ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આગમસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આગમસાહિત્ય : શાસ્ત્રો માટે આગમ શબ્દ પ્રયોજાય છે. વેદ માટેનો ‘નિગમ’ શબ્દ આગમશાસ્ત્રને વેદથી જુદું તારવે છે. આગમશાસ્ત્રો વેદથી સર્વથા ભિન્ન છે એવું પણ નથી. તંત્રશાસ્ત્રો માટેનો આગમ શબ્દનો ખાસ પ્રયોગ થાય છે. તંત્ર અને યામલ શબ્દો પણ આગમના અર્થમાં પ્રયોજાય છે. તંત્ર અને યામલ ગ્રન્થોમાં મોટાભાગે સમાન વિષયો હોય છે. તેથી આગમ, યામલ અને તંત્રને સામાન્યપણે એક સમજવામાં દોષ નથી. આગમ ૪ પ્રકારના છે : આગમ, ડામર, યામલ અને તંત્ર. તેમાં ડામર એટલે શિવે કહેલું શાસ્ત્ર. વારાહીતંત્ર અનુસાર ડામરતંત્રો છ છે : યોગડામર, શિવડામર, દુર્ગાડામર, સારસ્વતડામર, બ્રહ્મડામર અને ગંધર્વડામર. ડામર એટલે ચમત્કાર કે ક્ષેત્રપાલ – એ અર્થમાં જગતરૂપી સમસ્ત ક્ષેત્રના પાલક શિવે કહેલું શાસ્ત્ર. આગમના અનેક ભેદો છે – મુક્તક, પ્રપંચ, શારદા, નારદ, મહાર્ણવ, કપિલ, યોગ, કલ્પ, કપિંજલ, અમૃતશુદ્ધિ, વીર અને સિંહસંવરણ વગેરે. તેમના પ્રત્યેકના વિસ્તાર હજારો શ્લોકોમાં છે. યામલ છ છે : આદિયામલ, બહ્મયામલ, વિષ્ણુયામલ, રુદ્રયામલ, ગણેશયામલ, આદિત્યયામલ. તંત્રોમાં વામકેશ્વરતંત્ર, મૃત્યંજયતંત્ર, યોગાર્ણવતંત્ર, માયા મહાતંત્ર, દક્ષિણામૂર્તિતંત્ર, કાલિકાતંત્ર, કામેશ્વરીતંત્ર, તંત્રરાજ, હરગૌરીતંત્ર, તંત્રનિર્ણય, કુમ્જિકા મહાતંત્ર, દેવી મહાતંત્ર, કાત્યાયનીતંત્ર, પ્રત્યંગિરાતંત્ર, મહાલક્ષ્મીતંત્રરાજ, ત્રિપુરાર્ણવ મહાતંત્ર, સરસ્વતીતંત્ર, આદ્યતંત્ર, યોગિનીતંત્રરાજ, વારાહીતંત્ર, ગવાક્ષતંત્ર, નારાયણીયતંત્ર, મૃડાની તંત્રરાજ છે. ઉપતંત્રોમાં બુદ્ધે કહેલાં, કાપિલોક્ત, જૈમિન્યુક્ત, વસિષ્ઠ, કપિલ, નારદ, ગર્ગ, પુલત્સ્ય, ભાર્ગવ, યાજ્ઞવલ્ક્ય, ભૃગુ, શુક્ર, બૃહસ્પતિ અને અન્ય મુનિઓએ કહેલાં ઉપતંત્રો છે. આ સિવાયનાં પણ અનેક તંત્રો-ઉપતંત્રો છે. વસ્તુત : એમની નિશ્ચિત સંખ્યા નથી. છતાં ચોસઠ સંખ્યા અનેક સ્થળે કહેલી છે. વામકેશ્વરતંત્ર, કુલચૂડામણિતંત્ર તેમજ શંકરાચાર્યકૃત ‘સૌન્દર્યલહરી’ સ્તોત્રના ટીકાકાર લક્ષ્મીધરે જે ચોસઠ નામો ગણાવ્યાં છે તે મોટે ભાગે મળતાં આવે છે. ક્વચિત્ નામાન્તર પણ છે. વિષયની દૃષ્ટિએ વિચારતાં જે ચોસઠ તંત્ર અને અન્ય તંત્રગ્રન્થો જાણીતાં કે ઉલ્લિખિત છે તેમાં મોટાભાગે બ્રહ્મનું સ્વરૂપ, શક્તિતત્ત્વ, બ્રહ્મવિદ્યા, સર્ગ અને વિસર્ગ, શિવ, વિષ્ણુ, શક્તિ, ગણપતિ, સૂર્ય આદિ દેવોનાં તત્ત્વો, અનેક વ્યાવહારિક વિદ્યાઓ અને પરમાર્થ વિદ્યાઓ, ધર્મ, અર્થ, કામ, મોક્ષનાં સાધનો આદિ વિષયોનાં નિરૂપણ છે. આગમો, તંત્રો વગેરે વેદને પ્રમાણ માની ચાલે છે એમ તે તે તંત્રકારનું કહેવું છે. પણ વિષયની દૃષ્ટિએ વિચારતાં તેમાંનાં કેટલાંક વૈદિક આચારનો સ્વીકાર કરનારાં અને તેમાંય કેટલાંક શૈવાચારવાળાં, કેટલાંક વૈષ્ણવાચારવાળાં, કેટલાંક દક્ષિણાચારવાળાં, કેટલાંક વામાચારવાળાં, કેટલાંક સિદ્ધાન્તાચારવાળાં, કેટલાંક કુલાચારવાળાં છે. આ સર્વ તંત્રો શાક્ત અદ્વૈતવાદનું પ્રતિપાદન કરે છે. વૈદિકમાર્ગીઓ મોટે ભાગે સમયાચારમાર્ગી છે. પંચમકારના સ્વીકારને લીધે કુલાચાર કંઈક હીનકોટીનો ગણાયો છે. સામયિકમતનાં આગમો શુભાગમો કહેવાય છે અને તેના પાંચ પ્રસિદ્ધ રચયિતાઓ સનત્કુમાર, સનંદન, સનક, વસિષ્ઠ અને શુક છે. તેમાં શિવ, શક્તિ, વિષ્ણુ, ગણપતિ, સૂર્યનાં તત્ત્વો અને ઉપાસનાનું નિરૂપણ છે. થોડાં વર્ષો પહેલાં પ્રકાશિત થયેલ પરશુરામ કલ્પસૂત્ર એ એક પ્રસિદ્ધ આગમગ્રન્થ છે. તેમાં તંત્રોક્ત સાધનપ્રણાલીનું સાંગ નિરૂપણ થયેલું છે. તંત્રપદ્ધતિનો મુખ્ય આધાર શબ્દ છે અને મંત્ર એ તાંત્રિક સાધનપદ્ધતિનું મુખ્ય સાધન છે. વ્રતપૂર્વકના પુરશ્ચરણથી મંત્ર સિદ્ધ કરાય છે. પટલ, પદ્ધતિ, કવચ, સહસ્રનામ અને સ્તોત્ર એ મંત્રોપાસનાનાં અંગો છે. આગમો વગેરે તંત્રગ્રન્થોમાં ઉપાસનાના અનેક પ્રકારો બતાવ્યા છે. મદ્યમાંસાદિ શબ્દોની ઉદાહરણો સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે. યોગ્યતાભેદે સાધકની દીક્ષાના પ્રકારો બતાવ્યા છે. જુદા જુદા દેવો માટે મંત્રયંત્રાદિના પણ ઉલ્લેખો છે. જૈન ધર્મદર્શનના મૂળગ્રન્થો પ્રાકૃત આગમ છે. આગમગ્રન્થોના બે વિભાગ છે : અંગ અને અંગબાહ્ય. અંગઆગમો એ અર્થમાં મહાવીરપ્રણીત છે કે અર્થ રૂપે તેનું પ્રરૂપણ મહાવીરે કર્યું. પરંતુ ગ્રન્થ રૂપે તેમની રચના મહાવીરના સાક્ષાત્ મુખ્ય શિષ્ય ગણધરોએ કરી. મહાવીરના અર્થરૂપ પ્રરૂપણનો આધાર મહાવીરને પરંપરાપ્રાપ્ત ‘પૂર્વ’ નામથી પ્રસિદ્ધ થયેલું સાહિત્ય હતું. તે સાહિત્ય ઉપલબ્ધ નથી અને તેનો જેમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો તે બારમું અંગઆગમ પણ લુપ્ત થઈ ગયું છે. બાર અંગોના સમુચ્ચયને ‘દ્વાદશાંગી’ કે ‘ગણિપિટક’ તરીકે ઓળખવામાં આવે છે. અંગોને આધારે કાળક્રમે સ્થવિરોએ અંગબાહ્ય આગમોની રચના કરી. અંગો કરતાં અંગબાહ્ય આગમોનું વિષયનિરૂપણ વધુ વ્યવસ્થિત છે. આગમોની ભાષા પ્રાચીનકાળે અર્ધમાગધી હતી પણ આજે તેમની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃતની નજીકની છે એટલે વિદ્વાનો તેને જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત કહે છે. મહાવીરનિર્વાણ પછી લગભગ ૧૬૦મે વર્ષે અંગઆગમોમાં આવેલી અવ્યવસ્થાને દૂર કરવા પાટલિપુત્રમાં વાચના થઈ. ૧૧ અંગો વ્યવસ્થિત કરી લેવાયાં પણ બારમું અંગ ‘દૃષ્ટિવાદ’ સંગૃહીત જ ન થઈ શક્યું. મહાવીરનિર્વાણ પછી લગભગ ૮૨૫ વર્ષ આસપાસ આચાર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં મથુરામાં અને નાગાર્જુનસૂરિની અધ્યક્ષતામાં વલભીમાં એમ બે વાચનાઓ થઈ. ૧૧ અંગોને પુન :વ્યવસ્થિત કરવા આ વાચનાઓ થઈ. મહાવીરનિર્વાણ પછી લગભગ ૯૯૦ વર્ષે વલભીમાં દેવદ્ધિર્ગણિની અધ્યક્ષતામાં બધા જ આગમોને સૌપ્રથમ લેખનબદ્ધ કરવામાં આવ્યા. બાર અંગો : ૧, આચારાંગનો વિષય મુનિઆચાર છે. ૨, સૂત્રકૃતાંગ દાર્શનિક ગ્રન્થ છે. ૩-૪, સ્થાનાંગ અને સમવાયાંગ કોશગ્રન્થો છે. ૫, ભગવતી પ્રશ્નોત્તરરૂપ સૈદ્ધાન્તિક ગ્રન્થ છે. તેમાં મંખલિગોશાલનો જીવનપરિચય આવે છે. ૬-૯, જ્ઞાતૃધર્મકથા, ઉપાસકદશા, અન્તકૃતદશા અને અનુત્તરોપપાતિકદશા આ ચાર કથાગ્રન્થો છે. ૧૦, પ્રશ્નવ્યાકરણ વ્રતોનું સુવ્યવસ્થિત નિરૂપણ કરે છે. ૧૧, વિપાકસૂત્રમાં કર્માનુસાર દુઃખ અને સુખરૂપ મળતાં કર્મફળોનું વર્ણન છે. ૧૨, દૃષ્ટિવાદ લુપ્ત થયું છે. અંગબાહ્ય આગમોમાં બાર ઉપાંગ, છ છેદસૂત્ર, ચાર મૂલસૂત્ર, દસ પ્રકીર્ણકગ્રન્થો અને બે ચૂલિકાસૂત્રોનો સમાવેશ થાય છે. બાર ઉપાંગો : ૧, ઔપપાતિકમાં મૃત્યુકાલીન ભાવનાવિચાર અનુસાર પુનર્જન્મ થાય છે એ હકીકતનું નિરૂપણ છે. ૨, રાજપ્રશ્નીય એ પ્રશ્નોત્તરરૂપ ગ્રન્થમાં ભૌતિકવાદ અને અધ્યાત્મવાદની પ્રાચીન પરંપરાઓનું આલેખન કરે છે. ૩, જીવાજીવાભિગમ પ્રશ્નોત્તરરૂપ છે અને જીવ-અજીવના ભેદપ્રભેદોનું વર્ણન કરે છે. ૪, પ્રજ્ઞાપનાગ્રન્થ જૈન સિદ્ધાન્તના જ્ઞાનકોશરૂપ છે. તેના કર્તા શ્યામાચાર્ય (ઈ.સ.પૂ. પ્રથમ શતાબ્દી) છે. ૫-૬, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બન્નેનો વિષય એક છે. એ બંને ગ્રન્થો સૂર્ય તથા ચંદ્ર અને નક્ષત્રોની ગતિનો વિચાર કરે છે. ૭, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ જંબૂદ્વીપ અને ભરતક્ષેત્રનું વર્ણન કરે છે. ૮, કલ્પિકામાં કુણિક અજાતશત્રુ અને તેના પિતા શ્રેણિકની કથા છે. ૯, કલ્પાવતંસિકામાં શ્રેણિકના દસ પૌત્રોની કથાઓ છે. ૧૦-૧૧, પુષ્પિકા અને પુષ્પચૂલામાં ધાર્મિક સાધના કરનાર સ્ત્રીપુરુષોની કથાઓ છે. ૧૨, વૃષ્ણીદશામાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિના રૈવતક પર્વત ઉપરના વિહાર અને વૃષ્ણિવંશીય બાર રાજકુમારોના દીક્ષાગ્રહણનું વર્ણન છે. છ છેદસૂત્રો : દશાશ્રુતસ્કન્ધ, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ અને જીતકલ્પ છે. છેદસૂત્રોમાં મુનિઆચારના નિરૂપણ સાથે વિશેષ રૂપે નિયમભંગનાં વિવિધ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. તેમનું પ્રતિપાદન ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત્તથી સંબદ્ધ છે. ચાર મૂળસૂત્રો : ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિંડનિર્યુક્તિ મુનિઓના અધ્યયન અને ચિંતનને માટે વિશેષ રૂપે મહત્ત્વપૂર્ણ મનાયાં છે કારણકે એમાં જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દસ પ્રકીર્ણકો : ૧, ચતુ :શરણ તેમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું શરણ લેવા કહ્યું છે. ૨-૬, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, સંસ્તારક અને મરણસમાધિ – આ છમાં મૃત્યુ માટેની તૈયારી, મરણના પ્રકારો, મરણવિધિ, મરણસમાધિ વગેરેનું નિરૂપણ છે. ૭, તંદુલવૈચારિક આ ગ્રન્થ પ્રશ્નોત્તરરૂપ છે અને તેમાં જીવની ગર્ભાવસ્થા, આહારવિધિ, બાલજીવનક્રીડા વગેરે અવસ્થાઓનું વર્ણન છે. ૮, ગચ્છાચાર આમાં મુનિઓ અને સાધ્વીઓએ એકબીજા પ્રતિ પર્યાપ્ત સતર્ક રહેવા અને પોતાને કામવાસનાથી બચાવવા માટેના ઉપાયો અને પાળવાના નિયમો છે. ૯, ગણિવિદ્યા આ જ્યોતિષનો ગ્રન્થ છે. ૧૦, દેવેન્દ્રસ્તવ -માં ૨૪ તીર્થંકરોની સ્તુતિ છે. બે ચૂલિકાસૂત્રો અનુયોગદ્વાર અને નંદીસૂત્ર. આર્યરક્ષિતે (પ્રથમ શતાબ્દી) રચેલ અનુયોગદ્વારમાં અનુયોગ અર્થાત્ વ્યાખ્યાપદ્ધતિનું નિરૂપણ છે. તેમાં નય, નિક્ષેપ અને વિવિધ દૃષ્ટિબિંદુઓનો પ્રયોગ છે. દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે (ચોથી શતાબ્દી) રચેલ નંદીસૂત્ર જ્ઞાનના પાંચ ભેદોનું વિવેચન કરે છે. અને બાર અંગ આગમોના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કરે છે. દિગંબર જૈન પરંપરા અંગઆગમોનો વિચ્છેદ માને છે, જ્યારે શ્વેતાંબર જૈન પરંપરા તેમનો વિચ્છેદ માનતી નથી. એટલે અંગઆગમોને આધારે શ્વેતાંબર સ્થવિરોએ રચેલ આગમગ્રન્થો પણ દિગંબરોને માન્ય નથી. દિગંબર પરંપરા અનુસાર પૂર્વોના એકદેશજ્ઞાતા ધરસેને પોતાનું જ્ઞાન પોતાના પુષ્પદંત અને ભૂતબલિ નામના શિષ્યોને આપ્યું. તેમણે એ જ્ઞાનને આધારે ષટખંડાગમની રચના (બીજી શતાબ્દી) કરી તે ઉપલબ્ધ છે. તેના છ ખંડો છે – જીવસ્થાન, ક્ષુદ્રકબંધ, બંધસ્વામિત્વવિચય, વેદના, વર્ગણા અને મહાબંધ. તેની ભાષા જૈન શૌરસેની મનાય છે. ન.યા./ન.શા.