ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપનિષદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉપનિષદો  : વૈદિક સાહિત્યમાં ઉપનિષદોનું સ્થાન સહુથી મોખરાનું છે. તેને વેદમૂર્ધ્ના, વેદશિર કે વેદાન્ત જેવા સાર્થક નામથી પણ ઓળખવામાં આવે છે. વેદ એટલે જ્ઞાન અને તેનું મુર્ધ્ના અર્થાત્ મસ્તક કે શિર, અથવા અંત. ટૂંકમાં, જાણવા જેવી બાબતોનો જેમાં અંત આવી ગયો તે વેદાન્ત. બીજી બાજુ વૈદિક સાહિત્યના અંતભાગમાં આ સાહિત્ય આવતું હોવાથી એનું ‘વેદાન્ત’ નામ સાર્થક થાય છે. તેમાં શ્રેષ્ઠ જ્ઞાન હોવાથી તે જ વેદમૂર્ધ્ના કે વેદશિર અથવા વેદોત્તમાંગ પણ કહેવાય છે. ઉપનિષદોને ‘ભારતીય જ્ઞાનના વૃક્ષ ઉપર ખીલેલું સહુથી ઉત્તમ કુસુમ’ માનવામાં આવે છે. ‘પ્રસ્થાનત્રયી’માં ભારતીય પરંપરા અનુસાર બ્રહ્મસૂત્ર અને ગીતાની સાથે ઉપનિષદોનું પણ સ્થાન છે. ભારતીય તત્ત્વજ્ઞાનના વિવિધ પ્રવાહોના ઉદ્ગમસ્થાન, ગંગોત્રી કે હિમાલય જેવી ઉપમાઓ કે રૂપકોથી આ સાહિત્યને યોગ્ય રીતે નવાજવામાં આવે છે કારણકે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પ્રાપ્ત થતી પ્રત્યેક વિચારધારાનું મૂળ અહીં શોધી શકાય છે. ઉપનિષદ શબ્દમાં उप + नि + सद् ધાતુ છે. उप = પાસે, દઙઋ = નિષ્ઠાપૂર્વક, ઠ્ઠઋઘ્્ = બેસવું. ગુરુની પાસે પરમ તત્ત્વ જાણવા માટે નિષ્ઠાપૂર્વક બેસવું એવો શબ્દાર્થ અહીં દર્શાવાય છે. પ્રાચીનકાળમાં શિષ્યો ગુરુની પાસે વિદ્યા મેળવવા માટે મંડળી રચીને બેસતા અને ત્યાં જગતના પરમ તત્ત્વને સ્પર્શતી ગૂઢ વિદ્યાની ચર્ચાવિચારણા થતી. એ સંવાદો આજે ગ્રન્થ રૂપે જળવાયેલા પ્રાપ્ત થાય છે અને એને ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગૂઢ રહસ્યમય વિદ્યાની ચર્ચા થયેલી સંગૃહીત છે. પરિણામે ઉપનિષદ શબ્દનો અર્થ ગૂઢ કે સરહસ્યમય એવો પણ થયો. આમ ઉપનિષદ શબ્દનો વાચ્યાર્થ ‘ગુરુશિષ્યની મંડળી,’ લક્ષ્યાર્થ ‘ગુરુ પાસે બેસીને મેળવવાની વિદ્યા’ અને વ્યંગ્યાર્થ ‘તે દ્વારા તત્ત્વજ્ઞાનરૂપી પરબ્રહ્મવિષયક પ્રકાશ અથવા શુદ્ધ વિદ્યા’ એવો થાય. શંકરાચાર્યે કઠોપનિષદના ભાષ્યમાં सद् ધાતુના ત્રણ અર્થો કર્યા છે, ૧. વિશરણ એટલે વિનાશ, ૨. ગતિ એટલે પ્રાપ્તિ, ૩. અવસાદન એટલે શિથિલ કરવું. એમના મત પ્રમાણે જેનાથી અવિદ્યા વગેરે સંસારના બીજનો નાશ થાય, પરબ્રહ્મની પ્રાપ્તિ થાય અને ગર્ભવાસ, જન્મ, વૃદ્ધાવસ્થા વગેરે ઉપદ્રવોનાં બંધન શિથિલ-ઢીલાં થાય તે વિદ્યાને ઉપનિષદ કહેવાય. વાસ્તવમાં ભારતીય પરંપરામાં ઉપનિષદ એટલે છાપેલું પુસ્તક એવો અર્થ ન લેતાં તેમાં પ્રતિપાદિત વિદ્યા કે જેને આત્મસાત્ કરવાથી સંસારનાં બંધનો દૂર થઈ તેમાં વર્ણવેલ પરમ તત્ત્વ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય – ‘હું એ જ બ્રહ્મ છું’ એવી અનુભૂતિ થાય એવું માનવામાં આવ્યું છે. ટૂંકમાં, આ ગ્રન્થોનું અધ્યયન જાણકારી મેળવીને માહિતીમાં વધારો કરવા કે બૌદ્ધિક કસરત માટે નહિ પણ વિદ્યાને આત્મસાત્ કરવા કરવું જોઈએ. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને શ્વૈતાશ્વર એમ કુલ ૧૧ ઉપનિષદોને પ્રાચીન ઉપનિષદો માનવામાં આવે છે. આમાંનાં કેટલાંક વેદોની સંહિતાનો જ ભાગ છે. જેમકે ઈશાવાસ્યોપનિષદ શુકલ યજુર્વેદનો ૪૦મો અધ્યાય છે તો તૈત્તિરીય ઉપનિષદ તૈત્તિરીય આરણ્યકનો અને ઐતરેય ઉપનિષદ ઐતરેય આરણ્યકનો ભાગ છે. બૃહદારણ્યક ઉપનિષદ શતપથબ્રાહ્મણનો એક ભાગ છે. આમ સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ સાહિત્ય ગાઢ રીતે સંકળાયેલાં છે. ઉપર્યુક્ત ૧૧ ઉપનિષદો ઉપરાંત કૌષીતકિ, જાબાલ, મહાનારાયણ, મૈત્રાયણી જેવાં ઉપનિષદો પણ પ્રાચીન છે. જેમ સમય પસાર થતો ગયો અને સંપ્રદાયો વધતા ગયા તેમ ઉપનિષદોની સંખ્યા પણ વધતી ગઈ. છેક મોગલકાળમાં પણ ‘અલ્લોપનિષદ’ની રચના થઈ છે. અને આજના યુગમાં વૃક્ષનું મહત્ત્વ દર્શાવવા વૃક્ષોપનિષદ પણ લખાયું. આ સંખ્યા લગભગ ૨૫૦ આસપાસની થઈ છે. પણ આમાંનાં મોટાભાગનાં સાંપ્રદાયિક અને પછીથી રચાયેલાં મુક્તોપનિષદ મુજબ ઋગ્વેદનાં ૧૦, શુક્લ યજુર્વેદનાં ૧૯, કૃષ્ણ યજુર્વેદના ૩૨, સામવેદનાં ૧૬ અને અથર્વવેદનાં ૩૧ – એમ કુલ ૧૦૮ ઉપનિષદો ગણાવાયાં છે. આમાંથી મોટાભાગનાં ઉપનિષદો ગૌતમ બુદ્ધ પહેલાંની રચના હોવાથી ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદી પહેલાંનો તેનો રચનાકાળ ગણાવી શકાય. ઉપનિષદોમાં કેટલાંક ઉપનિષદો ગદ્યાત્મક છે અને તેની શૈલી બ્રાહ્મણગ્રન્થો જેવી છે. તો કેટલાંક ઉપનિષદોમાં પ્રાસાદિક શ્લોકબદ્ધ રચનાઓ પણ ઉપલબ્ધ છે. એના વિષય માટે કહી શકાય કે પ્રાચીન ઋષિઓએ જે કાંઈ ચિંતન જગતના પરમ તત્ત્વ માટે કર્યું તે અહીં સ્થાન પામ્યું છે. એક અર્થમાં એને તત્ત્વજ્ઞાનની પ્રયોગશાળા કહી શકાય. ગુરુ અને શિષ્યના, વનમાં કે ઘરમાં, યજ્ઞશાલામાં કે રાજાના દરબારમાં થયેલા તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતા સંવાદો અહીં જોવા મળે છે. તેમાં ‘હું કોણ?’, ‘હું ક્યાંથી આવ્યો?’, ‘મારે ક્યાં જવાનું છે?’, ‘આ જગત કેમ અને ક્યાંથી જન્મ્યું?’, ‘એનો સર્જનહાર કોણ?’, ‘એ કેમ મેળવી શકાય?’, ‘મૃત્યુનું રહસ્ય શું?’, ‘કોણ મરે છે’ કે ‘શું નાશવંત છે? એનાથી પર એવું કોઈ તત્ત્વ છે? તો તે શું છે?’ – તત્ત્વજ્ઞાનને સ્પર્શતા આવા અનેક પ્રશ્નોની ચર્ચા અને તે માટેના વિવિધ મતો અહીં પ્રાપ્ત થયા છે. તેમાંથી ‘બ્રહ્મ’ નામના પરમ તત્ત્વની અને તેની સાથે ‘આત્મા’ના ઐક્યની પ્રસ્થાપના એ યુગના ઋષિઓનું, તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વને મહાન પ્રદાન છે. ગૌ.પ.