ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અષ્ટાધ્યાયી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અષ્ટાધ્યાયી : ઇ.સ. પૂર્વે પાંચમી કે છઠ્ઠી સદીનો પાણિનિવિરચિત, આઠ અધ્યાયમાં અને પ્રત્યેક અધ્યાયના ચાર પાદમાં વિભક્ત વ્યાકરણગ્રન્થ. આ ગ્રન્થ ‘અષ્ટક’, ‘શબ્દાનુશાસન’ અને ‘વૃત્તિસૂત્ર’થી પણ ઓળખાય છે. મુખ્યત્વે આપિશલ વ્યાકરણ પર આધારિત આ ગ્રન્થ શબ્દલાઘવ અને અર્થલાઘવને અનુસરી અસંદિગ્ધ અને સંક્ષિપ્ત ૪૦૦૦ સૂત્રોમાં પ્રશિષ્ટ સંસ્કૃતના સમન્વયાત્મક વ્યાકરણ ઉપરાંત વૈદિક ભાષા અને એના ઉચ્ચારણના નિયમો પણ આપે છે. જગતની વ્યાકરણપદ્ધતિઓમાં સૌથી વધુ વૈજ્ઞાનિક પદ્ધતિ ધરાવતા વ્યાકરણગ્રન્થ તરીકે પશ્ચિમના વિદ્વાનોમાં પ્રતિષ્ઠિત આ ગ્રન્થ ભારતીય સમાજ અને સંસ્કૃતિનો આધારગ્રન્થ પણ છે. એમાં તત્કાલીન પ્રજાની જીવનરીતિ અને ભાષાવર્તનની મુદ્રાઓ ઝિલાયેલાં છે. બ્લૂમ ફીલ્ડ એને માનવપ્રજ્ઞાનો સ્મારકગ્રન્થ કહે છે. ચં.ટો.