ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રણયજ્ઞ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘રણયજ્ઞ’ [ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬ ચૈત્ર સુદ ૨, રવિવાર] : રામાયણની રામ-રાવણ યુદ્ધની કથાને વિષય બનાવી રચાયેલું ને વિજ્યાના ‘રણજંગ’ની અસર ઝીલતું ૨૬ કડવાનું પ્રેમાનંદનું આ આખ્યાન(મુ.) છે તો કવિના સર્જનના ઉત્તરકાળની રચના, પરંતુ કાવ્યત્વની દૃષ્ટિએ મધ્યમ બરનું છે. રામ-રાવણ યુદ્ધની કથા આલેખવા તરફ જ કવિનું લક્ષ હોવા છતાં આખી યુદ્ધકથા વેધક ને પ્રભાવક બનતી નથી, કારણ કે કાવ્યનું સંકલન વિવિધ રીતે નબળું છે. રાવણ અને રામની સેનાના સરદારો તથા તેમના સૈન્યની લંબાણથી અપાયેલી વીગતો ભલે કોઈ પાત્રમુખે અપાઈ હોય છતાં નીરસ બને છે. કાવ્યના કેન્દ્રીય વીરરસની જમાવટ પણ નબળી છે. યુદ્ધવર્ણનો રવાનુકારી શબ્દો ને પરંપરાનુસારી અલંકારો ને વીગતોથી એકવિધ રીતે આવ્યાં કરતાં હોવાથી રોમાંચ વગરનાં છે. યુદ્ધનાં યુયુત્સા અને આતંક ઉપસાવવામાં કવિને ખાસ સફળતા મળતી નથી. હાસ્ય, કરુણ જેવા અન્ય રસો વીરને પોષક બનવાને બદલે હાનિ વિશેષ પહોંચાડે છે. મંદોદરીના વિલાપ ને વ્યથામાં કરુણનો કેટલોક હૃદ્ય સ્પર્શ છે, પરંતુ રામનાં હતાશા ને વિલાપ એમના વીરોચિત વ્યક્તિત્વને બહુ અનુરૂપ નથી. કુંભકર્ણને ઉઠાડવા માટે થતા પ્રયત્નો કે કુંભકર્ણ અને વાનરો વચ્ચેના યુદ્ધનાં વર્ણનમાં કવિએ જે હાસ્ય વહેવડાવ્યું છે તે સ્થૂળ કોટિનું તો છે, પરંતુ તે યુદ્ધના આતંક ને ગાંભીર્યને સાવ હણી નાખતું હોવાથી અરુચિકર પણ બને છે. એટલે રચનામાં પોષક-અપોષક અંશોનું ઔચિત્ય કે રસસંક્રાંતિ એ બંનેની પ્રેમાનંદીય શક્તિ આ આખ્યાનમાં પ્રગટ થતી નથી. રામ અને રાવણ યુદ્ધકથાના મુખ્ય શત્રુપાત્રો હોવા છતાં યુદ્ધકથાને અનુરૂપ એમનું ચરિત્ર બંધાતું નથી. રાવણના મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ ને નિર્બળ મનમાં રામ પ્રત્યે ભક્તિભાવ અને રામનું લાગણીશીલ અને નિર્બળ મન યુદ્ધકથાના નાયકોને અનુરૂપ નથી. આખ્યાનનો કંઈક આસ્વાદ્ય અંશ મંદોદરીની પતિપરાયણતાને પુત્રપરાયણતામાંથી જન્મતી વ્યથાનો છે. “આજનો દહાડો લાગે મુંને ધૂંધળો” એ એના મોઢામાં મુકાયેલું વિષાદભાવવાળું પદ આખ્યાનનો ઉત્તમાંશ છે. આખ્યાનની ઘણી હસ્તપ્રતો સં. ૧૭૪૧નો રચનાસમય આપે છે, પંરતુ વાર, તિથિ, માસના મેળમાં આવતું ન હોવાને લીધે એ વર્ષ શ્રદ્ધેય નથી. [જ.ગા.]