ્થા વધુ દૃઢ બનેલી દેખાય છે. કવિના ‘દશમસ્કંધ’માં આવતાં વ્રજભાષાનાં પદ કવિનાં પોતનાં રચેલાં હોય એવું લાગે છે તથા કવિનાં આખ્યાનોમાં પહેલી વખત જોવા મળતાં મુખબંધવાળાં ને ઊથલો કે વલણ વગરનાં કડવાં કવિ નાકર (ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ)નાં ઊથલો કે વલણવાળાં કડવાંની પૂર્વવર્તી સ્થિતિનાં સૂચક છે. આ બંને બાબતોને લક્ષમાં લઈએ તો કવિનો જીવનકાળ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ અને ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ વચ્ચે હોવાનું અનુમાન કરી શકાય. કવિનું અપરનામ પુરુષોત્તમ હતું, સિદ્ધપુરના કવિ ભીમ તેમના શિષ્ય હતા, કવિના ગુરુનું નામ પરમાનંદ હતું, કવિએ ઔરંગાબાદનો પ્રવાસ કર્યો હતો, કવિએ વૃદ્ધ વયે સંન્યસ્ત લીધેલું કે જીવતાં સમાધિ લીધેલી એ કવિજીવન વિશે મળતી માહિતી શ્રદ્ધેય જણાતી નથી. ગુજરાતી ભાષાને ‘ગુર્જર ભાખા’ તરીકે પહેલી વખત ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાંબદ્ધ આખ્યાનોમાં સ્થિર પાયો નાખવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. જો કે, પૌરાણિક વિષયોને લઈ રચાયેલાં એમનાં આખ્યાનોમાં મૂળ કથાને વફાદાર રહેવાનું વલણ વિશેષ છે એટલે પ્રેમાનંદની જેમ પ્રસંગને રસિક રીતે બહેલાવવા તરફ ને પ્રત્યક્ષીકરણ તરફ કવિનું ઝાઝું લક્ષ નથી. એને કારણે રસની જમાવટ, વર્ણનો કે ભાષા એ દરેકમાં તેઓ પ્રેમાનંદ જેવી સિદ્ધિ દાખવતા નથી. ક્યારેક ભાવની ઉત્કટતા વખતે તેઓ પદનો આશ્રય લે છે ત્યારે એમનું નિરૂપણ પ્રભાવક બને છે. કવિનાં ઉપલબ્ધ આખ્યાનોમાં કેટલાંક મુદ્રિત છે. મુદ્રિત આખ્યાનોમાં કેટલાંક સંપૂર્ણ અને કેટલાંક તૂટક છે. એમાં વર્ણનોમાં હર્ષના ‘નૈષધીયચરિત’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપુ’ની અસર ઝીલતું અને બાકી મહાભારતની નલકથાને અનુસરતું, મૂળ પાત્રોની ઉદાત્તતા સાચવતું અને શૃંગાર-કરુણ રસની કેટલીક જમાવટ કરતું ૩૦/૩૩ કડવાંનું ‘નળાખ્યાન’(મુ.) કવિની કેટલીક ઉત્તમ રચનાઓમાં ગણી શકાય એવું છે. એ સિવાય પદ્મપુરાણ પર આધારિત વીર અને અદ્ભુત રસવાળું, ક્યાંક કાવ્યત્વની ચમત્કૃતિ બતાવતું ૨૨ કડવાંનું ‘જાલંધર-આખ્યાન’(મુ.) અને મામકી નામની ગણિકાની રામભક્તિને નિરૂપતું ૮ કડવાંનું ‘મામકી-આખ્યાન’ (મુ.); ભાગવતની ધ્રુવકથા પર આધારિત,નિષ્કામ ભક્તિનો મહિમા કરતું અને વેદાંતના પરમતત્ત્વના જ્ઞાનને રજૂ કરતું ૧૮ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’(મુ.); માર્કંડેય પુરાણ પર આધારિત, કવચિત્ કવિનું પ્રારંભકાળનું મનાતું, મહિષાસુર અને શુંભ-નિશુંભના વધની કથા દ્વારા આદ્યશક્તિનો મહિમા કરતું ને મૂળ કથાના અનુવાદરૂપ ૧૦ અને ૧૪ કડવાંના ૨ ખંડમાં વિભાજિત ‘સપ્તશતી/ચંડી-આખ્યાન’(મુ.); શિવપુરાણની શિકારીની કથા પર આધારિત, કવિના ધર્મશાસ્ત્રના જ્ઞાન અને દુનિયાદારીના અનુભવને પ્રગટ કરતું ૧૭ કડવાંનું ‘મૃગી-આખ્યાન’(મુ.); રામાયણ અને રામસંબંધી અન્ય સંસ્કૃત કાવ્ય-નાટકો પર આધારિત, કવિના સમયની સામાજિક સ્થિતિનું કંઈક પ્રતિબિંબ પાડતું ૨૧ કડવાંનું ‘રામવિવાહ/સીતાવિવાહ’ સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થતાં કવિનાં આખ્યાન છે. ૧ કડવાનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) અપૂર્ણ છે તો ૪ કડવાંનું ખૂબ ત્વરિત વેગે સીતાવિવાહ પછીના રામજીવનના પ્રસંગોને આલેખતું ‘રામાયણ’ (મુ.) પણ અપૂર્ણ હોવાની સંભાવના છે. કવિની પદોમાં રચાયેલી કૃતિઓમાં ભક્તિરસવાળી ૨ કૃતિઓ ‘દશમસ્કંધ’ અને ‘રામબાલચરિત’ સવિશેષ ધ્યાનાર્હ છે. દુહા, ચોપાઈ, ઝૂલણા વગેરે દેશીઓમાં રચાયેલાં, વિવિધ રાગનિર્દેશવાળાં અને ઘણી જગ્યાએ મુખબંધ-ઢાળનાં અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં ૪૯૭ પદોના ‘દશમસ્કંધ’(મુ.)માં પોતે સ્વતંત્ર રીતે રચેલી ‘રુક્મિણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ કૃતિઓ કવિએ અહીં સમાવી લીધી છે. એ સિવાય અન્ય કવિઓનાં પદ પણ એમાં ભળી ગયાં છે. ભાગવતની કથાને જ સંક્ષેપમાં કહેવાનું કવિનું લક્ષ હોવા છતાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણમાં કવિ એવા ઊંચા કવિત્વની પ્રતીતિ કરાવે છે કે એમાંના દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ, નરસિંહ અને દયારામની એ વિષયનાં કાવ્યોની બરોબરી કરે એવાં છે. સીતાસ્વયંવર સુધીની કથાને રજૂ કરતું ૪૦ પદવાળું ‘રામબાલચરિત’(મુ.) પણ વાત્સલ્યરસની ઉત્તમ કૃતિ છે. બાલસ્વભાવ અને બાલચેષ્ટાનાં સ્વભાવોક્તિભર્યાં ચિત્રો અને માતૃહૃદયની લાગણીનું એમાં થયેલું નિરૂપણ ગુજરાતી કવિતામાં અપૂર્વ છે. ‘કૃષ્ણવિષ્ટિ’(મુ.)નાં ૪ પદમાં કૌરવો સાથે વિષ્ટિ કરવા કૃષ્ણ જાય છે તે પૂર્વે કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે દ્રૌપદીના મનમાં જન્મેલી રોષયુક્ત વેદના કાવ્યના કેન્દ્રમાં છે. એ સિવાય ૫ પદની ‘રામવનવાસ’(મુ.), ૧ પદનું રૂપકાત્મક ‘રેંટિયા-ગીત’(મુ.) અને ‘મહાદેવના સાતવાર’(મુ.) કવિની અન્ય પદરચનાઓ છે. દુહાની ૮૦ કડીઓમાં રચાયેલું શંકરની સ્ત્રીલાલસાની પરીક્ષા કરવા પાર્વતીએ લીધેલા ભીલડીવેશના પ્રસંગને આલેખતું હળવી શૈલીનું ‘શિવભીલડી-સંવાદ/હર-સંવાદ’(મુ.) કવિનું સળંગ બંધવાળું કાવ્ય છે. પરંતુ ભાલણની યશોદાયી કૃતિ ‘કાદંબરી’(મુ.)છે. સંસ્કૃતમાં રચાયેલી કવિ બાણ અને પુલિનની કલ્પનામંડિત ને રસાર્દ્ર ગદ્યકથાને ૪૦ કડવાંબદ્ધ આખ્યાનમાં સંક્ષેપથી અને છતાં મૂળનો આસ્વાદ વિચ્છિન્ન ન થાય એ રીતે ઉતારવામાં કવિએ ગુજરાતી કવિતામાં પહેલું અને આજ સુધી અપૂર્વ રહેલું સાહસ બતાવ્યું છે. ‘મુગ્ધરસિક’ જનો માટે ‘કાદંબરી’ને ગુજરાતીમાં ઉતારતી વખતે કવિએ મૂળના કેટલાક અલંકારો જાળવી, ગાંઠના અલંકારો, ઉક્તિઓ, વર્ણનો મૂળ કૃતિમાં રસક્ષિત ન થાય એ રીતે ઉમેરી પોતાની કવિસૂઝનો પરિચય પણ કરાવ્યો છે. તૂટક રૂપે મળતા ૧૫ કડવાંના ‘દુર્વાસા-આખ્યાન’માં ભાલણની છાપ નથી અને ‘સીતા હનુમાન-સંવાદ’ની હસ્તપ્રત ઉપલબ્ધ નથી એટલે એ ૨ કૃતિઓ ભાલણની હોવાનું શંકાસ્પદ છે. ‘બીજું નળાખ્યાન’ પણ ભાલણનું નથી એ હવે સુનિશ્ચિત છે. આમ સમગ્ર રીતે કડવાંબદ્ધ આખ્યાનોના પ્રારંભિક રચયિતા, વાત્સલ્યપ્રેમનાં કેટલાંક મધુર પદોના સર્જક અને ‘કાદંબરી’ જેવી કૃતિને પ્રાસાદિક અને રસાવહ ગુજરાતીમાં ઉતારનાર અનુવાદક તરીકે ભાલણ ગુજરાતી કવિતામાં હંમેશા યાદ રહેશે. કૃતિ : ૧. ભાલણકૃત કાદંબરી (પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ), સં. કે. હ. ધ્રુવ, ઈ.૧૯૧૬; ૨. ભાલણકૃત કાદંબરી (પૂર્વાર્ધ-ઉત્તરાર્ધ), સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૩; ૩. ભાલણકૃત દશમસ્કંધ, સં. હરગોવિંદ દ્વા. કાંટાવાળા, ઈ.૧૯૧૫ (+સં.); ૪. ભાલણકૃત ધ્રુવાખ્યાન અને નાકરકૃત મોરધ્વજાખ્યાન, સં. ભાનુસુખરામ નિ. મહેતા, -; ૫. ભાલણકૃત નળાખ્યાન, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૫ (ત્રીજી આ.); ૬. ભાલણકૃત બે નળાખ્યાન, સં. રા. ચુ. મોદી, ઈ.૧૯૨૪; ૭. ભાલણનાં પદ, સં. જેઠાલાલ ત્રિવેદી, ઈ.૧૯૪૭ (+સં.); ૮. ભાલણનાં ભાવગીતો, સં. ધીરુભાઈ ત્રિ. દોશી, ઈ.૧૯૮૦ (+સં.);  ૯. નકાદોહન : ૩; ૧૦. પ્રાકાસુધા : ૩; ૧૧. બૃકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬; ૧૨. રા. ચુ. મોદી લખસંગ્રહ, સં. પુરુષોત્તમ ભી. શાહ, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ભાલણ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૧૯; ર. ભાલણ : એક અધ્યયન, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૧; ૩. ભાલણ, ઉદ્ધવ અને ભીમ, રામલાલ ચુ. મોદી, ઈ.૧૯૪૪;  ૪. અન્વય, હસિત બૂચ, ઈ.૧૯૬૯-‘ભાલણનાં વાત્સલ્યચિત્રો’; ૫. ઉપાસના, ઈ.કા. દવે, ઈ.૧૯૭૧-‘કાદંબરી’; ૬. કવિચરિત : ૧-૨; ૭. ગુમાસ્તંભો; ૮. ગુલિટરેચર; ૯. ગુસાઇતિહાસ : ૨; ૧૦. ગુસામધ્ય; ૧૧. ગુસારસ્વતો; ૧૨. ગુસારૂપરેખા : ૧; ૧૩. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી : ૧૦, સં. ભોગીલાલ ગાંધી અને અન્ય, ઈ.૧૯૭૨-‘પહેલાં પાંચસો વરસ’, ધીરુભાઈ ઠાકર; ૧૪. નભોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘પદ્મનાભ અને ભાલણ’; ૧૫. નળ દમયંતીની કથાનો વિકાસ, ર.ચી. શાહ, ઈ.૧૯૮૦-‘ભાલણકૃત નળાખ્યાન’; ૧૬. પડિલેહા, ર. ચી. શાહ, ઈ.૧૭૭૯-‘ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’નું પગેરું’;  ૧૭. ગૂહાયાદી; ૧૮. ડિકૅટલૉગબીજે; ૧૯. ફૉહનામાવલિ.[કે.શા.]