ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આરણ્યકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આરણ્યકો : ‘અરણ્યમાં અધ્યયન થતું હોવાથી આરણ્યક’ એવી વ્યાખ્યા આરણ્યક શબ્દની આપવામાં આવી છે. અરણ્યનું શાંત વાતાવરણ આ ગ્રન્થોના ચિંતનને અનુકૂળ હતું. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ-એવા ચાર વ્યાપક વિભાગો વૈદિક સાહિત્ય અથવા શ્રુતિના સ્વીકારાયા છે. તેમાં આરણ્યક સાહિત્ય પ્રમાણ કે વિસ્તારની દૃષ્ટિએ બ્રાહ્મણ, ઉપનિષદ કે સંહિતાઓ કરતાં અલ્પ કહેવાય છતાં તે એક વિશિષ્ટ વિભાગનું પ્રતિનિધિત્વ કરતું સાહિત્ય છે. એક રીતે જોઈએ તો તે બ્રાહ્મણગ્રન્થોના પાછળના ભાગમાં આવતું સાહિત્ય છે એટલે એને બ્રાહ્મણોનાં અંતિમ પ્રકરણો કહેવામાં કોઈ આપત્તિ નથી. વળી, બૃહદારણ્યક એ શતપથ બ્રાહ્મણનો અથવા જૈમિનીય આરણ્યક એ જૈમિનીય બ્રાહ્મણનો એક ભાગ જ છે. આ ગ્રન્થો માટે ‘રહસ્યબ્રાહ્મણ’ અથવા ‘રહસ્ય’ એવો શબ્દપ્રયોગ પણ થયો છે. બીજી બાજુ આરણ્યક સાહિત્ય સમય, સ્થાન અને વિષયની દૃષ્ટિએ ઉપનિષદસાહિત્યનું પુરોગામી છે કારણ; ઐતરેય આરણ્યકની અંદર ઐતરેય ઉપનિષદ અને તૈત્તિરીય આરણ્યકની અંદર તૈત્તિરીય ઉપનિષદ આવી જાય છે. ટૂંકમાં, આરણ્યકો ઉપનિષદોનાં પુરોગામી અને બ્રાહ્મણગ્રન્થોનાં અનુગામી છે. વિચાર કે વિષયવસ્તુની રીતે મૂલવતાં પણ પ્રતીત થાય છે કે જે વિચારોની વિશદ ચર્ચા ઉપનિષદ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે તેમાંના ઘણા વિષયોની પ્રાથમિક ચર્ચા આ આરણ્યકોમાં થઈ છે. આરણ્યકોનું પણ ભારતીય પરંપરામાં મહત્ત્વ હતું. મહાભારતમાં તેની અગત્યતા વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે જેમ દહીંમાંથી માખણ, મલય પર્વતમાંથી ચંદન અને ઔષધિઓમાંથી અમૃત તેમ વેદોમાંથી આરણ્યકો પેદા થયાં છે. આરણ્યકોમાં યજ્ઞનાં રહસ્યોની મીમાંસા થઈ છે. એમાં યજ્ઞનું અનુષ્ઠાન નહીં પણ એના દાર્શનિક પક્ષનું અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. ઋગ્વેદમાં યજ્ઞને હોમાત્મક સ્થૂલ સ્વરૂપે જોવામાં કે આચરવામાં આવતો જોઈએ છે. તેમાંથી ધીમે ધીમે વૈશ્વિક યજ્ઞની કલ્પના દસમા મંડલના નેવુંમા પુરુષસૂક્તમાં જોઈ શકાય છે. યજ્ઞના સ્થૂલ સ્વરૂપ પરથી તેની સૂક્ષ્મતા તરફની ગતિ આરણ્યકોમાં મળે છે. યજ્ઞ વિશ્વ સમસ્તનું ચાલક બળ છે, આ આખું વિશ્વ એ એક યજ્ઞ છે, આ યજ્ઞોનું સ્વર્ગ વગેરે ફળ તો આખરે નશ્વર છે – વગેરે ચર્ચાઓ અહીં આરંભાઈ છે. આથી ઘરમાંથી બહાર નીકળીને અરણ્યમાં વસનાર આ ઋષિઓએ યજ્ઞના સ્થૂલ ભાવમાંથી બહાર નીકળી પ્રતીકોપાસનાની ચર્ચાઓ આરંભી અને પ્રાણવિદ્યાની વાત કરી. આધ્યાત્મિક તત્ત્વોની મીમાંસા કરી. એટલેકે આરણ્યકોનું આધ્યાત્મિક તત્ત્વ ઉપનિષદોના દાર્શનિક ચિંતનનું મૂર્તરૂપ છે. આમ અહીં તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ધીમે ધીમે વૈચારિક ક્રાન્તિ આરંભાઈ, જે પાછળ જતાં ઉપનિષદોમાં પરાકાષ્ઠાએ પહોંચી. આજે ચારમાંથી ત્રણ વેદોના કુલ સાત આરણ્યકો ઉપલબ્ધ છે. ઋગ્વેદનાં ઐતરેય આરણ્યક અને શાંખાયન આરણ્યક, સામવેદનું તલવકાર આરણ્યક, કૃષ્ણ યજુર્વેદનું તૈત્તિરીય આરણ્યક અને શુક્લ યજુર્વેદના બૃહદારણ્યક કાણ્વશાખા, બૃહદારણ્યક માધ્યંદિન શાખા અને મૈત્રાયણીય આરણ્યક ચરક શાખા. અથર્વવેદનું કોઈ આરણ્યક ઉપલબ્ધ નથી. ગૌ.પ.