ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિધા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભિધા : શબ્દની ત્રણ શક્તિઓ અભિધા, લક્ષણા અને વ્યંજનામાં ‘અભિધા’ પ્રથમ અને મુખ્ય શક્તિ છે. સંસ્કૃત આલંકારિકો પ્રમાણે કાવ્યમાં પ્રયોજાતા શબ્દના આ ત્રણ વ્યાપારો હોય છે. શક્તિ, વૃત્તિ અને વ્યાપાર સમાનાર્થક પર્યાયરૂપ પ્રયોજાયાં હોય એમ જણાય છે. આલંકારિકોના આ શબ્દવ્યાપારની વિચારણા પાછળ વ્યાકરણ, ન્યાય અને મીમાંસા જેવી દાર્શનિક પરંપરાઓની ઘેરી અસર છે. અભિધાની વિસ્તૃત વિચારણા મુકુલભટ્ટના ‘અભિધાવૃત્તમાતૃકા’ નામના ગ્રંથમાં થઈ છે. મુકુલ મીમાંસક હતા. અને અભિધાને જ એકમાત્ર વૃત્તિ તરીકે સ્વીકારતા હતા. લક્ષણાને તેમણે ગૌણવૃત્તિ તરીકે, એટલું જ નહીં, અભિધાપુચ્છભૂતા તરીકે સ્વીકારી છે. અભિધા શબ્દની મુખ્યવૃત્તિ; તેના દ્વારા શબ્દ સંકેતિત અર્થ આપવાને સમર્થ બને છે. જેમ શરીરના સઘળા અવયવોમાં મુખ પહેલું હોય છે એમ વાચ્ય, લક્ષ્ય, તાત્પર્ય અને વ્યંગ્ય વગેરે અર્થોમાં’ વાચ્યાર્થ – અભિધાર્થ પહેલો આવે છે. એટલે તેને મુખ્યાર્થ પણ કહ્યો છે. આનંદવર્ધનના પૂર્વાચાર્યોમાં રીતસરનો અભિધાવિચાર ચર્ચાયો નથી. ભોજ મીમાંસાને અનુસરીને અભિધાવિચાર આપે છે. આનંદવર્ધને વ્યંજનનું સ્થાપન કર્યું પણ સ્વાભાવિક રીતે જ અભિધા અને લક્ષણાનો વ્યવસ્થિત વિમર્શ તેમનામાં ન હતો. આલંકારિકોને હવે તેની જરૂર ઊભી થઈ. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં અને પછી ‘શબ્દવ્યાપારવિચાર’ નામના ગ્રંથમાં આ કાર્ય હાથ ધર્યું. મમ્મટ અભિધાનો સંકેતિતાર્થ સમજાવતાં પહેલાં શબ્દના ત્રણ ભેદ આપે છે. વાચક, લક્ષક અને વ્યંજક, અને વાચ્ય, લક્ષ્ય તથા વ્યંગ્ય એ અનુક્રમે તેના અર્થો છે. કેટલાક તાત્પર્યાર્થ પણ સ્વીકારે છે. અભિધાથી આવતો અર્થ વાચક છે. વાચક શબ્દનું સ્વરૂપ આ પ્રમાણે છે. સાક્ષાત્ સંકેતિત અર્થને જે કહે તે વાચક છે. લોકવ્યવહારમાં સંકેત વગર કોઈ પદાર્થ પ્રાપ્ત થતો નથી. તેથી અનવ્યવધાન દ્વારા સંકેતનું ગ્રહણ થાય – સાક્ષાત્ ગ્રહણ થાય તે તેનો વાચક થયો. વૈયાકરણો પ્રમાણે સંકેતિત અર્થ જાત્યાદિ ભેદથી ચાર પ્રકારનો કહેવાયો છે અને આલંકારિકો એને અનુસરે છે. માત્ર વ્યક્તિમાં સંકેત સ્વીકારવો યોગ્ય નથી. વ્યક્તિ પ્રવૃત્તિનિવૃત્તિનું નિમિત્ત છે તેથી વ્યક્તિને પ્રધાન માનવી એવો પ્રશ્ન થાય, પરંતુ વ્યક્તિમાં સંકેત માનવાથી આનન્ત્ય, વ્યભિચાર અને વિષયવિભાગદોષ આવી પડે છે. आशुक्लश्चलोडित्थ :નો વિષયવિભાગ પ્રાપ્ત થતો નથી. આથી જાત્યાદિ ચાર ઉપાધિઓમાં સંકેત માનવો યોગ્ય છે. ઉપાધિ બે પ્રકારની છે : વસ્તુધર્મ અને વક્તૃયદૃચ્છાસંનિવેશિત (દ્રવ્ય). વસ્તુધર્મના પણ બે પ્રકાર છે : સિદ્ધવસ્તુધર્મ અને સાધ્યવસ્તુધર્મ (ક્રિયા). સિદ્ધના પણ બે પ્રકાર છે : પદાર્થનો પ્રાણપદ વસ્તુધર્મ (જાતિ) અને વિશેષાધાન (ગુણ). શબ્દવ્યાપારવિચારમાં મમ્મટ કહે છે કે સંકેતિત અર્થ જાતિ, ક્રિયા, ગુણ અને સંજ્ઞારૂપ હોય છે. સંકેત સ્વીકાર્યા વગર શબ્દનો અર્થ પ્રાપ્ત થતો નથી તેથી સંકેતની સહાયથી શબ્દ અર્થનું પ્રતિપાદન કરે છે. હેમચન્દ્ર પણ સાક્ષાત્ સંકેત જેનો વિષય છે તેને મુખ્યાર્થ માને છે. તેઓ શબ્દના ચાર પ્રકારો આપે છે. મુખ્ય, ગૌણ, લક્ષ્ય અને વ્યંગ્ય અને મુખ્ય, ગૌણ, લક્ષક અને વ્યંજક બને છે. બાકીનું નિરૂપણ મમ્મટ પ્રમાણે છે. જયદેવ ‘શક્તિ’ માટે ‘વૃત્તિ’ પદ પ્રયોજે છે અને ત્રિવિધ વૃત્તિઓની, ગંગાના ત્રણ સ્ત્રોતો સાથે તુલના કરે છે. અભિધાને તેમણે સરલા કહી છે, જે વિના વિલંબે અર્થપ્રતીતિ કરાવે છે. શબ્દ કોઈક ધર્મને આગળ કરીને પ્રવર્તે છે. ધર્મના ષડ્વિદ્યત્વને કારણે ષડ્વિદ્યા મનાઈ છે. જયદેવ વિશેષમાં નોંધે છે. કેવળ અક્ષર વ્યુત્પત્તિ વડે કોઈ પદનો નિર્દેશ હોય તો તે નિર્દેશવાયી ગણાય છે. જેમકે કંસ, પણ कंस हत :માં કંસ શબ્દ સંજ્ઞાવાચી છે. ‘સાહિત્યદર્પણ’માં વિશ્વનાથ અભિધાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે, સંકેતિત અર્થનો બોધ કરાવતી હોવાથી અભિધાશક્તિ ‘અગ્રિમા’ એટલે કે ‘મુખ્યા’ મનાય છે. પ્રસિદ્ધપદના સાન્નિધ્યથી અને આપ્તોદેશથી સંકેત ગ્રહણ થાય છે. અપ્પયદીક્ષિતના ‘વૃત્તિવાર્ત્તિક’માં અભિધા એટલે શક્તિ દ્વારા અર્થનું પ્રતિપાદન કરવાની ક્ષમતા ધરાવતી વૃત્તિ તે રૂઢિયોગ અને યોગરૂઢિ વડે ત્રણ પ્રકારની છે. પ્રકૃતિ અને પ્રત્યયની દૃષ્ટિએ જેનું વિભાજન શક્ય નથી તે થઈ રૂઢિ જેમકે ઘોડો, ઘર; પ્રકૃતિ અને પ્રત્યયના રૂપમાં જેનું ખંડવિભાજન શક્ય છે તે યોગ જેમકે ભૂપતિ અને મૂળમાં યૌગિક હોવા છતાં કોઈ વિશેષ અર્થમાં રૂઢ થયો હોય તે યોગરૂઢિ જેમકે પીતાંબર. જગન્નાથ પણ ત્રણ પ્રકારો આપે છે, જેમકે કેવલ સમુદાયશક્તિ, કેવલાવયવશક્તિ અને સમુદાયાવયવશક્તિ. અહીં પંકથી જન્મેલ તે પંકજ એ અર્થ અવયવશક્તિથી આવે છે. જ્યારે કમળ અર્થ સમુદાયશક્તિથી આવે છે. આલંકારિકોએ કરેલા શબ્દવ્યાપારવિચારમાં આનંદવર્ધન-મમ્મટ-અપ્પય-જગન્નાથની પરિપાટી પ્રમાણભૂત ગણાય છે. પા.માં.