ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિનય


અભિનય : સામાન્ય અર્થમાં અભિનય એટલે એક વ્યક્તિએ પોતાને અન્ય વ્યક્તિ રૂપે પ્રત્યક્ષ કરાવવા માટે કરેલી તદનુરૂપ ક્રિયાઓ. નાટકના સંદર્ભમાં અભિનય કળા તરીકે પ્રાપ્ત થાય છે. નટ પાત્રના વ્યક્તિત્વને રંગભૂમિ પર પ્રત્યક્ષ કરવા માટે જે હાવભાવ અને ક્રિયાઓ કરે છે તે અભિનય તરીકે ઓળખાય છે. એક દૃષ્ટિએ અભિનય અનુકરણ છે, નકલ છે. નટ જે પાત્રને રજૂ કરવું હોય તેનું અનુકરણ કરે છે, તેની નકલ કરે છે. આથી જ આ વિષયનાં શાસ્ત્રોમાં અભિનેતા માટે ‘અનુકર્તા’ અને પાત્ર માટે ‘અનુકાર્ય’, તેમજ અભિનેતાની ક્રિયાઓ માટે ‘અનુકરણ’, ‘અનુવ્યવસાય’ તથા પશ્ચિમના સાહિત્ય વિચારમાં ‘Mimesis’Imitation’ વગેરે શબ્દો પણ પ્રયોજાયા છે. ‘અભિનય’ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ સૂચવે છે તેમ તે ‘Acting’ છે. એટલેકે તે ક્રિયારૂપ વ્યવસાય છે, વર્તન છે. ‘અભિનય’ના વિષયમાં પ્રવર્તિત ‘અનુકરણ’નો આ ખ્યાલ નિરર્થક નથી. કારણકે ‘અભિનય’માં અનુકરણ તો છે જ. નટ કોઈપણ પાત્રને પોતાના દ્વારા પ્રત્યક્ષ કરાવવા માટે પોતે તેનું રૂપ લઈ નાટકગત સંજોગોમાં તે પાત્ર કેમ વર્તે ‘‘કિમાસિત વ્રજેત કિમ્’’ તેની કલ્પના કરી, તે પ્રમાણે વર્તી પ્રેક્ષકોને પોતાનામાં તે પાત્રની પ્રતીતિ કરાવે છે. પરંતુ આ અનુકરણ કેવળ ‘નકલ’ નથી કારણકે નટ માત્ર પોતે જે જોયું છે તેની યંત્રવત્ નકલ નથી કરતો. તેના વ્યવસાયમાં તે પાત્ર સાથે કલ્પનાની મદદથી તદ્રૂપતા સાધવાની તેમ જ તેને યથોચિત અને પ્રતીતિજન્ય રીતે અભિવ્યક્ત કરવામાં સર્જકતા રહેલી છે. આથી અહીં ‘નકલ’ કલાનું ઉપાદાન બને છે. નટના આવા કલાત્મક અભિનયને કારણે પ્રેક્ષકોને પાત્રોનો જે જીવંત સાક્ષાત્કાર થાય છે અને તેને પરિણામે પાત્ર અને પ્રેક્ષક વચ્ચે જે સમાનાનુભૂતિનો, ‘સાધારણીકરણ’ તરીકે ઓળખાતો તાદાત્મ્ય સંબંધ રચાય છે તે નકલની લૌકિકતાથી વિલક્ષણ એવો અ-લૌકિક સંબંધ નીવડે છે. પરિણામે પ્રેક્ષકોનો નાટ્યાનુભવ ‘રસાનુભવ’માં પરિણમે છે. નટના અભિનયમાં તેમ જ પ્રેક્ષકોના ભાવનમાં તાદાત્મ્યતાટસ્થ્ય, ભ્રાન્તિ-પ્રતીતિ એવી વિરોધી ભૂમિકાઓની વિલક્ષણ સહોપસ્થિતિના પરિણામરૂપ ત્રીજા પરિમાણ (સ્ટીરિયોસ્કોપિક)માં જે વિસ્મયાનુભવ પ્રગટે છે તે ‘નટ’ને ‘પાત્ર’ તરીકે, ભ્રાન્તિને સમ્યગ્ તરીકે સ્વેચ્છાએ સ્વીકારી લેવાનું પરિણામ છે. આને જ કોલરિજ ‘willing Suspension of Disbelief’ કહે છે. આમાં પ્રેક્ષકની ‘સ્વેચ્છા’ તો છે જ પણ તે સ્વેચ્છાને પ્રેરવાનભાવવાની જવાબદારી નટની છે, જે તે ‘અભિનય’ દ્વારા બજાવે છે. આ અભિનય સભાનપણે પ્રયોજિત છતાં સાહજિક ને સ્વયંસ્ફૂર્ત લાગે તેમાં જ તેની ઉત્તમતા અને સાર્થકતાનું પ્રમાણ છે. અભિનયકલાનું માધ્યમ શરીર છે. તેની પ્રક્રિયાઓને અનુલક્ષીને નાટ્યશાસ્ત્રીઓએ અભિનયના વિવિધ પ્રકાર ગણાવ્યા છે. વિવિધ ભાવોના અનુભવ વખતે શરીર (સત્ત્વ)માં જે રોમાંચાદિ પરિવર્તનો થાય તેનું પ્રત્યક્ષીકરણ તે સાત્ત્વિક અભિનય, શરીરની વિવિધ પ્રક્રિયાઓ તે આંગિક અભિનય ને વાણીના આરોહ-અવરોહ દ્વારા ભાવની અભિવ્યક્તિ સાધવાની ક્રિયાને વાચિક અભિનય કહેવામાં આવે છે. શરીર ઉપરાંત ફૂલો, તલવાર વગેરે જેવાં અન્ય ઉપકરણો અથવા પ્રકાશ-ધ્વનિયોજના વગેરે મંચનપ્રયુક્તિઓના ઉપયોગને ‘આહાર્ય’ ગણવામાં આવે છે. પણ તે નટ પોતે પોતાના શરીર દ્વારા કરતો ન હોવાથી તે ભાવાભિવ્યક્તિમાં સહાયક છતાં, સાચા અર્થમાં ‘અભિનય’ ન કહી શકાય. અભિનય સંદર્ભે કલાકારમાં પ્રતિભા ઉપરાંત નિરીક્ષણ, કલ્પનાશીલતા, સંવેદનશીલતા, સંયમ, અંગોપાંગો પર અસાધારણ પ્રભુત્વ, મનુષ્ય તેમ જ વિશ્વનાં વિવિધ ક્ષેત્રવિષયક જ્ઞાન – એવી ઘણી બધી અપેક્ષાઓ રહે છે. આથી પ્રતિભાવાન કળાકારને પણ વ્યાપક અધ્યયન, તાલીમ અને કલાસાધનાની જરૂર રહે છે. વળી, નાટક અને મંચનને અનુલક્ષીને અભિનયની પણ વાસ્તવિક, પ્રતીકાત્મક વગેરે તેમ પ્રહસનલક્ષી, ગંભીર, ઐતિહાસિક સંદર્ભને અનુલક્ષીને પ્રશિષ્ટ, લોકનાટ્ય પ્રકારની એમ અનેકાનેક શૈલીઓ પ્રવર્તે છે અને અભિનેતાએ પ્રાપ્ત પ્રસંગે ઉચિત શૈલીનો પ્રયોગ કરવાનો હોય છે. આ બધું ઘણી જાણકારી અને નાટ્યક્ષેત્રનો અનુભવ તથા શિક્ષણ માગી લે છે. વિ.અ.