ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અસંબદ્ધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અસંબદ્ધ અયુક્ત ‘એબ્સર્ડ’(Absurd) : માનવ-અસ્તિત્વ અંગેના આધુનિક ચિંતનમાં એક એવું વલણ બહાર આવ્યું કે વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી અલગ પડી ગયેલી છે. કશુંક પણ અર્થપૂર્ણ કાર્ય કરવામાં તે અસમર્થ છે અને તે એના કાબૂ બહારનાં બાહ્ય બળોનો ભોગ બનેલી છે. વીસમી સદીની યુરોપીય વિચારસરણીના એક ભાગ તરીકે વિકસેલું આ વલણ સાર્ત્ર અને કામૂનાં ચિંતનશીલ લખાણોમાંથી પણ બહાર આવ્યું. ત્યારબાદ સેમ્યૂઅલ બેકિટ, ઇઅનેસ્કો, હેરલ્ડ પિન્ટર આદિ નાટ્યલેખકોએ રંગભૂમિ ક્ષેત્રે આ વિચારધારાને આગળ વિકસાવી, જેના પરિણામરૂપ થિયેટર ઓવ ધી એબ્સર્ડનો ઉદ્ભવ થયો. બીજા વિશ્વયુદ્ધ પછી આ અસ્તિત્વવાદી લેખકોએ નાટકો દ્વારા માનવજીવનમાં સંવાદિતા, હેતુ વગેરે વિધેયાત્મક પરિબળોના અભાવનું ચિત્ર રજૂ કર્યું. બેકિટનું ‘વેઇટિંગ ફોર ગોદો’ (૧૯૫૨) અને ઇઅનેસ્કોનું ‘ધ ચેર્સ’ (૧૯૫૧) આ પ્રકારનાં નાટકો છે. લાભશંકર ઠાકર અને સુભાષ શાહલિખિત ‘એક ઊંદર ને જદુનાથ’થી ગુજરાતી રંગભૂમિમાં આ પ્રકારનું નાટ્યલેખન અસ્તિત્વમાં આવ્યું. પ.ના.