ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રણછોડ-૨ [ઈ.૧૮મી સદી] : ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ કવિ. પિતા નરસિંહદાસ. અવટંક મહેતા. ખડાલના દરબારથી નારાજ થઈ તેમણે નજીકમાં આવેલા તોરણ ગામમાં સ્થાયી વસવાટ કરેલો. નેસ્તી અને ધીરધારનો તેમનો વ્યવસાય હતો. દૂર પૂનમે ડાકોર રણછોડરાયનાં દર્શને જવાનો એમનો નિયમ હતો. તોરણામાં અને પાછળથી ગોધરા અને સુરતમાં તેમણે મંદિરોની સ્થાપના કરી હતી. એમના જીવનમાં ઘણા ચમત્કાર પ્રસંગો બન્યા હોવાનું અને ૧૦૫ વર્ષ જેટલું લાંબું આયુષ્ય તેમણે ભોગવ્યું હોવાનું મનાય છે. આ કવિની મોટાભાગની કવિતા પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનવૈરાગ્યની છે, પંરતુ રામજીવન વિશે પણ તેમણે કેટલીક કૃતિઓ રચી છે. ઉદ્દાલક ઋષિનો પુત્ર નાસકેત જંતુ રૂપે નર્કમાં સબડતા પોતાના પૂર્વજોને નર્કની યાતનામાંથી છોડાવે છે એ કથાને ૧૦ કડવાં ને ૨૨૪ કડીમાં કહેતી ‘નાસકેતજીનું આખ્યાન’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, ચૈત્ર સુદ ૧૩, ગુરુવાર; મુ.), ૮ કડવાંની ‘દશ અવતારની લીલા’ (ર.ઈ.૧૭૧૯/સં. ૧૭૭૯, જેઠ સુદ ૨, શનિવાર;મુ.), બ્રહ્માએ કૃષ્ણના ઈશ્વરીય સ્વરૂપની પરીક્ષા કરવા માટે ગોપબાળો અને ગાયોનું અપહરણ કર્યું એ પ્રસંગને વર્ણવતી ૧૦ કડવાંની ‘બ્રહ્મ-સ્તુતિ’ (ર.ઈ.૧૭૨૪/સં. ૧૭૮૦, જેઠ સુદ ૧૩; મુ.) ૩૨ કડવાંની ‘કર્મવિપાક’ (લે.ઈ.૧૭૬૯), ઉદ્ધવગોપીના પ્રસંગને આલેખતી ૩૫ કડવાંની ‘સ્નેહલીલા’(મુ.), કૃષ્ણના વેણુવાદનથી ગોપીઓ અને વ્રજની પ્રકૃતિ પર પડતા પ્રભાવને વર્ણવતી ૭૨ કડીની ‘વેણુગીત’(મુ.), કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડી ગોકુળવાસીઓને ઇન્દ્રના કોપમાંથી ઉગારવા આપેલા આશ્રયના પ્રસંગને આલેખતી ૧૪ કડવાંની ‘ગોવર્ધનઉત્સવ/ગોવર્ધનઓચ્છવ/ઇન્દ્રઉત્સવ’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩ વૈશાખ-; મુ.) ૩૭ કડીની ‘રાધાવિવાહ’(મુ.), ૧૭ પદની ‘ચાતુરી/વ્રજશણગાર/રાધિકાજીનું રૂસણું’(મુ.)-એ ભાગવતના વિવિધ પ્રસંગો પર આધારિત એમની આખ્યાનકલ્પ રચનાઓ છે. કડવાંબંધનો આશ્રય લેવા છતાં વલણ-ઢાળ-ઊથલો એવો કડવાનો રચનાબંધ જાળવવા તરફ કવિનું લક્ષ નથી. ૩૫૮ કડીની રણછોડરાયની ભક્તિ કરતી ‘કેવળરસ’(મુ.), ૧૧૮ કડીની ‘વૃન્દાવનમાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, શ્રાવણ-૫, રવિવાર; મુ.), ૯૬ કડીની ‘ભક્ત બિરદાવલી’(મુ.), ૧૫૧ કડીની ‘નામમાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, મહા-૧૫, રવિવાર; મુ.), ૬ ખંડ ને ૧૪૯ કડીની કૃષ્ણનાં ગોકુળપરાક્રમોને વર્ણવતી ‘બાળચરિત્ર’(મુ.), ‘હરિરસ’, ‘પાંચરંગ’(મુ.) વગેરે એમની અન્ય ભક્તિમૂલક લાંબી રચના છે. ‘રામકથા/રામચરિત્ર/રાવણ-મંદોદરીસંવાદ’નાં ૧૨ પદ(મુ.)માં તૂટક રૂપે રામજીવનના પ્રસંગો આલેખાયા છે. થાળ, આરતી, ગરબી, કક્કો ઇત્યાદિ પદપ્રકારની ને છપ્પા જેવી પણ અનેક કૃતિઓ કવિએ રચી છે, તેમાં ‘બારમાસી’ (ર.ઈ.૧૭૩૧/સં.૧૭૮૭, શ્રાવણ-શુક્રવાર; મુ.); શણગાર, વસંત, હિંડોળા, રાસ વગેરે કૃષ્ણલીલાનાં અનેક પદ(મુ.); ‘પ્રભાતસ્તવન’નાં ૧૮ પદ; ૩૪ કડીનો કક્કો; ૪૦ કડીની ‘ચેતવણી’; ૫૨ કડીના છપ્પાપ્રકારના ‘તાજણા’(સાટકા) જેવી જ્ઞાનવૈરાગ્યની કૃતિઓનો સમાવેશ થાય છે. ‘વ્રજવૃન્દાવનલીલા’, ‘શ્રી વૃન્દાવનલીલા શ્રી જુગલકિશોર સત્ય છે’, ‘રાધિકાજીની વધાઇ’, ‘વામનજીની વધાઈ’ (સર્વ મુ.) એમની ગુજરાતીની છાંટવાળી વ્રજભાષાની રચનાઓ છે. ‘બૃહત્ કાવ્યદોહન : ૨ અને ૭’માં મુદ્રિત ‘રણછોડનો ગરબો’ (ર.ઈ.૧૮૧૩/સં.૧૮૬૯, આસો વદ ૮, રવિવાર), ‘કૃષ્ણજીવનના મહિના’ તથા ‘રાસપંચાધ્યાયી’ વ્યાપક રીતે આ કવિની રચનાઓ હોવાનું સ્વીકારાયું છે, પરંતુ આ ત્રણે કૃતિઓ ‘રણછોડભક્તની વાણી’ના સાતે ભાગમાં મુદ્રિત સ્વરૂપે મળતી નથી. ‘રણછોડજીનો ગરબો’ તો એનો રચનાસમય જોતાં આ કવિની કૃતિ હોય એવી સંભાવના બહુ ઓછી છે. ‘દિલમાં દીવો કરો’, કે ‘હરિજન હોય તે હરિને ભજે’ જેવાં આ કવિને નામે મળતાં પદ રણછોડ-૫ને નામે પણ મળે છે. કૃતિ : ૧. રણછોડભક્તની વાણી : ૧-૭, પ્ર. બળદેવદાસ ત્રિ. ભગત, ઈ.૧૯૬૪ (બીજી આ.), ઈ.૧૯૫૭, ઈ.૧૯૬૭, ઈ.૧૯૬૭, ઈ.૧૯૬૭, ઈ.૧૯૭૮ (+સં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૧, ૮; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને અન્ય, ઈ.૧૯૦૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાપઅહેવાલ : ૯-‘રણછોડ કવિ’, કેશવ હ. શેઠ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬-‘પ્રેમલક્ષણા ભક્તિનો ગાયક કવિ રણછોડ’, કવિ રણછોડનાં પ્રભાતિયાં’, ‘ભક્તકવિ રણછોડની જ્ઞાનવાણી’, ‘ભક્તકવિ રણછોડના રાસ-ગરબા’, ‘ભક્તકવિ રણછોડની પદેતર કૃતિઓ’;  ૬. ભક્તકવિ રણછોડ; એક અધ્યયન, ગોહિલ નાથાભાઈ, ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. ફૉહનામાવલિ.[ચ.શે.]