ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ દીવાન-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રણછોડ(દીવાન)-૪ [જ.ઈ.૨૦-૧૦-૧૭૬૮/સં. ૧૮૨૪, આસો સુદ ૧૦-અવ. ઈ.૧૮૪૧/સં.૧૮૯૭, મહા/ફાગણ વદ ૬] : વડનગરા નાગર. પિતા અમરજી નાણાવટી. માતા ખુશાલબાઈ.પહેલાં જૂનાગઢ રાજ્યમાં અને પછી જામનગરના દીવાન. તેઓ સારા યોદ્ધા અને વિદ્યારસિક પુરુષ હતા અને ગુજરાતી સિવાય સંસ્કૃત, વ્રજ અને ફારસી ભાષાઓ જાણતા. શંકરના ઉપાસક હતા. સુધારક માનસવાળા હોવાને લીધે બાળકીને દૂધપીતી કરવાના અને સતી થવાના કુરિવાજો નાબૂદ કરવામાં તેમણે અંગ્રેજોને સહાય કરી હતી. શિવગીતાની ‘જ્ઞાનપ્રકાશ’ નામની ગદ્યટીકા (ર.ઈ.૧૮૦૯/સં.૧૮૬૩, જેઠ વદ ૫; મુ.), ૧૩ કવચમાં ‘ચંડીપાઠના ગરબા’ (ર.ઈ.૧૮૨૨/સં.૧૮૭૮, આસો-૯; મુ.), ૬ ‘રહસ્યના ગરબા’, ‘રામાયણના રામાવળા’ (ર.ઈ.૧૮૨૩), ‘દ્રવ્યશુદ્ધિ’, ‘શ્રાદ્ધનિર્ણય’, ‘અશૌચનિર્ણય/સૂતકનિર્ણય’, ‘સોમવાર માહાત્મ્ય/સોમપ્રદેશનો મહિમા/પ્રદોષ માહાત્મ્ય’ એ ગુજરાતી કૃતિઓ એમણે રચી છે. એમણે ગુજરાતી અને ફારસીમાં રોજનીશી પણ લખી હોવાનો ઉલ્લેખ મળે છે. એ સિવાય વ્રજ-ગુજરાતીમાં ‘ઉત્સવ-માલિકા’ તથા ‘વિશ્વનાથ પરનો પત્ર’; વ્રજભાષામાં ‘શિવરહસ્ય’, ‘કુવલયાનંદ’, ગાણિતિક કોયડાવાળો ‘નાગરવિવાહ’, ‘બ્રાહ્મણની ચોરાસી નાતોનાં નામનાં કાવ્ય’, ‘દક્ષયજ્ઞભંગ’, ‘શિવવિવાહ/ઈશ્વરવિવાહ’, ‘શિવરાત્રિમાહાત્મ્ય’, ‘બૂઢેશ્વરબાવની’ના પર કવિત, ‘મોહનીછળ’, કામદહન-આખ્યાન’, ‘મદનસંજીવની’, ‘કાલખંજ-આખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’, ‘અંધકાસુર-આખ્યાન’, ‘ભસ્માંગદ-આખ્યાન’, ‘શંખચૂડ-આખ્યાન’, ‘ત્રિપુરાસુર-આખ્યાન’, ‘ભક્તમાળા’ અને ‘બિહારી શતશઈ’ વગેર તથા ફારસીમાં ‘તારીખે સોરઠ/વાક્યાએ સોરઠ વ હાલાર’ અને ‘રુકાતે ગુનાગુન’ વગેરે કૃતિઓની રચના કરી છે. કૃતિ : ૧. ચંડીપાઠના ગરબા, સં. ગણપતરામ વે. ઓઝા, ઈ.૧૮૮૫ (+સં.); ૨. દીવાન રણછોડકૃત શિવગીતા, પ્ર. જાદવરાય લી. બૂચ, ઈ.૧૮૯૭ (+સં.); ૩ શ્રી દેવીમહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૮; ૪. શિવરહસ્ય : ૧ (અનુ. રણછોડજી દીવાનજી), પ્ર. જાદવરાય લી. બૂચ (+સં.); ૫. શ્રી શિવરાત્રિમાહાત્મ્ય, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૭૩; ૬. બૃકાદોહન : ૨. સંદર્ભ : ૧. *રણછોડજી દીવાનનું જન્મચરિત્ર, ગણપતરામ વે. ઓઝા, ૧૮૮૫; ૨. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૩. ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, ડાહ્યાભાઈ પી. દેરાસરી, ઈ.૧૯૩૭; ૪. ગુમાસ્તંભો; ૫. ગુસારસ્વતો; ૬. સસામાળા;  ૭. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૮૬૩-‘ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ : રણછોડજી દીવાન’; ૧૦. એજન, જાન્યુ. ૧૮૭૨-‘રણછોડજીકૃત ગ્રંથો’;  ૮. ગૂહાયાદી; ૯. ફૉહનામાવલિ. [ચ.શે.]