ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/‘ષડઋતુવર્ણન’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ષડઋતુવર્ણન’ : ૬ ખંડની દયરામકૃત આ રચના(મુ.)માં દરેક ખંડમાં ૧૨ કડી અને અંતે શાર્દૂલવિક્રીડિત અને માલિની એ અક્ષરમેળ વૃત્તોની ૨ કડીઓ છે. કૃતિ રાધાના સખી પ્રત્યેના ઉદ્ગાર રૂપે રચાયેલી છે અને વર્ષાઋતુથી આરંભાઈ ગીષ્મઋતુ આગળ પૂરી થાય છે પ્રકૃતિવર્ણન ને વિરહશૃંગારના પરંપરાગત નિરૂપણોનો લાભ લેતી આ કૃતિમાં સઘન ચિત્રાત્મકતા છે ને અનુપ્રાાસ, યમક આદિ શબ્દાલંકરણોનો થોડોક અતિરેકભર્યો આશ્રય લેવાયો છે. પ્રસંગાનુરૂપ નૂતન કલ્પના પણ આપણને સાંપડે છે. જેમ કે, રાધા કહે છે કે કામદેવે મને છેતરવા માટે આ આકાશની માયાવી રચના કરી છે-પ્રિયતમના વર્ણનું (નીલ) આકાશ, મેઘધનુષ તે પીતાંબર, બગલાની હાર અને મોતીની માળા, વાદળો તે ગાયો ને ચાતક ‘પિયુ પિયુ’ કરી મારામાં પ્રતીતિ જન્માવે છે. અંતમાં રાધાને પિયુ કૃષ્ણનાં ‘ભાવાત્મક’ ‘સ્ફુટદર્શન’ થાય છે અને રાધા કહે છે : “વિરલા લહે કો એ મરમને, એ વિરહ ભિન્ન જાતી, જ્યમ લોહારની સાણસી [ક્ષણુ] શીતલ ક્ષણુ તાતી.” એટલે કે આ લૌકિક વિરહશૃંગારનું કાવ્ય નથી, આ વિરહ ભક્તિનું કાવ્ય છે.[સુ.દ.]