ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇનીડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇનીડ : રોમન કવિ વર્જિલ (ઈ.સ. પૂ. ૭૦થી ૧૯)નું લૅટિનમાં લખાયેલું મહાકાવ્ય, જેના ૧૨ ગ્રન્થોમાં ટ્રોયના પતન પછીની ઇનીએસની રઝળપાટનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પોતાના સાથીઓ સાથે લેટિઅમ જવા નીકળે છે ત્યાં જ્યૂનોપ્રેરિત પવનદેવતા ઇઓલસ સાગરમાં ઝંઝાવાત સર્જે છે પરંતુ નેપ્ચ્યૂન વહારે ધાય છે. ઝંઝાવાત શમે છે. લિબિયાના તટે તેઓ આશ્રય લે છે. ત્યાં શિકારીના વેશમાં તેની માતા વિનસ એને પોતાના માર્ગે આગળ પ્રયાણ કરવાનું કહી અદૃશ્ય થઈ જાય છે. ત્યાં રાણી ડાઈડો તેમને બધી સહાયની ખાતરી આપે છે. ડાઈડોની માગણીથી ઇનીએસ ટ્રોયના પતનની અને તેમની રઝળપાટની વિગતવાર વીતકકથા કહી સંભળાવે છે ને છેવટે પોતે અહીં આવી પહોંચ્યો છે તે જણાવે છે. દરમ્યાનમાં વિનસપ્રેરી ડાઈડો ઇનીએસના પ્રેમમાં પડે છે. એને સૌથી અલગ શિકાર ખેલવા લઈ જાય છે જ્યાં તે પોતાના પ્રેમનો એકરાર કરે છે. ઇનીએસ એના મોહપાશમાં બંધાય છે. કેટલાક મહિનાઓ આ પ્રેમકેલિમાં પસાર થાય છે. સ્વર્ગમાંથી જોવ આ જુએ છે ને એને થાય છે કે ઇનીએસ પ્રેમઘેલો બની ધ્યેયચ્યુત થયો છે. તેણે મર્ક્યુરિ દ્વારા ઇનીએસને તેની શોધની યાદ અપાવી. કાર્થેજ છોડી આગળ વધવા કહ્યું. ઇનીએસે કપ્તાનને નૌકાકાફલો તૈયાર કરવા કહ્યું. ડાઈડો ઇનીએસની હિલચાલ પામી ગઈ. ક્રોધથી તે રાતીચોળ થઈ ગઈ પણ હવે ઇનીએસ જરાય ડગ્યો નહિ. ડાઈડોએ પોતાની બહેન એનાને ઇનીએસને રોકાઈ જવા માટે સમજાવવા મોકલી, પણ વ્યર્થ! મર્ક્યુરિ સ્ત્રીનો વિશ્વાસ ન કરવો અને સહેજ પણ વિલંબ કર્યા વગર સાગર ખેડવા નીકળી પડવું એમ કહીને કાળી રાતમાં અદૃશ્ય થઈ ગયો. પ્હો ફાટતાં ડાઈડોએ જોયું કે કાફલો સફર ખેડવા તૈયાર થઈ ગયો છે. એણે ઇનીએસની અને એની સકલ જાતિ પર શાપ વરસાવ્યો અને કાર્થેજ તથા ઇનીએસની પ્રજા વચ્ચે કદાપિ સુલેહશાંતિ ન થવી જોઈએ એવું પોતાની પ્રજાને સમજાવ્યું અને છેવટે તે ચિતા પર ચઢી ગઈ. આ તરફ વહાણ હંકારતા ઇનીએસ અને સાથીદારો સિસિલી પહોંચ્યા. ત્યાંના રાજાને તે મળ્યો અને પોતાના મૃત પિતાની યાદમાં રમતોત્સવ યોજાવ્યો. તેઓ ત્યાં જ રોકાઈ જશે એમ લાગવાથી જૂનોએ પોતાના માણસોને ત્યાં મોકલી એમનાં વહાણોને બાળી મૂકવા કહ્યું. વહાણો ખાખ થઈ જાય તે પહેલાં જ ઇનીએસને તેની જાણ થતાં સહુ સાથીઓને કિનારે મોકલ્યા અને જોવને પ્રાર્થી વર્ષા કરાવી આગ બુઝાવી. એક વૃદ્ધ સલાહકાર નોટસે, થાકેલા સાથીઓ, સ્ત્રીઓ, વૃદ્ધો વગેરેને સિસિલીના કોઈ નગરમાં રોકી રાખી બાકીનાઓની સાથે ઇનીએસે ઇટાલી તરફ આગળ વધવું એમ કહ્યું. તેણે એ પ્રમાણે કર્યું અને તેઓ હેસ્પિરીઅન તટે આવી પહોંચ્યા. અહીં તે પાતાળલોકમાં જઈ પિતાના પ્રેતાત્માને મળ્યો અને પાછો આવ્યો. ત્યાંથી આગળ વધતાં તેઓ ઓસોનીઅન કિનારે પહોંચ્યા જ્યાં રાજા લૅટિનસની પુત્રી લેવિનીઆ ટૂર્નુસ પ્રત્યે આકર્ષાઈ છે પણ પિતા તેનો વિવાહ ઇનીએસ સાથે કરે છે જેથી ટૂર્નુસ ક્રોધે ભરાય છે. પરિણામે અહીં વિદેશી ઇનીએસ અને ટૂર્નુસના નેતૃત્વ નીચે યુદ્ધ આરંભાય છે. ઇનીએસ પાસે માત્ર ત્રણ જ નૌકા છે તેથી તે સહાય લેવા ઇવેન્ડર પાસે અને પછી એટ્રુસ્કનો પાસે જાય છે. દરમ્યાનમાં ટૂર્નુસ ટ્રોજનો પર ત્રાટકે છે. ત્યાં તો ઇનીએસ વધુ નૌકાઓ સાથે ઇવેન્ડરના પુત્ર પૅલાસ સાથે આવી પહોંચે છે. ભીષણ યુદ્ધ આગળ વધે છે. ટૂર્નુસ પૅલાસને મારી નાખે છે. તેનો બદલો લેવા ઇનીએસ ટૂર્નુસની હત્યા કરવા ઝંખે છે. આખરે ટૂર્નુસ સાથે ઇનીએસ દ્વંદ્વયુદ્ધ કરે છે. બીજી તરફ લૅટિનો અને ટ્રોજન તથા એસ્ટ્રુકન સૈન્યો વચ્ચે યુદ્ધ થાય છે. વળી પાછા ઇનીએસ અને ટૂર્નુસ દ્વંદ્વે ચઢે છે. જ્યૂનો, જે ટૂર્નુસને છૂપી મદદ કરી રહી હતી તે હવે જ્યૂપિટરના આદેશથી દૂર ખસી જાય છે – પણ બે શરતે : એક, લૅટિનસ અને ઇનીએસના પ્રજાજનોએ કદાપિ ‘ટ્રોજન’નામ ધારણ ન કરવું અને બે, લૅટિઅમમાં કદી ટ્રોયના વિધિ-ઉત્સવોનું આયોજન ન કરવું. જ્યૂનો ખસી જતાં દ્વંદ્વયુદ્ધમાં ટૂર્નુસ પડે છે અને અંતે ઇનીએસને હાથે હણાય છે. આમ, મહાકાવ્યનો અંત આવે છે. ઇનીડ આમ સાગરસફર અને યુદ્ધની કથા છે જેમાં નૈતિકતા, આધ્યાત્મિકતા અને ધાર્મિકતાનો વિજય છે. આખરે શાશ્વત અને વૈશ્વિક નગર એવા ભાવિ રોમનો વિધિનિર્મિત પણ મનુષ્યસર્જિત પાયો નખાય છે. ઇનીડના પૂર્વાર્ધનો અપૂર્ણ મનુષ્ય ઇનીએસ ઉત્તરાર્ધમાં સંપૂર્ણ વિશ્વમાનવ તરીકે ઊપસી આવે છે. આથી ‘બાઇબલ’ પછી આ મહાકાવ્યનો અનેરો ધાર્મિક પ્રભાવ છે. ધી.પ.