ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઋગ્વેદ
ઋગ્વેદ : ઋચાઓનો વેદ એટલે ઋગ્વેદ. જ્યાં અર્થના આધારે પાદ-વ્યવસ્થા કરવામાં આવી છે તે ઋગ્ અર્થાત્ ઋચા કહેવાય. પાદ અને અર્થથી યુક્ત વૃત્તબદ્ધ મંત્રો તે ઋચા. ઋગ્વેદનું મહત્ત્વ અન્ય વેદોની સરખામણીમાં ઘણું વધારે છે. યજ્ઞમાં જે સામ કે યજુથી કહેવાય તે શિથિલ જ્યારે ઋચાથી કહેવાય તે દૃઢ મજબૂત હોય છે એવું વિધાન થયું છે. ઋગ્વેદમાં કુલ ૧૦ મંડલ, ૮૫ અનુવાક, ૧૦૨૮ સૂક્તો અને ૧૦૫૫૨ મંત્રો છે. આ ગણતરી મંડલ-વિભાગાનુસાર છે. તેની અષ્ટક વિભાગોની ગણતરીમાં ૮ અષ્ટક, ૬૪ અધ્યાય, ૨૦૨૪ વર્ગ અને ૧૦૫૫૨ મંત્રો છે. ઋગ્વેદનાં કુલ ૧૦ મંડલોમાંથી બીજું ગૃત્સમદ, ત્રીજું વિશ્વામિત્ર, ચોથું વામદેવ, પાંચમું અત્રિ, છઠ્ઠું ભરદ્વાજ અને સાતમું વસિષ્ઠ ઋષિનું મનાય છે. આ બધાં પરિવારમંડલ, ગોત્રમંડલ કે વંશમંડલ ગણાય છે. અગ્નિ, ઇન્દ્ર, વરુણ, ઉષા, અશ્વિનો અને પછી અન્ય દેવતાનાં સૂક્તો – એ પ્રમાણેની ગોઠવણી આ મંડલોમાં મળે છે. પહેલા અને છેલ્લા એટલે દસમા મંડલમાં ૧૯૧ સૂક્તો છે. વિષય, ભાષા, શૈલી વગેરેને કારણે આધુનિક વિદ્વાનો તેને પાછળની રચના માને છે. ભારતીય પરંપરામાં વેદનું વિભાજન કરનાર મહર્ષિ વેદવ્યાસે આનું વ્યવસ્થિત સંહતીકરણ કર્યું છે. ઋગ્વેદમાં એક પણ પાઠાન્તર નથી. તેની રચના આજથી પાંચથી દસ હજાર વર્ષો પૂર્વે થઈ હશે ત્યારથી આ જ સુધી તેને મૌખિક પરંપરામાં જાળવવામાં આવેલો છે. ઋગ્વેદની ૨૧ શાખાઓ હતી તેમાં શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડુકાયન આ પાંચ મુખ્ય શાખાઓ હતી. તેમાંથી આજ પહેલી બે જ ઉપલબ્ધ છે. વેદના મંત્રોનું ઋષિઓએ સર્જન નહોતું કર્યું પણ દર્શન કર્યું હતું એવી પરંપરિત માન્યતા છે. ઋગ્વેદમાં વિષયનું વૈવિધ્ય છે. તેમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ વગેરે વૈદિક દેવતાઓની સ્તુતિઓ છે તો ધર્મનિરપેક્ષ, ઐતિહાસિક, પ્રકૃતિવિષયક કે તત્ત્વજ્ઞાનનાં સૂક્તો પણ છે. નદી-વિશ્વામિત્રસંવાદ કે પુરુરવા-ઉર્વશીસંવાદ જેવાં સૂક્તો અત્યંત પ્રસિદ્ધ છે. ઋગ્વેદનું કાવ્યતત્ત્વ આધુનિક વિદ્વાનોને સ્પર્શી જાય તેવું છે. પ્રકૃતિના આ ઉદ્ગારોમાં ઋષિહૃદયની સરળતા અને નિર્મળતા ઉપરાંત અસાધારણ કલ્પનાશક્તિ, વિપુલ પારદશિર્તા, અભિવ્યક્તિની વિશદતા, ભાવોનું ઊંડાણ, જીવનદર્શનની વિપુલતા વગેરે નોંધપાત્ર છે. ઐતિહાસિક કે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ વેદનું અધ્યયન રસપ્રદ થઈ પડે તેવું છે, તો બીજી બાજુ ભારતીય દર્શનશાસ્ત્રોની પ્રત્યેક શાખા-પ્રશાખાના મૂળને આ ગ્રન્થમાં શોધવાનો વિદ્વાનોએ પ્રયત્ન પણ કર્યો છે. ગૌ.પ.