ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘શાંતિનાથ ભગવાનનો રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘શાંતિનાથ ભગવાનનો રાસ’ [ર.ઈ.૧૭૨૯/સં. ૧૭૮૫, વૈશાખ સુદ ૭, ગુરુવાર] : તપગચ્છના સુમતિવિજયશિષ્ય રામવિજય રચિત આ રાસ (મુ.) જૈનધર્મના ૧૬મા તીર્થંકર શ્રીશાંતિનાથ ભગવાનના ૧૨ ભવની સવિસ્તર કથા કુલ ૬ ખંડ, ૨૧૩ ઢાલ અને ૬૫૮૩ કડીમાં આપે છે. એમાં શાંતિનાથની પ્રધાન કથા સાથે તેમના મુખ્ય ગણધર શ્રીચક્રાયુધની સર્વ ભવની, મંગલકલશકુમાર, પુણ્યસાર, સુમિત્રાનંદ આદિની તેમ જ શ્રાવકના ૧૨ વ્રતો ઇત્યાદિની કથાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. આ રાસ પંડિત અજિતપ્રભસૂરિના મૂળ સંસ્કૃત પદ્યમાં રચાયેલા ‘શાંતિનાથચરિત્ર’ પર આધારિત હોય એવું જણાય છે. સુશ્લિષ્ટ પદ્યબંધ અને ભાષાપ્રભુત્વ દાખવતા આ રાસના કવિએ રચેલા નીતિવૈરાગ્યબોધક શ્લોકો અને એમાં મુકાયેલા અન્ય કવિઓના દુહા, શ્લોક, ગાથાઓ કવિની કવિત્વશક્તિ અને તેમની સાંપ્રદાયિક અભિજ્ઞતાના દ્યોતક છે. [શ્ર.ત્રિ.]