ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉપમા : સામાન્ય રીતે અર્થાલંકારોની શરૂઆત ઉપમાથી કરવાનો રિવાજ છે. ઉપમાની શ્રેષ્ઠતા, તેનો વ્યાપ, પ્રાધાન્ય અને સુકુમારતા બધા આલંકારિકો સ્વીકારે છે અને તેથી જ તેને પ્રથમ નિરૂપણનું ગૌરવ આપવામાં આવ્યું છે. ઉપમાનું ક્ષેત્ર અત્યંત વ્યાપક છે. મમ્મટના મતાનુસાર ૨૨ જેટલા અલંકારો ઉપમામૂલક છે. રાજશેખર ઉપમાને સર્વશ્રેષ્ઠ અલંકાર માને છે અને કાવ્યસંપદનું સર્વસ્વ હોવાથી તે કવિવંશની માતા છે એવું જણાવે છે. બંનેમાં રહેલા કોઈ હૃદ્ય સમાન તત્ત્વને કારણે એક પદાર્થને બીજા પદાર્થ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમેય અને ઉપમાન વચ્ચેનું સાદૃશ્ય ચેતોહારી કે હૃદ્ય હોય તે જરૂરી છે. ઉપમામાં કવિનો આશય ઉપમેયની મહત્તા દર્શાવવાનો હોય છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે સાદૃશ્ય હોવા છતાં સાધારણ ધર્મની દૃષ્ટિએ ઉપમાન સહેજ ઉત્કૃષ્ટ છે અને ઉપમેય સહેજ ઊતરતું છે એનો સ્વીકાર કવિપક્ષે અભિપ્રેત છે. ઉપમાના ચાર ઘટકો છે. ૧, ઉપમાન, ૨, ઉપમેય, ૩, સાધારણધર્મ, ૪, ઉપમાપ્રતિપાદક શબ્દ. જેની સાથે તુલના કરવામાં આવે તે ઉપમાન. જે પદાર્થની બીજા સાથે તુલના કરવામાં આવે તે ઉપમેય. ઉપમાન અને ઉપમેયમાં સમાન રીતે પ્રાપ્ત થતા ગુણ, ક્રિયા વગેરે રૂપધર્મને સાધારણધર્મ કહેવાય છે. ઉપમાપ્રતિપાદક શબ્દ એટલે ઉપમાનું પ્રતિપાદન કરનાર શબ્દ જેમકે જેમ, જેવું, યથા, સમ, સમાન વગેરે. ‘મુખ ચંદ્ર જેવું સુંદર છે’માં મુખ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે, જેવું ઉપમાપ્રતિપાદક શબ્દ છે, અને સુંદર સાધારણધર્મ છે. ઉપમામાં ભેદ અને અભેદ બન્નેનું તત્ત્વ છે. મમ્મટના મતાનુસાર બે ભિન્ન પદાર્થોમાં રહેલું સાધર્મ્ય તે ઉપમા. આલંકારિકોએ ઉપમાના અનેક પ્રકારો ગણાવ્યા છે. તેના પહેલા મુખ્ય બે પ્રકાર તે ૧, પૂર્ણા અને ૨, લુપ્તા. ઉપમાનાં ચાર અંગોમાંથી જ્યાં બધાંનો ઉલ્લેખ થયો હોય તે પૂર્ણા કહેવાય. જેમકે ઉપર્યુક્ત વાક્ય ‘મુખ ચંદ્ર જેવું સુંદર છે.’ પૂર્ણા ઉપમાના શ્રૌતી અને આર્થી એવા બે પેટા પ્રકાર છે. અને એ પ્રકારોનું ૧, વાક્યગા, ૨, સમાસગા અને ૩, તદ્ધિતગા એમ ત્રણ પ્રકારોમાં વિભાજન થાય છે એટલે પૂર્ણોપમાના કુલ છ પ્રકારો છે. ઉપમાનનાં ચાર અંગોમાંથી એક, બે કે ત્રણનો લોપ થાય ત્યારે તે લુપ્તોપમા કહેવાય. જોકે આ અંગોનો કેવળ શબ્દ દ્વારા ઉલ્લેખ થતો નથી એટલું જ અહીં અભિપ્રેત છે. તેમનો સદંતર અભાવ હોય તો ઉપમા જ શક્ય ન બને. જેમકે ‘‘એની વાણી અમૃત જેવી છે’’ આ લુપ્તોપમાનું ઉદાહરણ છે. અહીં સાધારણધર્મ મધુરનો લોપ છે. ઉપમેય અને ઉપમાન વચ્ચેના સાધર્મ્યની પ્રતીતિ સીધી રીતે, સાંભળવામાત્રથી અર્થાત્ શબ્દ દ્વારા થાય ત્યારે શ્રૌતી ઉપમા કહેવાય. અને સાધર્મ્યની પ્રતીતિ પરોક્ષ રીતે અને અર્થ દ્વારા થાય તો આર્થી ઉપમા કહેવાય. એક જ વાક્યમાં સમાસ કે તદ્ધિતના સહયોગ વિના ઉપમાનો નિર્વાહ થાય ત્યારે વાક્યગા ઉપમા બને. ઉપમાનાં ચાર અંગોમાંથી ગમે તે એક અંગ બીજા અંગ સાથે સમાસબદ્ધ બને ત્યારે સમાસગા ઉપમા થાય. પૂર્ણા ઉપમામાં ઉપમાપ્રતિપાદક શબ્દ અને ઉપમાન વચ્ચે જ આવો સમાસ સંભવી શકે. સંસ્કૃત વ્યાકરણમાં બે પ્રકારના પ્રત્યયો છે. કૃત્ અને તદ્ધિત. કૃત પ્રત્યયો ધાતુને લાગે છે અને કૃદંતોનું નિર્માણ થાય છે. તદ્ધિત પ્રત્યયો ધાતુ સિવાયનાં પદોને લાગે છે જેમકે રામવત્. આવી રચનાને તદ્ધિત કહેવાય. એ સમાસથી ભિન્ન છે. લુપ્તોપમામાં એક અંગના લોપમાં સાધારણધર્મનો લોપ હોય તેવી ધર્મલુપ્તાના પૂર્ણા લુપ્તાની જેમ પાંચ પ્રકારો થઈ શકે. અહીં શ્રોતી તદ્ધિતગા શક્ય નથી. ઉપમાન લુપ્તામાં વાક્યગા આર્થી અને સમાસગા આર્થી એવા બે જ પ્રકારો શક્ય છે. ઉપમાપ્રતિપાદક શબ્દનો લોપ થાય ત્યારે તેના સંસ્કૃત વ્યાકરણને આધારે છ પ્રકારો પાડવામાં આવ્યા છે. દ્વિલુપ્તા ઉપમાની ત્રણ શક્યતાઓ છે. ૧, સાધારણધર્મ અને ઉપમાપ્રતિપાદક શબ્દનો લોપ થયો હોય. ૨, સાધારણધર્મ અને ઉપમાનનો લોપ થયો હોય કે ૩, ઉપમાપ્રતિપાદક શબ્દ અને સાધારણધર્મનો લોપ થયો હોય. આમાં પહેલા અને બીજા પ્રકારના બે પેટાપ્રકારો પડે છે અને છેવટે ઉપમાન, ઉપમાપ્રતિપાદક શબ્દ અને સાધારણધર્મનો લોપ થતાં ત્રિલુપ્તાનો એક પ્રકાર મળીને લુપ્તા ઉપમાના કુલ ૧૯ પ્રકારો અને પૂર્ણા ઉપમાના છ મળીને ઉપમાના કુલ ૨૫ પ્રકારો છે. વળી, એક ઉપમેયનાં અનેક ઉપમાન દર્શાવવામાં આવ્યાં હોય – ઉપમાની માલા હોય તો ‘માલોપમા’ જેવો અલંકાર પણ બને છે. જ.દ.