ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થપ્રકૃતિ
અર્થપ્રકૃતિ : સંસ્કૃત નાટ્યસિદ્ધાન્તમાં નાટકના ફલ માટેના ઉપાયોને અર્થપ્રકૃતિ કહે છે. કેટલાક એને નાટકની પ્રયોજનસિદ્ધિનું કારણ ગણે છે. આ સામગ્રીથી કથાનકનું નાટ્યરૂપ સંભવે છે. કેટલાક અર્થપ્રકૃતિને નાટકના કથાવસ્તુનું ભૌતિક વિભાજન કહે છે. મૂળે તો કથાનક ધર્મ, અર્થ અને કામ સાથે સંયુક્ત રહેતું હોય છે. અને કવિ એ જ લક્ષ્યોની કે અર્થોની પ્રાપ્તિ માટેના ઉપાયોનું વર્ણન કરે છે, એથી એ અર્થપ્રકૃતિ છે. એના પાંચ ભેદ છે; બીજ, બિંદુ, પતાકા, પ્રકરી અને કાર્ય. પ્રારંભમાં બીજ અત્યંત સૂક્ષ્મ હોય છે, પણ કથાવિકાસઅર્થે ક્રમશ : એ વિકસે છે. બિંદુ પાણી પરના તેલબિંદુ પેઠે કથાનકના અંતપર્યંત પ્રસરે છે અને પ્રધાનકથાને અવિચ્છિન્ન રાખે છે. પ્રધાનકથાનકને સહાયક, વ્યાપક છતાં પ્રાસંગિક વૃત્તને પતાકા કહે છે, જેમકે ‘રામાયણ’માં સુગ્રીવવિભીષણ વૃત્તાંત. પ્રસંગપ્રાપ્ત અલ્પવૃત્તોને પ્રકરી કહે છે, જેમકે ‘રામાયણ’માં જટાયુવૃત્તાંત. જેની સિદ્ધિ માટે બધા ઉપાયો અને સાધન એકત્રિત કરવામાં આવે છે તે કાર્ય છે.
ચં.ટો.