ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મીરાં-મીરાંબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મીરાં/મીરાંબાઈ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ]: પ્રેમલક્ષણા ભક્તિની કવિતા રચનાર એક ઉત્તમ પદકવિ. મીરાં ૧૬મી સદીમાં થઈ ગયાં અને એ રાજસ્થાનના રાજપરિવારનાં હતાં એ સિવાયની મળતી એમની જીવનવિગતો અચોક્કસ છે. કેટલીક વિગતો લોકવાયકાથી ઘેરાયેલી છે. મુખ્યત્વે હરમાન ગેત્સ (Goetze)ના સંશોધનને આધારે વિદ્વાનોએ મીરાંની જે જીવનરેખા આલેખી છે એ મુજબ − ઈ.૧૫મી સદીનાં અંતિમ વર્ષોમાં કે ૧૬મી આરંભે એમનો જન્મ મેડતાના કુડકી ગામમાં, દૂદાજીના પુત્ર રત્નસિંહની પુત્રી તરીકે થયેલો; રાણા સંગ (રાજ્યકાળ ઈ. ૧૫૦૯-૧૫૨૮)ના મોટા પુત્ર ભોજ સાથે ઈ. ૧૫૧૬ આસપાસ એમનું લગ્ન થયેલું; એ પછી કેટલાંક જ વર્ષોમાં મીરાં વિધવા થયેલાં. બાળપણમાં દાદા પાસેથી મળેલા વૈષ્ણવ ભક્તિના સંસ્કારે તેમજ મનની કોઈ ઊંડી આરતને કારણે મીરાંનું ચિત્ત સંસારી સુખોથી વિમુખ થઈને કૃષ્ણની પ્રીતિમય ભક્તિમાં જ લીન થયું હતું, એવું એમનાં પદો પરથી પણ સમજાય છે. શ્વસુરગૃહ મેવાડ અને પિયર મેડતાના રાજપરિવારો વચ્ચેના સારા સંબંધોને લીધે મીરાંના ભક્તિમય જીવનને બહુ આંચ નહીં આવી હોય પરંતુ પતિ અને સસરાના અવસાન પછી ચિતોડની ગાદી પર આવેલા મીરાંના દિયર વિક્રમાદિત્યે મીરાંની કનડગત શરૂ કરી હશે; એની પાછળ વિધવા રાજરાણી મીરાંની સાધુસંતો સાથેની ઊઠબેસ અને કંઈક અંશે રાજખટપટો પણ કારણભૂત હશે. મીરાંનાં પદોમાં મળતા ઉલ્લેખો પરથી લાગે છે કે વિષ આપીને કે નાગ કરડાવીને એમની હત્યા કરવાના પ્રયાસો થયા હશે. ભક્તિમય જીવન પર આવા દાબ અને અવરોધો આવવાથી મેવાડત્યાગનું વિદ્રોહી પગલું ભરીને મીરાં ઈ.૧૫૩૨ આસપાસ પિયર મેડતા ચાલી ગયાં. એ પછી સંન્યાસિની મીરાં કૃષ્ણધામ દ્વારકા ગયાં. ત્યાંથી પછી વૃંદાવન આદિ તીર્થોની યાત્રાએ ગયાં ને પુન: દ્વારકા આવ્યાં. એમનું અવસાન દ્વારકામાં થયું કે અન્યત્ર એ સ્પષ્ટ થતું નથી. ઈ. ૧૫૬૩-૬૫ દરમ્યાન એમનું અવસાન થયાનું અનુમાન થયું છે. અવસાનપૂર્વે મીરાં અજ્ઞાતવાસમાં ચાલી ગયેલાં એવી પણ એક સંભાવના કરવામાં આવી છે. મેવાડ-મેડતાના ત્યાગ પછી મીરાંએ એક સાધ્વી તરીકે યાત્રામય જીવન સ્વીકાર્યું. રાજસ્થાનથી ગુજરાતમાં દ્વારકા આવીને પછી ત્યાંથી ઉત્તર ભારતમાં વૃંદાવન સુધીની ને સંભવત: ભારતનાં અન્ય તીર્થોની યાત્રાએ એ જઈ આવેલાં. આ યાત્રાઓ દરમ્યાન મીરાં વિવિધ સંપ્રદાયના સંતો અને આચાર્યોના સંપર્કમાં આવ્યાં હોવાનું મનાય છે. એમાં રામભક્ત દેવાજી, વલ્લભ સંપ્રદાયના કૃષ્ણદાસ અને રામદાસ, રાધાવલ્લભ સંપ્રદાયના હિતહરિવંશજી, ચૈતન્યસંપ્રદાયના જીવ ગોસ્વામી અને રૂપ ગોસ્વામી સાથેના મેળાપ મુખ્ય છે. મીરાંબાઈના ગુરુ અંગે પણ ઘણી અટકળો થઈ છે, એમાં જીવ ગોસ્વામી અને રૈદાસનાં નામ વધુ પ્રચલિત છે. જીવ ગોસ્વામી અને મીરાંબાઈનો મેળાપ થયેલો એ સ્વીકૃત હકીકત છે પણ તે મીરાંના ગુરુ હતા એ વાતને કોઈ સમર્થન નથી. રૈદાસ સાથે મીરાંનો મેળાપ થયાની વિગતને કોઈ ચોક્કસ આધાર નથી એટલે એમના ગુરુ-શિષ્ય-સંબંધની સંભાવના ટકી શકે એમ નથી. મીરાંબાઈને અકબર સાથે મેળાપ થયો હતો કે એમને તુલસીદાસ અને નરસિંહ સાથે પત્રવ્યવહાર થયેલો એ વિગતો ઉપજાવેલી છે, એને કોઈ અધિકૃત ટેકો નથી. મીરાંનાં પદો પર અન્ય સંપ્રદાયોના ભજનસાહિત્યનો પ્રભાવ જોવાના પ્રયત્ન પણ થયા છે. “જોગી હોવા જુગ તણા જાણા, ઉલટ જણમ રાં ફાંસી” જેવાં દૃષ્ટાંતોને આધારે નાથસંપ્રદાયની; “ગગનમંડપ પૈ સેજ પિયા કી, કિસવિધ મિલણા હોય”-ને આધારે નિર્ગુણ ભક્તિસંપ્રદાયની; ને ‘રામ’, ‘રઘુનાથ’ જેવા શબ્દપ્રયોગોને આધારે રામાનંદી સંપ્રદાયની અસર એમની ભક્તિભાવના પર થઈ હોવાનાં અનુમાન થયાં છે. પરંતુ મીરાંનાં આવાં પદો કે પદપંક્તિઓ પ્રક્ષિપ્ત હોવાની સંભાવના વધારે છે. મીરાંના રાજસ્થાન, ગુજરાત, ઉત્તર ભારતમાંના નિવાસને લીધે રાજસ્થાની, ગુજરાતી ને વ્રજ ત્રણે ભાષાઓમાં એમની પદરચનાઓ મળે છે ને તે તે ભાષાનાં સન્માન્ય કવિ તરીકે એમની ગણના થયેલી છે. એ ત્રણે ભાષાઓમાંની પદરચનાઓની કુલ સંખ્યા ૧૪૦૦ ઉપરાંતની ગણાવાઈ છે પરંતુ એમાં પ્રક્ષિપ્ત પદોની સંખ્યા પણ ઠીકઠીક છે. મીરાંનાં કેટલાંક ખૂબ જ પ્રચલિત પદો ત્રણે ભાષા-પ્રદેશોમાં જાણીતાં છે. ને ગવાતાં-સંભળાતાં તેમજ છપાતાં રહ્યાં છે. એટલે ઓછું સર્જન છતાં મીરાંનો કવિ તરીકેનો ભૌગોલિક વ્યાપ મોટો છે. મીરાં એક રીતે ભારતીય કવયિત્રી પણ છે. હસ્તપ્રતોના આધારવાળાં ને કેટલાક શબ્દફેર સાથેના ઓછા-વધારે પરિવર્તનોવાળાં મીરાંબાઈનાં ગુજરાતી પદો  (મુ.)ની સંખ્યા ૪૦૦ જેટલી છે. એ પદોનું ભાવજગત મહદંશે એકલક્ષી છે, કૃષ્ણપ્રીતિકેન્દ્રી છે. અલબત્ત, એમાં કેટલાક વિવર્તો છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી...’, ‘સાધુનો સંગ મીરાં છોડી દિયો રે...’, ‘સંસારીનું સુખ કાચું’, એથી ‘પરણું તો પ્રીતમ પ્યારો...’ જેવા કાવ્યોદ્ગારોમાં મીરાંની આત્મચરિત્રાત્મક બાબતો પણ નિર્દેશ પામી છે તો ‘હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું’, ‘શામળો ઘરેણું મારે સાચું... વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી’, ‘ઉપાડી ગાંસડી વેઠની રે’, ‘દિલ તો ખોલીને દીવો કરો રે’, ‘રામ રાખે તેમ રહીએ’ − વગેરેમાં રૂપકો ગૂંથતી સંતવાણી ને ભક્તિબોધની લહર પણ દેખાય છે. યાત્રાઓ દરમ્યાન થયેલા સંતો-કવિઓની વાણીના સંસ્કાર એમના પર પડેલા છે. આ બે છેડા વચ્ચેની મીરાંની કવિતા કૃષ્ણ-સમર્પણભાવની નિતાન્ત પ્રેમ-સંવેદનની કવિતા છે. એમાં સમરસ થયેલો ગોપીભાવ છે : “પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે” એવા પ્રગટ ભાવોદ્ગાર ઉપરાંત “નંદલાલ નહીં રે આવું...”, ‘વૃંદાવન મોરલી વાગે છે...’, ‘હાં રે કોઈ માધવ લ્યો...’, ‘રાધે તારા ડુંગરિયા પર...’ એવા અનેક ભાવવાહી ઉદ્ગારો એમાં છે. મિલનની આરત, રિસામણાં, વિયોગની તીક્ષ્ણ વેદના મીરાંબાઈનાં પદોનો પ્રધાન સૂર છે. મીરાંની કવિતા આવા સુકુમાર ભાવોની એક નૈસર્ગિક સરવાણી જેવી છે એટલે સંવેદનની પારદર્શકતા ઉપરાંત એમાં પ્રીતિભાવનું, સ્ત્રીહૃદયનું માધુર્ય પણ છે. એમની કવિતાની સહજ રચનામાં વર્ણમધુર લયાન્વિતતા પણ છે : “મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા”માં ‘મ’નું અનુરણન કે ‘પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની’ તથા “વાગે છે રે વાગે છે, વનરાવન મોરલી વાગે છે”માં શબ્દપુનરાવર્તનથી આવતો, મનની લગનીવાળો લય સંભળાય છે. વળી ‘કાનુડો ન જાણે મોરી પીર’માં “કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઊડ્યાં ફરરર રરર રે” જેવી વર્ણલયાત્મક પંક્તિઓ ભાવસૌંદર્ય સાથે રચનાસૌંદર્ય પણ પ્રગટાવે છે. એથી મીરાંનાં પદો સંગીતક્ષમ બન્યાં છે ને ભારતનાં ઉત્તમ ગાયક-કલાકારો દ્વારા એ સ્મરણીય બન્યાં છે. મીરાંબાઈની કવિતાની ઊર્મિ-સુષમાએ એમને પ્રેમલક્ષણાભક્તિનાં ઉત્તમ સ્ત્રીકવિ તરીકે પ્રતિષ્ઠિત કર્યાં છે. પદો સિવાયની જે કેટલીક લાંબી રચનાઓ મીરાંબાઈને નામે મળે છે એમાં દુહા-ચોપાઈના બંધવાળી ને સંવાદરીતિએ લખાયેલી ‘નરસીજીકા માયરા/નરસી રો માયરો’ (મુ.) ધ્યાનપાત્ર છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ કૃતિમાંથી ઘણો ક્ષેપક અંશ કાઢી નાખીએ તો બાકીના અંશોનું કર્તૃત્વ મીરાંબાઈનું ગણી શકાય. પરંતુ આખી રચના જ મીરાંકૃત નથી એવો વિદ્વાનમત સાચો લાગે છે. રામાનંદી સંપ્રદાયનાં મંદિરોમાંથી જ મળતી આ કૃતિની પ્રતો, કૃતિના આરંભે રામાનંદની થયેલી અતિપ્રશસ્તિ, કૃતિ પર જોવા મળતો તુલસીદાસના ‘રામચરિત માનસ’નો પ્રભાવ અને ઘણી પંક્તિઓ પર જોવા મળતી પ્રેમાનંદકૃત ‘મામેરું’ની અસર − વગેરે બાબતો આ કૃતિ પાછળના સમયમાં કોઈ રામાનંદી સાધુ મીરાંદાસ દ્વારા રચાઈ હશે એવા તર્કને સાચો માનવા પ્રેરે એમ છે. ‘(પિપાજીનું) ચરિત્ર’ નામની કૃતિ પણ આ મીરાંદાસની જ હોવાની સંભાવના છે. ૮૦ કડીની ‘સતભામાનું રૂસણું’ (મુ.) એનો ગરબાપ્રકાર, એની ભાષાનું ઘણું અર્વાચીન રૂપ અને મીરાંની પ્રચલિત નામછાપનો અભાવ − એ બધાથી મીરાંકૃત લાગતી નથી. એ જ પ્રમાણે ૫૮ કડીની ‘નરસિં મહતાચી હૂંડી’, ‘ગીતગોવિંદની ટીકા’ − એ કૃતિઓ પણ મીરાંબાઈની હોવાની સંભાવના નથી. મીરાંનો સંપૂર્ણ કવિયશ એમનાં ઉત્તમ પદોથી ઉજ્જ્વવળ છે. કૃતિ : ૧. મીરાં કી પ્રામાણિક પદાવલિ (હિંદી), ભગવાનદાસ તિવારી, ઈ. ૧૯૭૪ (+ સં.); ૨. મીરાંનાં પદો, સં. ભૂપેદ્ર ત્રિવેદી, ૧૯૬૨. (મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, ૧૯૬૯ - ને સમાવી લેતી, મીરાંનાં પદોની બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી અને અનસૂયા ત્રિવેદી, ૧૯૭૬); ૩. મીરાંનાં પદો, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૮૪; ૪. મીરાં-બૃહદ-પદ-સંગ્રહ (હિંદી), સં. પદ્માવતી શબનમ, ઈ. ૧૯૫૩ (+સં.); ૫. મીરાંબાઈનાં ભજનો, સં. હરસિદ્ધભાઈ દિવેટિયા, ઈ. ૧૯૭૬ (૧૦મી આ.); ૬. મીરાંબાઈ - એક મનન, મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૭૫ (+સં.);  ૭. બૃહત્કાવ્યદોહન : ૧, ૨, ૫, ૬, ૭ (+સં.). સંદર્ભ : ૧. મીરાં, રતિલાલ મો. ત્રિવેદી, ઈ. ૧૯૫૯; ૨. મીરાં, હસિત હ. બૂચ, ઈ. ૧૯૭૮; ૩. મીરાં, નિરંજન ભગત, ઈ.૧૯૮૨; ૪. મીરાં સ્મૃતિગ્રન્થ (હિંદી), સં. ઘનશ્યામ શલભ, વગેરે, ઈ. ૧૯૭૨; ૫. મીરાંબાઈ, ભાનુસુખરામ મહેતા, ઈ. ૧૯૧૮; ૬. મીરાંબાઈ (હિંદી), ડૉ. પ્રભાત, ઈ. ૧૯૬૫;  ૭. આપણાં સાક્ષરરત્નોે : ૧, ન્હાનાલાલ દ. કવિ, ઈ. ૧૯૩૪ - ‘મહારાણી મીરાં’; ૮. આરાધના, ચૈતન્યબહેન જ. દિવેટિયા, ઈ.૧૯૬૮ - ‘પ્રેમમૂર્તિ મીરાં’; ૯. કવિચરિત : ૧-૨; ૧૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૩૭ (બીજી આ.) - ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસીદાસ’; ૧૧. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (અંગ્રેજી), ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈ. ૧૯૧૬ (બીજી આ.) પહેલી, ૧૮૯૨); ૧૨. ગુલિટરેચર; ૧૩. ગુસાઇતિહાસ : ગ્રંથ: ૨, ખંડ : ૧ (શોધિત-વર્ધિત આવૃત્તિ) ૨૦૦૩; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા-૧; ૧૬. થોડાંક રસદર્શનો, ક.મા. મુનશી, ઈ. ૧૯૩૩ - ‘ભક્તિનો મધ્યાહ્ન અને ગુજરાતી સાહિત્ય’; ૧૭. નભોવિહાર, રા. વિ. પાઠક ૧૯૬૧ - ‘મીરાં અને અખો’; ૧૮. નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આવૃત્તિ - ‘કવિચરિત્ર’; ૧૯. ભાવલોક, ચિમનલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૬ - ‘નરસિંહ મીરાંની ઉપમા’; ૨૦. વાગીશ્વરનાં કર્ણફૂલો, દર્શક, ઈ. ૧૯૬૩ - ‘મીરાંની સાધના;  ૨૧. Journal of Gujarat Research Society, April ૧૯૫૬ - Mirabai by Hermann Goetze. આ લેખનો અનુવાદ - ‘મીરાંબાઈ’ - ભૂપેન્દ્ર ત્રિવેદી, પરિશિષ્ટ, મીરાંનાં પદો (સંવર્ધિત આ.) ૧૯૭૬; ૨૨. ફાત્રૈમાસિક, એપ્રિલ જૂન ૧૯૫૮ - ‘મીરાં’, હીરાબહેન પાઠક; ૨૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૮૬ - ‘મીરાંનું કવિકર્મ’, જયંત કોઠારી;  ૨૪. ગૂહાયાદી; ૨૫. ડિકૅટલૉગબીજે; ૨૬. ડિકૅટલૉગભાવિ, ૨૭. મુપુગૂહસૂચી.[ર.સો.]