ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાલિભદ્ર-સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાલિભદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૧૮૫માં હયાત] : રાસકવિ. રાજગચ્છના જૈન સાધુ. વજ્રસેનસૂરિના પટ્ટધર શિષ્ય. ઋષભદેવના બે પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચેના યુદ્ધની કથાને આલેખતી ૧૪ ઠવણીમાં વિભક્ત ૨૦૩ કડીની વીરરસપ્રધાન કૃતિ ‘ભરતેશ્વર-બાહુબલિ-રાસ’(ર.ઈ.૧૧૮૫/સં.૧૨૪૧, ફાગણ-૫; મુ.) એમાંનાં યુદ્ધવર્ણનો તથા ડિંગળશૈલીનો ઉપયોગ કરતી ઓજસયુક્ત શૈલીને લીધે ધ્યાન ખેંચતી મહત્ત્વની રચના છે. સામાન્ય માણસે અને શ્રવાકે જીવનમાં કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે સુપથ્ય શીખવચનો રજૂ કરતો, ચરણાકુલ, ચોપાઈ, સોરઠા, દુહા આદિના બંધમાં રચાયેલ ૬૩ કડીનો ‘બુદ્ધિ-રાસ/શાલિભદ્ર-રાસ/હિતશિક્ષા-પ્રબુદ્ધ-રાસ’ (લે.ઈ.૧૭૭૫; મુ.) પણ તેમની કૃતિ મનાય છે; જો કે લાલચન્દ્ર ગાંધી આ બંને રાસના કર્તા એક જ હોવા વિશે સાશંક છે. કૃતિ : ૧. ભરત-બાહુબલિ-રાસ, સં. લાલચંદ્ર ભ. ગાંધી, ઈ.૧૯૪૧; ૨. (શાલિભદ્રસૂરિકૃત) ભરતેશ્વર-બાહુબલિ-રાસ તથા બુદ્ધિ રાસ, સં. શ્રી જિનવિજ્ય મુનિ, ઈ.૧૯૪૧. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. દેસુરાસમાળા;  ૭. અખંડાનંદ, ઑક્ટો.૧૯૫૬-‘ભરતેશ્વર બાહુબલિ-રાસ’, કાન્તિલાલ બ. વ્યાસ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભા.વૈ.]