ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિનંદનગ્રન્થ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભિનંદનગ્રન્થ (Festschrift) : પ્રસિદ્ધ વિદ્વાન કે લેખકની જન્મતિથિએ કે એની નિવૃત્તિવેળાએ એને અભિનંદવા તૈયાર થતો ગ્રન્થ. આપણે ત્યાં જ્યોતીન્દ્ર દવેની ષષ્ટિપૂર્તિ પ્રસંગનો ‘વાઙ્મયવિહાર’ કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ષષ્ટિપૂર્તિ પ્રસંગનો ‘ઉપાયન’ આ પ્રકારના ગ્રન્થો છે. આવા ગ્રન્થ ષષ્ટિપૂર્તિગ્રન્થ કે જયંતીગ્રન્થ પણ કહેવાય છે. એમાં લેખક સાથે સંકળાયેલા અન્ય લેખકોનાં અંગત સંસ્મરણોને અને લેખકના પુનર્મૂલ્યાંકનને પણ અવકાશ હોય છે. ઘણીવાર એમાં લેખકની સાહિત્યકૃતિઓમાંથી વિવેકપૂર્વક ચયન પણ આપેલું હોય છે. ચં.ટો.