ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકાર અલંકારભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અલંકાર અને અલંકારભેદ : अलङ्कार શબ્દ अलम् અને कार એ બે શબ્દોના યોગથી બન્યો છે. જેનો અર્થ છે શોભાકારક પદાર્થ. अलङ्करोति इति अलङ्कारः – જે શોભા જન્માવે છે તે અલંકાર. આચાર્ય વામને કદાચ સર્વપ્રથમ ‘અલંકાર’ના સીમિત અને વ્યાપક એમ બંને અર્થો આપ્યા છે. વામનનું એક સૂત્ર છે : काव्यं ग्राह्यमलङ्कारात् – કાવ્યનું ગ્રહણ અલંકારથી થાય છે અને બીજું સૂત્ર છે : सौन्दर्यमसङकार :। સૌન્દર્ય એ અલંકાર છે. આથી આનંદવર્ધનના પૂર્વાચાર્યોને આપણે કાવ્યાલંકારવાદી અથવા કાવ્યસૌન્દર્યવાદી કહીશું. કાવ્ય અને તેનો અલંકાર એ બે તેમને મન મુખ્ય વિગતો હતી. કાવ્યને કોઈ તત્ત્વ શોભાવે તે તેનો અલંકાર બની રહેતું પછી તેમાં ગુણ, રીતિ, વૃત્તિ અને રસનો પણ સમાવેશ થઈ જતો. ભરતમાં ઉપમા, દીપક, રૂપક અને યમક આ ચાર અલંકારોનો ઉલ્લેખ નાટ્યના પાઠ્ય વગેરે અલંકારો અંતર્ગત ‘કાવ્યાલંકાર’ને સમજાવતી વખતે થયો છે. અલંકારોનાં મૂળ ભરતે આપેલાં ૩૬ નાટ્યલક્ષણોમાં છે. લક્ષણોના સંમિશ્રણથી જ અલંકારો અને અલંકારભેદ ઉત્પન્ન થયા છે. ભટ્ટ તૌત કહે છે તેમ લક્ષણોના બળથી અલંકારમાં સૌન્દર્ય જન્મે છે. પાછળથી આ લક્ષણો અલંકારોના જન્મદાતા હોવા છતાં વિસ્મૃત થયાં છે. આલંકારિક ભામહે કાવ્યનું કે અલંકારનું કોઈ લક્ષણ આપ્યું નથી પણ અલંકારની ચર્ચા કરતાં અતિશયોક્તિ અલંકારની ચર્ચા દરમ્યાન અલંકારોમાં રહેલા અલંકારત્વ – સૌન્દર્યના તત્ત્વ વિશે તેમણે ઊહાપોહ કર્યો છે. ભામહને મન આ અતિશયોક્તિ = વક્રોક્તિમાં = ‘वाचालङ्कृति’માં સઘળું આવી ગયું છે. કવિની વાણી વક્રોક્તિથી સભર હોવી જોઈએ. આના વગર વળી કયો અલંકાર અલંકાર થઈ શકે? कोडलङ्कारोडनयाविना? લોકોત્તરવર્ણના આ વક્રતાને જ આભારી છે. ટૂંકમાં, વક્રોક્તિ એ લૌકિક અર્થનું વિભાવન છે એટલેકે વિભાવરૂપે પરિવર્તન છે. એમાંથી કાવ્યસૌન્દર્ય સર્જાય છે. ટૂંકમાં, ભામહને વક્રોક્તિ દ્વારા કાવ્યનું કાવ્યત્વ અને અલંકારનું અલંકારત્વ અભિપ્રેત છે. વક્રતારહિત અલંકારોને તેઓ વાર્તા જ ગણે છે. દંડીને મન કાવ્યશોભાકર ધર્મો તે અલંકારો છે. શબ્દાર્થના અલંકારો ઉપરાંત ગુણો વગેરે કાવ્યને શોભા અર્પતા ધર્મો પણ એમાં અભિપ્રેત છે. દંડીએ ગુણોને પણ અલંકારો કહ્યા છે. આમ અલંકારની વ્યાપક વિભાવના અને તદુપરાંત અલંકારના મૂળ અલંકારત્વને આંગળી ચીંધીને બતાવવાનો પ્રયત્ન દંડીમાં વિશેષ સ્પષ્ટ છે. વળી, ભામહમાં જે વક્રોક્તિનું માહાત્મ્ય છે તેને જ દંડીએ ‘લોકસીમાતિવતિર્ની અતિશયોક્તિ’ કહી છે. વામનમાં આગળ નોંધ્યું તે પ્રમાણે અલંકાર શબ્દના સીમિત અને વ્યાપક અર્થની સ્પષ્ટ સમજ જોવા મળે છે. તેમનો ગુણાલંકાર વિવેક પણ નોંધપાત્ર છે, અલંકારોની બાબતમાં વામન ‘ઉપમા’માં અલંકારોના અલંકારત્વને નિહાળે છે. એણે સઘળા અલંકારોને ‘ઉપમાપ્રપંચરૂપ’ ગણ્યા છે. ઉદ્ભટ ભામહને અનુસર્યા છે. રુદ્રટે અલંકાર શબ્દનો સીમિત અર્થમાં જ પ્રયોગ કર્યો છે. એ જ રીતે આનંદવર્ધનમાં આપણને ‘અલંકાર’ શબ્દનો સીમિત અર્થ જ જોવા મળે છે. આનંદવર્ધને કાવ્યના આત્મા તરીકે ધ્વનિનું પ્રસ્થાપન કરીને આખી વ્યવસ્થા પોતાની રીતે રજૂ કરી. ત્રિરૂપધ્વનિ ‘અલંકાર્ય’ કહેવાયો અને શબ્દાર્થના અલંકારો તેને શોભાવનારા કવચ-કુંડળ જેવા અલંકારો ગણાયા. આમ છતાં અપૃથક્યત્નનિર્વર્ત્ય અલંકારોને આનંદવર્ધને રસાંગ તરીકે જ કલ્પ્યા છે. કુન્તકે પણ ‘सालंकारस्य काव्यता’ એમ કહી સ્વીકાર્યું છે કે કર્ણનાં સ્વાભાવિક અને સહજાત કવચકુંડળની માફક એ કાવ્યમાં રહેલા હોય છે. પાછળથી મહદંશે રસધ્વનિવ્યંજનાના મહાપ્રવાહમાં આનંદવર્ધને ગુણ, રીતિ, વૃત્તિ અને શબ્દાર્થના અલંકારોના સાધેલા સમાયોજનને જ અનુમોદન આપ્યું. અલંકારોનું વર્ગીકરણ અને એ વર્ગીકરણના આધારોની ચર્ચા પ્રારંભિકકાળમાં થયેલી જોવા મળતી નથી. ભામહ, દંડી, ઉદ્ભટ શબ્દ અને અર્થના જુદા અલંકારો સ્વીકારે છે. વામનમાં આ બંનેનો ભેદ સ્પષ્ટ છે છતાં સૌપ્રથમ શાસ્ત્રીય રીતે વર્ગીકરણ કરવાનો પ્રયાસ રુદ્રટે કર્યો છે. રુદ્રટે વાસ્તવ, ઔપમ્ય, શ્લેષ અને અતિશયોક્તિ આ ચાર મુખ્ય વર્ગમાં શબ્દાર્થના અલંકારોને વિભાજિત કર્યા છે. અલબત્ત, તેમનું વર્ગીકરણ રુય્યક જેટલું વૈજ્ઞાનિક નથી કારણ; ક્યારેક એક જ અલંકાર બે વર્ગમાં વિભાજિત થયેલો જોવા મળે છે. જેમકે સહોક્તિ અને સમુચ્ચય ‘વાસ્તવ’વર્ગમાં તો છે જ, પછી ‘ઔપમ્ય’વર્ગમાં પણ જોવા મળે છે. પૂર્વાલંકાર અને ઉત્પ્રેક્ષાને વાસ્તવ અને અતિશયવર્ગમાં રાખ્યા છે. રુદ્રટે વાસ્તવમાં સહોક્તિથી એકાવલી એમ ૨૩ અલંકારોને સમાવ્યા છે. ઔપમ્યમાં ઉપમાથી સ્મરણ સુધીના ૨૧ અલંકારો, અતિશયમાં પૂર્વથી માંડી હેતુ સુધીના ૧૨ અલંકારો અને શ્લેષમાં અવિશેષથી માંડી વિરોધાભાસ સુધીના ૧૦ અલંકારો સમાવવામાં આવ્યા છે. આમ અલંકારોનું મૂલતત્ત્વના અન્વેષણને આધારે અલંકારવર્ગમાં વિભાજન કરવાનો તેમનો પ્રયાસ પ્રથમ, મહત્ત્વપૂર્ણ અને સ્તુત્ય તો છે જ. શબ્દ, અર્થ અને ઉભયાલંકારો એવું વર્ગવિભાજન ભોજ કરે છે ખરા પણ વ્યવસ્થિત રીતે અલંકારોને વર્ગીકૃત કરવામાં નથી આવ્યા. રુદ્રટ પછી અલંકારોનું વૈજ્ઞાનિક ઢબે અને સુવ્યવસ્થિત વર્ગીકરણ કરનાર આચાર્ય રુય્યક જ છે. પાછળથી વિદ્યાધર, વિદ્યાનાથ અને જગન્નાથે પણ નહિ જેવા ફેરફાર સાથે રુય્યકનું વર્ગીકરણ જ સ્વીકાર્યું છે. રુય્યકે પ્રથમ તો પૌનરુક્ત્યને આધારે શબ્દના અલંકારોના ત્રણ વિભાગ કર્યા છે : શબ્દપૌનરુક્ત્ય, અર્થપૌનરુક્ત્ય અને ઉભયપૌનરુક્ત્ય. આમાં શબ્દપૌનરુકત્યમાં છેકાનુપ્રાસ અને વૃત્યનુપ્રાસ, અર્થપૌનરુક્ત્યમાં પુનરુક્તવદાભાસ, ઉભયપૌનરુક્ત્યમાં લાટાનુપ્રાસ અને પાઠપૌનરુક્ત્યમાં ચિત્રાલંકારનો સમાવેશ થાય છે. અર્થાલંકારના વર્ગીકરણ માટે રુય્યકે સાદૃશ્ય વગેરે સાત વર્ગો નિર્ધારિત કર્યા છે. ૧, સાદૃશ્ય અલંકારો : સાદૃશ્ય ત્રણ પ્રકારનું છે. ૧, ભેદપ્રધાન ૨, અભેદપ્રધાન અને ૩, તુલ્યપ્રધાન અથવા ભેદાભેદપ્રધાન. ભેદપ્રધાનમાં વ્યતિરેકથી માંડી સહોક્તિ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાનાથે તુલ્યયોગિતાથી સહોક્તિ સુધીના બધા અલંકારો ભેદપ્રધાનવર્ગમાં નિવિષ્ટ કર્યા છે એટલું રુય્યકથી અંતર છે. વ્યતિરેકમાં સાદૃશ્ય ભેદમૂલક છે પણ સહોક્તિમાં ભેદનું પ્રાધાન્ય શાબ્દ હોય છે, આર્થ નહિ. આથી પ્રતીતિ ભેદાભેદતુલ્યતાની જ થાય છે. ૧, ભેદપ્રધાનમાં એક પેટાવિભાગ વિશેષણવિચ્છિત્તિમૂલક અલંકારોનો આવે છે જેમાં સમાસોક્તિ અને પરિકરનો સમાવેશ થાય છે, જ્યારે વિશેષણવિશેષ્યવિચ્છિત્તિમૂલકમાં શ્લેષ, અપ્રસ્તુતપ્રશંસા, અર્થાન્તરન્યાસ, પર્યાયોક્તિ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બે સમાન પદાર્થોમાં કોઈપણ પ્રકારનો ભેદ દર્શાવવામાં ન આવે ત્યારે તેને અભેદપ્રધાન સાદૃશ્ય કહેવાય જે રૂપકમાં હોય છે. રૂપકથી માંડીને અતિશયોક્તિનો સમાવેશ આમાં થાય છે. આના આરોપગર્ભ અને અધ્યવસાયગર્ભ એવા પાછા પેટાભેદો છે. આરોપગર્ભ સાદૃશ્યાશ્રિત અલંકારોમાં રૂપકથી માંડીને અપહ્નુતિનો સમાવેશ થાય છે. અને અધ્યવસાયગર્ભ સાદૃશ્યના પેટાવર્ગમાં ઉત્પ્રેક્ષા અને અતિશયોક્તિનો સમાવેશ થાય છે. એ પૈકી ઉત્પ્રેક્ષામાં નિગરણની પ્રક્રિયા વ્યાપારના સ્વરૂપમાં હોય છે એટલે તે સાધ્યાધ્યવસાયમૂલા છે અને અતિશયોક્તિમાં નિગરણ સિદ્ધ હોય છે એટલે તે સિદ્ધાધ્યવસાયમૂલા છે. એ પછી તેનો ત્રીજો પેટાવર્ગ ન કહેતાં રુય્યકે ગમ્યમાન ઔપમ્યમૂલક અલંકારોને વર્ગીકૃત કર્યા છે. અલબત્ત, આ સાદૃશ્યવર્ગનો પેટાભેદ જ છે. જેમાં પદાર્થગત તુલ્યયોગિતા અને દીપક; વાક્યાર્થગત દૃષ્ટાંત, પ્રતિવસ્તૂપમા અને નિદર્શનાનો સમાવેશ થાય છે. અહીં સાદૃશ્ય ગમ્યમાન છે, પ્રતીયમાન છે, સાક્ષાત્ શબ્દથી ઉપાત્ત નથી. જ્યારે બે પદાર્થોમાં કિંચિત્ સામ્ય અને કિંચિત્ ભેદ હોય ત્યારે તેને ભેદાભેદપ્રધાન સાદૃશ્ય કહે છે, જે ઉપમામાં હોય છે. ઉપમાથી માંડીને સ્મરણાલંકાર સુધીના અલંકારોનો આમાં સમાવેશ થાય છે. ૨, વિરોધમૂલક અલંકારો : જેના મૂળમાં વિરોધની ભાવના છે એવા ૧૨ અલંકારોનો (વિરોધ, વિભાવના, વિશેષોક્તિ વગેરે) આ વર્ગમાં સમાવેશ થાય છે. વિદ્યાનાથે જોકે અતદ્ગુણ, વિશેષ તથા ભાવિકનો આ વર્ગમાં સમાવેશ કર્યો છે. સમાલંકાર વિરોધમૂલક નથી છતાં વિષમના વિપર્યય તરીકે રુય્યકે તેને આ વર્ગમાં મૂકવો ઉચિત માન્યો છે. પંચમ્ પ્રકારની અતિશયોક્તિનો રુય્યકે વિરોધમૂલકમાં જ સમાવેશ કર્યો હોઈ તેમને અતિશયોક્તિનું લક્ષણ બે વાર આપવું પડ્યું છે. સ્વરૂપભેદની તીવ્રતા જોતાં આ દોષ ક્ષમ્ય ગણી શકાય. ૩, શૃંખલામૂલક અલંકારો : કારણમાલા, એકાવલી, માલાદીપક અને સાર આ ચાર અલંકારો શૃંખલામૂલક છે, જેમાં પદોનું સાંકળની જેમ એક પછી એક એમ ક્રમથી ગ્રથન કરવામાં આવે છે. કારણ, વિશેષણ વગેરેની શૃંખલા આ અલંકારમાં હોય છે. ૪, તર્કન્યાયમૂલક અલંકારો : કાવ્યલિંગ અને અનુમાન એ બે અલંકારો આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે. ૫, વાક્યન્યાયમૂલક અલંકારો : વાક્યન્યાય એટલે મીમાંસા ન્યાય. યથાસંખ્યથી માંડીને સમાધિ સુધી આઠ અલંકારોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. ૬, લોકન્યાયમૂલક અલંકારો : પ્રત્યનીકથી માંડીને ઉત્તરાલંકાર સુધીના ૭ અલંકારો આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે. લોકવ્યવહારમાં પ્રચલિત અને પ્રસિદ્ધ ન્યાય ઉપર આધારિત અલંકારો આ વર્ગમાં આવે છે. જેમકે, બળવાન શત્રુને હાનિ પહોંચાડવી અશક્ય હોય તો તેના સંબંધીને સતાવવામાં આવે એવો વ્યવહાર પ્રચલિત છે. પ્રત્યનીકનું આ પ્રકારનું સ્વરૂપ છે. વિનોક્તિને પણ આ વર્ગમાં મૂકી શકાય. ૭, ગૂઢાર્થપ્રતીતિમૂલક અલંકારો : સૂક્ષ્મથી માંડીને ઉદાત્ત સુધીના અલંકારો આ વર્ગમાં આવે છે. આ અલંકારોમાં નિગૂઢ અર્થ રહેલો હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ જે ઇંગિત કે આકારથી જ કલ્પી શકાય તેવો હોય છે, વ્યાજોક્તિમાં ગહન – છુપાવવાની વિગત હોય છે. વક્રોક્તિમાં એક શબ્દને બે રીતે સમજવામાં નિગૂઢાર્થ હોય છે. સ્વભાવોક્તિમાં કવિદૃગ્ગોચર એવું સ્વભાવવર્ણન હોય છે. ભાવિકનું વર્ણ્ય અતીત અને ભવિષ્યનું હોય છે આથી સ્વાભાવિકપણે જ એમાં નિગૂઢતા રહેલી છે. ઉદાત્તમાં કવિકલ્પિત જ્ઞાન હોય છે. આ અલંકારો અનુભૂતિની વિશેષ નજીક છે. ચિત્તવૃત્તિમૂલક અલંકારો એવો અલગ વર્ગ રુય્યકે નામત : આપ્યો નથી. પણ રસાદિઓ ચિત્તવૃત્તિવિશેષો છે અને આથી રસવત્થી માંડીને ભાવશબલતા સુધીના અલંકારોનો આમાં સમાવેશ થાય છે. આ અલંકારોમાં હૃદયસંવાદ સધાય છે. તે પછી અવર્ગીકૃત અલંકારો સંકર (નીરક્ષીરન્યાયે) અને સંસૃષ્ટિ (તિલતંડુલન્યાયે)ને મિશ્રાલંકારોમાં સમાવવા જોઈએ. અલંકારોના શબ્દાર્થમૂલકત્વ માટે આલંકારિકોમાં બે સિદ્ધાંત પ્રવર્તિત છે : આશ્રયાશ્રયીભાવ અને અન્વયવ્યતિરેકભાવ. આશ્રયાશ્રયીભાવસિદ્ધાંત રુય્યક, વિદ્યાનાથ વગેરે સ્વીકારે છે. અન્વયવ્યતિરેકનો સિદ્ધાંત મમ્મટ, વિશ્વનાથ વગેરે સ્વીકારે છે. જે અલંકાર જેના ઉપર આશ્રિત હોય તે તેનો અલંકાર કહેવાય. શબ્દ પર આશ્રિત હોય તો શબ્દનો અને અર્થ પર હોય તો અર્થનો તથા બંને પર આશ્રિત હોય તો ઉભયનો. આથી શબ્દાલંકારોનો વિભાગ કરતી વખતે આશ્રયાશ્રયીભાવને ધ્યાનમાં રાખવો આવશ્યક છે. જે સંયોગ સંબંધ પર આધારિત છે જેમકે કુંડળને કાનનું અને નૂપુરને ચરણનું આભૂષણ માનવામાં આવે છે. અન્વયવ્યતિરેક એટલે જેના અસ્તિત્વથી જે રહે, જેના હોતાં જે રહે અને વ્યતિરેક એટલે જેના અભાવમાં કોઈ વસ્તુ ન રહે. દંડચક્રના અસ્તિત્વથી જ ઘડાની ઉત્પત્તિ થાય છે. આમ શબ્દવિશેષના રહેવાથી અથવા ન રહેવાથી અલંકારવિશેષ રહે કે ન રહે તો તે શબ્દાલંકાર કહેવાય અને શબ્દપરિવર્તન કરવા છતાં પણ અલંકાર રહે તો તે અર્થાલંકાર કહેવાય. આમ રુય્યકે રુદ્રટને અનુસરીને અલંકારોના નવીન અને વૈજ્ઞાનિક વર્ગીકરણની કાવ્યશાસ્ત્રને ભેટ ધરી છે. થોડા ફેરફારો સાથે વિદ્યાધરથી માંડીને જગન્નાથ પર્યંતના આલંકારિકો વર્ગીકરણમાં રુય્યકનો જ અભિગમ અપનાવે છે. પા.માં.