ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અદ્વૈતવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અદ્વૈતવાદ : મુખ્ય ત્રણ પ્રકાર : શબ્દાદ્વૈત, સત્તાદ્વૈત અને વિજ્ઞાનાદ્વૈત. પ્રત્યેકની છ છ કળાઓથી ૧૮ પ્રકારના અદ્વૈતવાદ થાય. તેમાંથી સત્તાદ્વૈતના કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈત ત્રણ પ્રકાર. નિવિર્શેષ બ્રહ્મવાદ અદ્વૈતવાદ અથવા કેવલાદ્વૈતના નામે પ્રસિદ્ધ છે. પ્રલંબ – વ્યાપક ઇતિહાસ ધરાવતી આ વિચારધારા – મતવાદની માંડણી ગૌડપાદાચાર્યે માણ્ડૂક્યોપનિષદ પર કારિકાઓ રચીને કરી. તેમણે અજાતવાદની સ્થાપના કરી; જગતની ઉત્પત્તિ થઈ નથી, કેવળ એક અખંડ ચિદ્ઘનસત્તા જ મોહવશ પ્રપંચવત્ ભાસે છે. દ્વૈત સ્વરૂપે દેખાતું બધું મનનું જ દૃશ્ય હોઈ, પરમાર્થત : અદ્વૈત જ છે. કારણકે મન મનનશૂન્ય થતાં દ્વૈત રહેતું નથી. સત્ અસત્, સદસત્ જેવી કોઈ રીતે પ્રપંચની ઉત્પત્તિ સિદ્ધ ન થતી હોવાથી ઉત્ત્પત્તિ, પ્રલય, બદ્ધતા, સાધક, મુમુક્ષા કે મુક્ત જેવું કશું નથી. પોતાના દાદાગુરુ (ગુરુ ગોવિન્દાચાર્ય)ના આ સિદ્ધાંતના આધારે પ્રસ્થાનત્રયી પર શાંકર(શારીરિક)ભાષ્યો રચીને આદિ શંકરાચાર્યે (૭૮૮-૮૨૦) અન્ય મતોનું ખંડન અને સ્વમતની પ્રબળ સ્થાપના કરી ભારતભરમાં તેનો વ્યાપક પ્રચાર કર્યો. તેઓ માત્ર પ્રસ્થાપક નહિ, યુગપ્રવર્તક હતા. ભારતમાં પ્રભાવક નીવડેલા બૌદ્ધ, જૈન અને કાપાલિકોની સામે પોતાના સિદ્ધાન્તને પ્રભાવક બનાવ્યો. આત્મા-અનાત્માનું વિવેચન કરી તેમણે દ્રષ્ટા(પ્રતીતિઓનો અનુભવ કરનાર) અને દૃશ્ય (અનુભવના વિષય)નું સંશ્લેષવિશ્લેષણાત્મક પદ્ધતિએ નિરૂપણ કરી, સકલ પ્રતીતિઓનો ચરમ સાક્ષી આત્મા તથા તદ્વિષયરૂપ જગત અનાત્મા હોવાનું પ્રતિપાદન કર્યું. આત્મતત્ત્વ નિત્ય, નિશ્ચલ, નિવિર્કાર, અસંગ, કૂટસ્થ અને નિવિર્શેષ છે, બુદ્ધિથી માંડીને ભૂતપ્રપંચને આત્મા સાથે કશો સંબંધ નથી. અજ્ઞાનવશ જીવ દેહેન્દ્રિયો સાથે પોતાનું તાદાત્મ્ય સ્વીકારી પોતે અંધ-કાણો, વિદ્વાન-મૂર્ખ, સુખી-દુઃખી, કર્તા-ભોક્તા હોવાનું માને છે. અજ્ઞાનવશ બુદ્ધિ સાથે સધાઈ જતા તાદાત્મ્યને શંકરાચાર્ય ‘અધ્યાસ’ શબ્દ દ્વારા નિરૂપે છે. પ્રપંચમાં થતી સત્યની પ્રતીતિ અધ્યાસ યા માયાના કારણે થાય છે. તેથી અદ્વૈતવાદ, અધ્યાસવાદ યા માયાવાદના નામે ઓળખાય છે. માયાના કારણે જ દૃશ્ય-પ્રપંચ ભેદમય પ્રતીતિ થાય છે. તત્ત્વત : ભેદ છે જ નહિ. વિભિન્નતાભેદના સ્થાને અખંડ સચ્ચિદાનંદઘનનો અનુભવ કરવો એ જ જ્ઞાન. એ સર્વાધિષ્ઠાન પરથી દૃષ્ટિ ખસેડી દેખાતા ભ્રમમૂલક ભેદમાં સત્યત્વ બુદ્ધિ કરવી એ અજ્ઞાન. સુવર્ણનાં નાના-વિધ આભૂષણો ‘અંતે તો હેમનું હેમ’ જ છે. મૃત્તિકામાંથી નીપજતાં ઉપકરણો કેવળ નામરૂપાત્મક વાચારંભણ જ છે. તેમ અનેકવિધ નામરૂપાત્મકભેદ જટિલ આ સંસાર માત્ર પરબ્રહ્મ જ છે અને એ જ આત્મા છે. આવું અભેદબોધક જ્ઞાન થતાં જ માણસ હરતોફરતો હોવા છતાં ય સ્વયં મુક્ત થઈ જાય છે. શ્રવણ, મનન, નિદિધ્યાસન જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોનો આધાર જિજ્ઞાસા પર છે. વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ્સંપત્તિ અને મુમુક્ષાના અનુશીલન-અભ્યાસથી જિજ્ઞાસા ઉદ્ભવે ત્યારે માણસ ઉક્ત જ્ઞાન-પ્રાપ્તિનો અધિકારી થાય. આ અધિકારપ્રાપ્તિ માટે નિષ્કામ કર્માનુષ્ઠાન ચિત્તશુદ્ધિકર હોઈ, શાસ્ત્રવિહિત છે. તત્ત્વત : જ્ઞાનમીમાંસાનિષ્ઠ શંકરાચાર્યનું આ દર્શન અંત :કરણની શુદ્ધિ માટે સ્વરૂપનું સ્મરણ કરાવનારી ભક્તિ અને સદ્ગુણોપાસનો વ્યાવહારિક સત્તાના સ્તરે સ્વીકાર કરે છે. તેમના પરવર્તીઓમાં પંચપાદિકાના કર્તા પરમપાદ, પૂર્વાશ્રમના કુમારીલ ભટ્ટના શિષ્ય મંડનમિશ્ર (સુરેશ્વરાચાર્ય), ‘ભામતી’ પ્રસ્થાનના પ્રણેતા વાચસ્પતિ મિશ્ર, ખંડનખંડખાદ્યના પ્રણેતા મહાકવિ હર્ષ, તથા વ્યાકરણ, મીમાંસા, અલંકાર આદિ શાસ્ત્રોના રચયિતા અપ્પય દીક્ષિતનું પ્રદાન નોંધપાત્ર છે. અપ્પય દીક્ષિતનો ‘સિદ્ધાન્તલેશ’ ગ્રંથ તો અદ્વૈતવાદનો જ્ઞાનકોશ જ છે. શા.જ.દ.