ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઊર્મિકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઊર્મિકાવ્ય : ‘ઊર્મિકાવ્ય’ એ સંજ્ઞા આપણે ત્યાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી પ્રચલિત બની છે. અંગ્રેજી સાહિત્યના અભ્યાસે ‘લિરિક’ (Lyric) કાવ્યસંજ્ઞાનો આપણને પરિચય થયો. ‘લિરિક’ શબ્દ ‘લાયર’(Lyre), (વીણા જેવું વાદ્ય) પરથી આવેલો છે. ‘લાયર’ની સાથે ગવાતું ગીત ‘લિરિક’ તરીકે ઓળખાતું. એટલેકે એ સંગીતપ્રધાન ગેયરચના હતી. આ કારણે જ અર્વાચીન સમયના આરંભકાળે નર્મદે એને ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’, ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ (એમાં રાગ શબ્દ શ્લેષથી સંગીતનો સૂચક છે) જેવા ‘લિરિક’ના પર્યાયો આપ્યા હતા. પરંતુ ક્રમેક્રમે સંગીત સાથેનો એનો સંબંધ ઓછો થતો ગયો કહોકે છૂટી ગયો એટલે જે ગાઈ શકાય એ જ ‘લિરિક’ એવી મર્યાદિત વ્યાખ્યામાંથી એને મુક્તિ મળી. ન્હાનાલાલે એને ‘ભાવકાવ્ય’ તરીકે ઓળખાવ્યું અને બળવંતરાયે ‘ઊર્મિકાવ્ય’ એવી સંજ્ઞા આપી જે આપણે ત્યાં ‘લિરિક’ના પર્યાય તરીકે પ્રતિષ્ઠા પામી અને રૂઢ થઈ. ઊર્મિકાવ્યમાં ઊર્મિનો-ભાવનો આવેગ તીવ્રતાથી પ્રગટ થાય છે. એમાં લાગણી સહજ રીતે સચ્ચાઈપૂર્વક વ્યક્ત થાય છે. સંગીત એટલેકે ગેયતા એનો અનિવાર્ય અંશ નથી. એની ચાલના બાણની જેમ સીધી ગતિની હોય છે. એમાં લાઘવ અપેક્ષિત છે પરંતુ આ લાઘવ કવિના સંવેદનની જરૂરિયાત પર અવલંબતું હોય છે. કવિના ચિત્તમાં સ્ફુરતું સંવેદનનું બીજ પોતે જ પોતાનો આકાર નિયત કરતું હોય છે. ઊર્મિકાવ્ય આત્મલક્ષી કાવ્ય છે. એ સ્વસંવેદનને જ સમુચિત પરિસરમાં વ્યક્ત કરે છે એટલે ઊર્મિકાવ્ય એ કવિની જાત સાથેની વાતચીત છે, પોતાની સાથેનો જ સંવાદ છે. ઊર્મિકાવ્ય ઊર્મિપ્રધાન હોવું જોઈએ એવો આગ્રહ સેવાયેલો. પરંતુ કાવ્યમાં તો ઊમિર્, વિચાર, કલ્પના જેવાં તત્ત્વોનું રસાયણ થયેલું હોય છે. ક્યાંક ઊર્મિની, ક્યાંક વિચાર કે ચિંતનની અને ક્યાંક કલ્પનાની પ્રધાનતા હોય છે. એ વાત સાચી કે ઊર્મિકાવ્ય આપણા ચિત્ત ઉપર ઊમિર્ના પ્રબળ સંસ્કાર મૂકી જતું હોય છે. આપણા ઊમિર્તંત્રને એ વિશેષ ઝંકૃત કરી જતું હોય છે. ઊર્મિકાવ્યમાં વિચાર, ચિંતન કે કલ્પનાને અવકાશ છે તેમ છતાં એનો ઝોક ઊમિર્તત્ત્વને પ્રભાવિત કરવામાં છે. ઊર્મિકાવ્ય ભાવને ઘૂંટે છે, તો એમાં ભાવના પલટાઓ પણ આવે છે. મુખ્ય ભાવને વિવિધ રીતે એ પુષ્ટ કરતા હોય છે એટલે કવિને એમાં ઉપદેશક બનવાનો અવકાશ મળતો નથી. ભાવનું ઉત્કર્ષબિન્દુ એમાં અનુભવાવું જોઈએ. કરુણપ્રશસ્તિ કાવ્યો કે કથનાત્મક કે ચિંતનાત્મક કાવ્યોમાં વિચાર-ચિંતનના તંતુથી એમાં પ્રસ્તાર થાય છે તેમ છતાં અંતે તો કાવ્યની ભાવપ્રબળતા જ સ્પર્શી રહે છે. મધ્યકાળમાં ‘ઊર્મિકાવ્ય’ સંજ્ઞા નહોતી પરંતુ નરસિંહ-મીરાંદયારામ જેવા કવિઓએ પદ-ભજન-ગરબી-ગરબો જેવા કાવ્યપ્રકારોમાં ઉત્તમ ઊર્મિકવિતા સિદ્ધ કરી છે. આખ્યાન જેવી દીર્ઘ રચનાઓમાં પણ આપણને વચ્ચે વચ્ચે ઊર્મિકાવ્યો જેવાં અનેક પદો મળે છે. મધ્યકાળના કવિઓએ પોતાના ભક્તિના ભાવાવેગને પદો-ભજનો વગેરેમાં ઉત્કટતાથી વ્યક્ત કર્યો છે. વર્ણન, કથન અને સંવાદ દ્વારા પદ-ભજનને નામે એમણે ઊર્મિકાવ્યનું સ્વરૂપ જ ઉપાસેલું છે. લાઘવ, આત્મલક્ષિતા અને બાણની ગતિ જેવી એકલક્ષિતાથી એ મધ્યકાલીન કાવ્યો શુદ્ધ ઊર્મિકાવ્યો બન્યાં છે. એ કવિતા સુગેય છે, ભાષા અને ભાવ, બંનેમાં સમૃદ્ધ છે. માત્ર પઠનથી પણ એમાંના ભક્તિ-જ્ઞાનવૈરાગ્ય આદિના ભાવો આપણા મનને ઝંકૃત કરે છે. કેટલીકવાર આ કવિઓએ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ (દયારામ) જેવી ગરબીમાં પાત્રોક્તિ દ્વારા નાટ્યોર્મિકાવ્યો પણ લખ્યાં છે. ‘કાચબા-કાચબીનું ભજન’ (ભોજો) જેવાં કે દયારામની ગરબીઓમાં જોવા મળે છે એવા સંવાદનિરૂપણ દ્વારા, કવિ પોતે નેપથ્યમાં રહીને પાત્રોના સંવાદમાં જ ભાવની ઉત્કટતાનું નિરૂપણ કરતા દેખાય છે. અર્વાચીન કવિઓએ પણ પાત્રોક્તિ રૂપે કે સંવાદ રૂપે પોતાનાં સંવેદનોને વ્યક્ત કર્યાં છે. ઊર્મિકાવ્યનો સર્જક વર્તમાનની ભાવક્ષણને વ્યક્ત કરે છે એટલે એની ભાષા પણ વર્તમાનકાળની હોય છે. પછી એમાં ઝિલાયેલું સ્મરણ કે સ્પંદન ભૂતકાળનું હોય કે ભાવિનું, અનુભૂતિનું ક્ષેત્ર તો વર્તમાનનું જ હોય છે. એલિયટે ઊર્મિકાવ્યમાં કવિનો ‘પહેલો અવાજ’ સંભળાય છે એમ કહ્યું છે. એમાં આપણે કવિની જાત સાથેની વાતચીતને ગુપ્ત રીતે સાંભળતા એના એકાંતસંલાપને આસ્વાદીએ છીએ પણ અર્વાચીન ગુજરાતી કવિઓએ પ્રણય, પ્રકૃતિ, દેશપ્રેમ જેવી વિવિધ ઊર્મિઓને નિરૂપીને ધર્મ-ભક્તિ-વૈરાગ્યની મધ્યકાલીન કવિઓની સંવેદનાથી જુદી જ દિશામાં ગતિ કરી. સંસ્કૃત વૃત્તોમાં ગેય કૃતિઓમાં, ગઝલોમાં (જેમકે ‘આપની યાદી’ : કલાપી) અને સ્વાતંત્ર્યોત્તરકાળની અછાંદસ રચનાઓમાં આપણે ત્યાં ઊર્મિકવિતા સિદ્ધ થઈ છે અને એમાં નવાં નવાં વલણો પ્રવેશતાં દેખાય છે. વર્તમાનયુગની સંકુલતાનું નિરૂપણ કરતું આજનું ઊર્મિકાવ્ય, રચનાપ્રક્રિયા વગેરે દ્વારા ભાષા, કલ્પનવિનિયોગ, માનવચિત્તની ગતિવિધિને આલેખી રહ્યું છે. કવિ જો મોટા ગજાનો હોય તો ઊર્મિકવિતાનું ગજું પણ ઘણું મોટું છે એ ગુજરાતી ઊર્મિકાવ્યના વિકાસે સ્પષ્ટ કર્યું છે. ચિ.ત્રિ.