ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભાવવાદ
અભાવવાદ : ભારતીય કાવ્યશાસ્ત્રમાં ધ્વનિવિરોધી એક મત. આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં ધ્વનિનો વિરોધ કરનારા ત્રણ મતોનો ઉલ્લેખ કર્યો છે. ૧, અભાવવાદી, ૨, અંતર્ભાવવાદી અને ૩, અનિર્વચનીયતાવાદી. ત્યાર પછી રુય્યકના ગ્રંથના ટીકાકાર જયરથે ધ્વનિવિરોધી બાર મતોનો ઉલ્લેખ કર્યો છે. અભાવવાદીઓ પણ ત્રણ પ્રકારના હતા. એની સવિસ્તર સમજૂતી અભિનવગુપ્તે પોતાની ‘લોચન’ ટીકામાં આપી છે. એક વર્ગ એમ માનતો કે કાવ્ય શબ્દાર્થનું બનેલું છે. એમાં અનુપ્રાસાદિ અલંકારો શબ્દનું ચારુત્વ વધારનારા છે. માધુર્યાદિ ગુણોથી અર્થનું ચારુત્વ વધે છે એ સિવાય ઉપનાગરિકાદિ વૃત્તિઓ ને વૈદર્ભી રીતિ પણ કાવ્યનું ચારુત્વ કે સૌંદર્ય વધારે છે, પણ એ સિવાય કાવ્યનું સૌંદર્ય વધારનારા બીજા કોઈ તત્ત્વ વિશે કાવ્યવિદોએ કંઈ કહ્યું નથી તો એવા તત્ત્વનો સ્વીકાર થઈ શકે નહિ. બીજો વર્ગ એમ માનતો કે કાવ્યમાં ચારુત્વસાધક તત્ત્વ તરીકે ધ્વનિનો સ્વીકાર કરીએ તો પણ એને શબ્દાર્થ સાથે સંબંધ નથી એટલે એને કાવ્ય સાથે સંબંધ નથી. તો પછી એ કાવ્યની ચારુતાનું સાધક ન હોઈ શકે. ત્રીજો વર્ગ એમ માનતો કે શબ્દાર્થની બનેલી વાણીના વૈચિત્ર્યના અનંત પ્રકાર છે. એટલે પ્રસિદ્ધ આલંકારિકોએ જેનો ઉલ્લેખ ન કર્યો હોય એવા કોઈ અલંકાર તરીકે ધ્વનિને ગણી શકાય. પરંતુ તેને ધ્વનિ ધ્વનિ કહી કોઈ અપૂર્વ તત્ત્વ માની નાચવાની જરૂર નથી. જ.ગા.