ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સમરા-રાસ સંઘપતિસમરસિંહ-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સમરા-રાસ/સંઘપતિસમરસિંહ-રાસ’ [ર.ઈ.૧૩૧૫] : પાર્શ્વસૂરિ-શિષ્ય અંબદેવસૂરિરચિત ૧૧૦ કડીનો આ રાસ (મુ.) મંગલાચરણના ખંડને ગણતાં ભાસ નામથી ઓળખાયેલા ૧૩ ખંડોમાં વહેંચાયેલો છે. સોરઠા, રોળા, દુહા, દ્વિપદી ઉપરાંત મદનાવતાર જેવા વિરલ છંદ અને ઝૂલણાના કદાચ પ્રથમ પ્રયોગથી આ કાવ્યની છંદોરચના નોંધપાત્ર બને છે. આ છંદોને કવચિત્ ‘એ’કાર ઉમેરીને અને કવચિત્ ધ્રુવાઓ જોડીને કવિએ ગીતસ્વરૂપ આપ્યું છે તે રાસ હજુ ગાન-નૃત્યનો વિષય હતો તેનો પુરાવો છે. કવિ પોતે કાવ્યમાં એક સ્થાને ‘લકુટા-રાસ (દાંડિયારાસ)’ ઉલ્લેખ કરે છે તે આ હકીકતનું સમર્થન કરે છે. શત્રુંજયતીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલી મૂલનાયકની પ્રતિમાની પુન:પ્રતિષ્ઠાના પ્રયોજનથી પાટણના સંઘપતિ અમરસિંહે ઈ.૧૩૧૫માં કાઢેલી સંઘયાત્રા અને તે નિમિત્તે સમરસિંહનો ગુણાનુવાદ તે આ કાવ્યનો વિષય છે. પરંતુ કવિએ પ્રસંગને અનુલક્ષીને ટૂંકમાં પણ ઘણી ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી લીધી છે. જેમ કે, પાલનપુર અને પાટણ નગરીઓ, પાલનપુરમાં થઈ ગયેલા ઉપકેશગચ્છના આચાર્યો, સરમસિંહના પૂર્વજો અને કુટુંબ, પાટણ, આરાસણ વગેરેના રાજ્યકર્તાઓ, સંઘમાં ગયેલા શ્રેષ્ઠીઓ, શત્રુંજય જતાં અને જુદે માર્ગે પાછા વળીને સંઘે આવરી લીધેલાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં નગરો અને જૈન-જૈનેતર ધર્મસ્થાનો વગેરે અહીં પ્રમાણભૂત રીતે ઉલ્લેખ પામે છે. આ રીતે, આ કૃતિ નોંધપાત્ર દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે. કોઈપણ પ્રસંગને વિસ્તારથી આલેખવાની તક આ નાના વીગતપ્રચુર કાવ્યમાં કવિને રહી નથી. પરંતુ પાછા ફરતા સંઘના સ્વાગત જેવા કોઈક પ્રસંગોના રોચક વર્ણનમાં, કવચિત્ ઉપમા વગેરે અલંકારોના સમુચિત વિનિયોગમાં, રૂઢિપ્રયોગો, ફારસી શબ્દોને વાક્છટાથી ધ્યાન ખેંચતી ભાષાભિવ્યક્તિમાં કવિની કાવ્યશક્તિ પ્રગટ થતી જણાય છે. સંઘયાત્રા સાથે કર્તા સામેલ હતા અને સંઘ સં. ૧૩૭૧ (ઈ.૧૩૧૫)ના ચૈત્ર વદ ૭ના રોજ પાટણ પાછો આવ્યાની માહિતી કાવ્યને અંતે આવે છે. રાસ તે પછી તરતના ગાળામાં રચાતો હોય એવી સંભાવના વિશેષ છે.[જ.કો.]