ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુવાદમીમાંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુવાદમીમાંસા(Translation Studies) : ફિલ્મ કે નાટક દ્વારા, વિવેચનઆસ્વાદ કે સાહિત્યના ઇતિહાસ દ્વારા સાહિત્યકૃતિનું જે રીતે પુનર્લેખન થાય છે એ જ રીતે અનુવાદ દ્વારા પણ મૂળ સાહિત્યકૃતિનું પુનર્લેખન થાય છે. મૂળ ભાષામાંથી લક્ષ્યભાષામાં થતું પુનર્લેખન, એની પ્રક્રિયા અને એના પરિણામ સંદર્ભે અનેક પાસાંઓની વિચારણા તરફ દોરે છે. એટલું જ નહીં પરંતુ ભાષાવિજ્ઞાનથી માંડી સાહિત્યઅભ્યાસ, નૃવંશવિજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન જેવી અનેક વિદ્યાશાખાઓને સાંકળીને ચાલે છે. ૧૯૮૦ પછી અનુવાદે એક સ્વતંત્ર વિદ્યાશાખા રૂપે અસ્તિત્વમાં આવવા પ્રયત્ન કર્યો છે. એક ભાષામાંથી અન્ય ભાષામાં થતો આન્તરભાષા (Interlingual) અનુવાદ હોય, એકની એક ભાષામાં એક રૂપમાંથી બીજા રૂપમાં થતો ભાષા-અંતર્ગત(Intralingual)અનુવાદ હોય કે એક સંકેતોમાંથી બીજા સંકેતોમાં થતો આંતરસંકેત (Intersemiotic)અનુવાદ હોય – ગમે તે સ્વરૂપમાં અનુવાદ સાદીસીધી પ્રક્રિયા નથી. વૈજ્ઞાનિક અભિગમને કારણે યંત્રઅનુવાદ કે વીજાણુપદ્ધતિઓના થયેલા પુરસ્કારને આજે સંદર્ભ, ઇતિહાસ અને પ્રણાલિના નવા દાખલ થયેલા પરિપ્રેક્ષ્યોને કારણે પ્રતિકાર સાંપડી રહ્યો છે. ઓસ્વાલ દુક્રોની ભાષાકીય બહુસ્વનતાનો સિદ્ધાન્ત કે ઇતામાર એવન-ઝોહારના બહુતંત્ર સિદ્ધાન્તને કારણે અનુવાદકાર્યનાં ધોરણો વધુ સૂક્ષ્મ અને પરિષ્કૃત બન્યાં છે. કૃતિને હવે કોઈ અલગ કરાયેલા ભાષાના દસ્તાવેજ તરીકે નહિ પણ જગતના એક સંગત ભાગ રૂપે જોવાય છે. સંરચનાવાદી અભિગમના ગાળા દરમ્યાન બાદ થયેલો માનવીય સંદર્ભ અનુવાદમાં ફરી દાખલ થયો છે. અનુવાદ હવે આંતરસાંસ્કૃતિક ઘટના છે. સાહિત્યેતરક્ષેત્રના અનુવાદ કરતાં સાહિત્યક્ષેત્રના અનુવાદની સમસ્યાઓ વિકટ છે, કારણકે સાહિત્યભાષા ઓછી માહિતીપૂર્ણ અને વધુ અભિવ્યક્તિપૂર્ણ તેમજ વ્યંજનાપૂર્ણ હોય છે. એમાંય સાહિત્યનાં સર્વ સ્વરૂપોમાં કવિતાક્ષેત્રે ભાષા સૌથી વધુ માત્રામાં અપરિવૃત્તિસહ્ય અને વ્યંજનાશીલ બને છે. બીજી રીતે કહીએ તો સર્જનાત્મક સાહિત્યમાં શબ્દો અને પંક્તિઓ વચ્ચે ઘણો ‘અવકાશ’ હોય છે. અનુવાદકે આ અવકાશને ઓળખી, એનું અર્થઘટન કરી અનુવાદ કરવાનો હોય છે. આ ‘અવકાશ’ સંદર્ભ હોઈ શકે, પ્રણાલિ હોઈ શકે, ઇતિહાસગત સ્થાન હોઈ શકે, આંતરકૃતિત્વ હોઈ શકે કે પછી સમસ્ત અર્થમાં સંસ્કૃતિ હોઈ શકે. અનુવાદમાં આમે ય હાનિ તો થાય જ, તેમાંય સાહિત્યના અનુવાદમાં વધુ હાનિ સંભવે છે. અનુવાદ દરમ્યાન સ્રોતભાષાના ધ્વનિ અને અર્થમાંથી ધ્વનિ બાદ થઈ જઈને કેવળ અર્થ જ આગળ વધે છે અને એમાંય નાનીમોટી હાનિ થતી હોય છે. સ્રોતભાષાના ધ્વનિનો સંપૂર્ણ નાશ એ સાહિત્યઅનુવાદની અસાધ્ય હાનિ છે. કારણ કોઈપણ સાહિત્યશાસ્ત્ર મુખ્યત્વે લયાત્મક અને ધ્વનિગત સંરચનાઓ પર ભાર મૂકે છે. સાહિત્યક્ષેત્રે આ રીતે ધ્વનિ બાદ થયા પછી બચેલો અર્થ, ‘સંદર્ભ’ ‘પ્રણાલિ’ અને ‘ઇતિહાસ’થી સંબદ્ધ છે. ‘સંદર્ભ’, મૂળરચનાની મૂળ સંસ્કૃતિમાંની એની કામગીરી સાથે નિસ્બત ધરાવે છે. મૂળ રચનાનો અનુવાદ થતાં લક્ષ્યભાષામાં એની કામગીરી બદલાવાની શક્યતા છે. નવો સંપ્રત્યય કે નવો સાહિત્યપ્રકાર દાખલ કરવો, એક સંસ્કૃતિ પર અન્ય સંસ્કૃતિનું આધિપત્ય બતાવવું – વગેરે વિવિધ પ્રકારની કામગીરી એમાં ઉમેરાવાની શક્યતા છે. ‘પ્રણાલિ’ દ્વારા જે તે સાહિત્યની સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રણાલિઓનું સૂચન છે. એમાં વૈયક્તિક શૈલીથી માંડી લક્ષ્યભાષાના સાહિત્યશાસ્ત્ર પર્યંતનો અર્થ સમાવિષ્ટ છે. સાહિત્યક્ષેત્રના આંતરકૃતિત્વથી માંડી કહેવતો અને રૂઢિપ્રયોગો સુધીના મુદ્દાઓ પણ એમાં જ આવરી લેવાય. ‘ઇતિહાસ’ દ્વારા સૂચવાય છે કે અનુવાદ્ય કૃતિ એ કોઈ એકલદોકલ ઘટના નથી, એનું એની ભાષાની અને સાહિત્યની વ્યવસ્થામાં ક્યાંક સ્થાન છે. ઇતિહાસના આ પરિપ્રેક્ષ્ય વિના મધ્યકાલીન કૃતિનો આધુનિક ભાષામાં થતો અનુવાદ કે અત્યંત આધુનિક કૃતિનો મધ્યકાલીન ભાષામાં થતો અનુવાદ કઢંગો બને છે. આથી સ્પષ્ટ બને છે કે અનુવાદ શબ્દને સ્થાને શબ્દને કે સંકેતને સ્થાને સંકેતને ગોઠવવાની કે અન્ય ભાષાના સમાનાર્થી શબ્દ શોધવાની ક્રિયા નથી. અનુવાદમાં શબ્દ અને કૃતિથી આગળ વધી સંસ્કૃતિને એકમ ગણીને ચાલવાનું જરૂરી બને છે. આવો માનવીય સંદર્ભ પ્રવેશતાં અનુવાદકે સ્રોત-છેડે સમુચિતતા માટે, તો લક્ષ્ય-છેડે ‘સ્વીકાર્યતા’ માટે ચિંતિત રહેવું પડે છે. સંનિષ્ઠ અનુવાદ અને મુક્ત અનુવાદ વચ્ચેની પસંદગી અઘરી છે. અનુવાદક આથી જ ઇટાલિયન કહેવત પ્રમાણે હંમેશનો ‘દ્રોહી’ ગણાયો છે. આ બધું જોતાં એમ કહી શકાય કે અનુવાદ અશક્ય છે છતાં અપરિહાર્ય છે અને વિશ્વસાહિત્ય તેમજ તુલનાત્મક સાહિત્ય દ્વારા વિકસતી વિશ્વસંસ્કૃતિ માટે તો અનિવાર્ય છે. ચં.ટો.