ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સ્વરૂપાનુભવોજીવ-રસલીલા-ગ્રંથ’
‘સ્વરૂપાનુભવોજીવ-રસલીલા-ગ્રંથ’ [ર.ઈ.૧૬૫૨] : નારાયણદાસના પુત્ર ગોકુલભાઈરચિત ‘માંગલ્યને’ નામે ઓળખાયેલા ૧૧૩ ધોળ અને ૯૫૦૦ કડીનો આ ગ્રંથ (અંશાત: મુ.) ગોકુલનાથજીના અવસાન (ઈ.૧૬૪૧) પછી ઈ.૧૬૫૨માં રચાયાનું નોંધાયું છે, પરંતુ એ રચનાવર્ષ માટેનો આધાર સ્પષ્ટ નથી. સં. ૧૬૯૬ (ઈ.૧૬૩૦) માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાગટ્યદિનના મહોત્સવને વર્ણવવા રચાયેલો આ ગ્રંથ આગલા પ્રાગટ્યદિનથી આરંભાય છે અને વર્ષ દરમ્યાન સંપ્રદાયની પ્રણાલિકા અનુસાર જે અન્ય સર્વસામાન્ય ઉત્સવો શ્રીગુસાંઈજીનો જન્મોત્સવ, દોલોત્સવ, પવિત્રાબારશ, શ્રાવણી, જન્માષ્ટમી વગેરે ઉજવાયા તેના વર્ણનને પણ સમાવી લે છે. બધાં જ વર્ણનોના કેન્દ્રમાં ગોકુલનાથજીની લીલા રહી છે અને વસ્ત્ર, આભૂષણાદિ સર્વ આનુષંગિક વીગતો સાથે એ આલેખાઈ છે. કાવ્યની વીગતપ્રચુરતાનો ખ્યાલ એ પરથી આવે છે કે મહોત્સવના વર્ણનમાં જ ૫૦ ઉપરાંત માંગલ્ય રોકાયાં છે. એમાં ૩૬ માંગલ્યો તો ગોકુલેશપ્રભુના છઠ અને સાતમના નિત્યચરિત્રને વર્ણવે છે. એમાં વસ્ત્ર, આભૂષણ, સુગંધી દ્રવ્ય, પાત્રાદિની વિસ્તૃત યાદીઓ, એમનાં ચોક્કસ પ્રકારના વર્ણન સાથે રજૂ થયેલી છે. એ જ રીતે, વાજિંત્રોની, એના વગાડનારાઓનાં નામોની તેમ જ મહોત્સવ પ્રસંગે આવેલા ૧૮૭૪ ભગવદીઓનાં નામ-ગામની યાદી પણ અહીં આપવામાં આવી છે. કાવ્યના આરંભે પણ કવિએ ગોકુલેશપ્રભુના અગ્રણી ભક્તોના પરિચયો આપેલા છે. આ રીતે આ કાવ્ય ઘણીબધી ઐતિહાસિક-સામાજિક માહિતીથી સભર છે. કવિની ગોકુલનાથજી પ્રત્યેની પરમભક્તિ પણ આ ગ્રંથમાંથી તરી આવે છે. [જ.કો.]