ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિમલ-૨ વીરવિદ્યાધર
વીરવિમલ-૨/વીરવિદ્યાધર [ઈ.૧૮૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ આનંદવિમલસૂરિની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૮૧/૮૨ કડીની ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ (લે.ઈ.૧૮૧૯; મુ.), ૧૧ કડીની ‘આત્મચિંતન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. ઉપર્યુક્ત બન્ને કૃતિઓમાં અનુક્રમે ‘વીરવિદ્યાધર’ અને ‘વીર’ એવી નામછાપ મળે છે. ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ના કર્તા તરીકે વિદ્યાધર વિદ્યાવિમલ કે વીરવિમલ ગણવામાં આવ્યા છે. બીજી કૃતિ સંપાદકે વીરવિમલની ગણી છે. બન્ને કૃતિઓના કર્તા એક જ કવિ હોવાની સંભાવના છે. ૩૩ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ (મુ.) પણ ગુરુપરંપરા લક્ષમાં લેતાં આ કવિની કૃતિ લાગે છે. કૃતિ : ૧. અયવંતી સુકુમારનો તેર ઢાલીયો તથા અઢાર નાત્રાંની સઝાય અને સુભદ્રાસઝાય, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૦; ૨. પસમુચ્ચય : ૨; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘આત્મચિંતવનસ્વાધ્યાય’, સં. મુનિ મહારાજ ચંપકસાગર.[કી.જો.]